રિન્યુએબલ અને સોલાર એનર્જીના સેકટરમાં પણ ગુજરાત "ગ્લોબલ હબ' બની રહ્યું છે એવો ગૌરવપૂર્વક ઉલ્લેખ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
ગુજરાત સરકારની સોલાર એનર્જી પોલીસી અન્વયે સૂર્યઊર્જા ક્ષેત્રે દેશની અગ્રગણ્ય એવી એઝયુર પાવર દ્વારા સાબરકાંઠાના મોડાસા તાલુકામાં ખડોદા નજીક ૬૩ એકર જમીનમાં, માત્ર નવ જ મહિનામાં રૂા. ૧૭૦ કરોડના ખર્ચે આ સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પાંચ મેગાવોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ કાર્યરત થયો છે જે ભારતમાં સૌથી મોટો સૂર્યઊર્જા વીજળીનો પ્લાન્ટ છે. આ સોલર પાવર પ્લાન્ટથી ૧પ૦ ગામોમાં ર૦,૦૦૦ કુટુંબોના ધરોમાં સૂર્યઊર્જાનો સૂર્યોદય થયો છે. ભવિષ્યમાં એઝયુર પાવર વધુ પ મેગાવોટ વીજ સ્થાપિત ક્ષમતાનું આ સોલાર પાવર પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ થશે.
ભારત સરકારે સોલાર એનર્જીની પોલીસી ગુજરાત પછી અમલમાં મુકી છે. પરંતુ તેની નીતિમાં એવી વિસંગતતા છે કે હિન્દુસ્તાનમાં ગુજરાત અને રાજસ્થાન એવા પ્રદેશો છે જયાં સૌથી વધુમાં વધુ સૂર્યઊર્જા ઉપલબ્ધ છે પરંતુ ભારત સરકાર પાસે ગુજરાતમાં સૂર્ય ઊર્જાનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત આવે છે ત્યારે આવા વિકાસકારને ગુજરાત સિવાય બીજે બધે જ સૂર્યઊર્જાથી વીજળીમથક બનાવવા સમજાવાય છે. ગુજરાતને વિકાસમાં આગળ વધતું રોકવા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત અનેક પેંતરા કરે, વિકાસમાં રોંડા નાંખવાનો અન્યાય, અત્યાચાર કરે છે પણ ગુજરાતના વિકાસને કેન્દ્રની સલ્તનત રોકી શકી નથી. છ કરોડ ગુજરાતીઓના સમર્થનથી રાજ્ય સરકાર ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવી રહી છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં સૂર્યઊર્જાથી વીજઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકારે ૮૦૦ મેગાવોટ સોલાર પાવરનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ તેમાંથી ગુજરાતને માત્ર ને માત્ર ર૦ મેગાવોટની જ ફાળવણી કરવામાં આવી છે. આ ગુજરાતને સરાસર અન્યાય છે, એમ જણાવતાં તેમણે આક્રોશ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના સંકટની પરેશાનીનું વાતાવરણ છે ત્યારે સમયની માંગ છે કે, આપણા પૂર્વજોએ કુદરતના શોષણ કે સંધર્ષની નહીં પણ કુદરતી સંસાધનો સાથે સુસંગત એવી જીવનશૈલીનો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ફરી એકવાર ચાલવાની અનિવાર્યતા છે. આપણને જો ભાવિ પેઢીની ચિંતા હોય તો આપણું દાયિત્વ છે કે પ્રાકૃતિક સંસાધનોની અને પર્યાવરણની રક્ષા કરીએ.
ઊર્જાના સંકટના પડકારો ઝીલવા માટે પ્રકૃતિએ જે ઊર્જાના સંસાધનોની આપણને ભેટ ધરી છે તેના માધ્યમોનો વિકાસમાં સદ્દઉપયોગ કરીએ એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે કલાઇમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ સરકારમાં શરૂ કર્યો છે એટલું જ નહીં, આખા દેશમાં સૌથી પહેલી સૂર્ય ઊર્જા નીતિ ર૦૦૧માં અમલમાં મુકી દીધી છે. વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક પણ ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહ્યો છે જેમાં સૂર્યઊર્જા દ્વારા વીજ ઉત્પાદન ઉપરાંત સોલાર કોમ્પોનેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ આકાર લઇ રહ્યા છે અને વિશ્વભરની અગ્રગણ્ય સોલાર એનર્જી સેકટરની કંપનીઓ સહભાગી બની છે.
""દેશમાં આ સરકાર એવી છે કે જે વર્તમાન સમાજની સુખાકારીની તો ચિંતા કરે જ છે પણ ભવિષ્યની પેઢી માટે પણ ચિંતા કરીને વિકાસનો માર્ગ સુનિヘતિ કરી રહી છે'' એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વના ઊર્જાના નકશા ઉપર ખડોદાનું નામ ધ્રૃવ તારાની જેમ ચમકતું થઇ ગયું છે એવી આજની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બનેલા સૌને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ આડેના બધા ગ્રહણોથી મુક્ત રહીને આપણે પર્યાવરણના વિકાસ સાથે પ્રગતિની યાત્રાને જોડી છે અને તેથી જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇ સર કરી રહ્યું છે.
એઝયોર પાવરનો આ સોલાર પાવર પ્લાન્ટ ગુજરાત જ નહીં ભારતનો સૌથી મોટો સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ છે અને ટૂંક સમયમાં તેની સ્થાપિત ક્ષમતા બમણી થઇ જવાની છે. ગુજરાત સરકાર વિકાસની ઝડપ કેટલી ગતિથી આગળ વધારી રહ્યું છે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એ હક્કિતનો ખાસ ઉલ્લેખ કર્યો કે, ગુજરાતમાં ઔઘોગિક વિકાસ નવી હરણફાળ ગતિ ઉપર પહોંચ્યો છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વાવેતરનો વિસ્તાર એકલા ગુજરાતનો જ વધ્યો છે અને પર્યાવરણ ક્ષેત્રે સુરક્ષાની પહેલ પણ ગુજરાતે જ કરી છે.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર રાજ્ય છે જયાં સતત ર૪ કલાક વીજળી આપે છે. કોલસો અને ગેસ ન હોવા છતાં દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત કાર્યરત છે.
આજે પણ ખેડૂતોને ગુજરાત સરકાર વીજળીમાં રૂા. રપ૦૦ કરોડની સબસીડી આપે છે. વીજક્ષેત્રે થતો ભાવ વધારાનો બોજ ગુજરાત સરકાર ઉઠાવે છે અને રાજ્યની પ્રજા પર તેનો બોજ નથી પડવા દેતી. રાજ્યમાં છેવાડાના વિસ્તારના પરિવારોમાં પ લાખ વીજ કનેકશન આપ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોઇપણ ધર વીજસુવિધા વિનાનું હોય તો તાત્કાલિક વીજ કનેકશન આવશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આગામી એક જ વર્ષમાં ૧૪૦ નવા સબસ્ટેશનો શરૂ કરાનાર છે. જેનાથી ગામડાઓમાં સતત અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો ઉપલબ્ધ થાય એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વિશ્વનું "સોલાર કેપિટલ' બને તે દિશામાં ગુજરાતે ડગ માંડયા છે. ગુજરાત સરકારની હકારાત્મક વીજ નીતિ આ દિશામાં વધુ વેગવાન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આઇ.એફ.સી.ના ડાયરેકટર શ્રીમતી અનિતા જયોર્જે જણાવ્યું હતું કે, ગુજરાત એ ઊર્જા પાવર ક્ષેત્રનું શ્રેષ્ઠ રાજ્ય છે. એટલે જ ગુજરાતમાં આઇ.એફ.સી. રૂા. ૪પ૦ કરોડનું રોકાણ કરી ૧૦૦ મે.વો. સોલાર પાવર ઉત્પાદન કરવા કટીબદ્ધ છે. એઝયોરમાં પણ આઇ.એફ.સી.એ રૂા. ૪પ કરોડનું રોકાણ કર્યું છે.
એઝયોર પાવરે દેશમાં સોલાર સેકટરમાં રૂા. ૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને ર૦૧પ સુધીમાં આ રોકાણ વધારવા ઉત્સુક છે. જેનાથી મહત્તમ સોલાર ઊર્જાનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાત સરકારના આ ક્ષેત્રે હકારાત્મક પગલાંથી ગુજરાત "સોલાર પાવર'નું કેપિટલ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રોજેકટ અંગે માહિતી આપતાં એઝયોર પાવરના ચેરમેન શ્રી એચ. એસ. વાધવાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં અમને રાજ્યના પ્રતિનિધિઓ તરફથી અને ખાસ કરીને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી અત્યંત ફળદાયી સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રોજેકટ માટે જમીનની ફાળવણીથી માંડીને અન્ય જરૂરી પરવાનગી આપવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઝડપી સહયોગ આપી ગુજરાતે સારા ભવિષ્ય માટેની કલ્પનાને અમલીકરણ સાથે સુસંગત કેવી રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે. ભારતના ગામડાઓનું વીજળીકરણ કરવા માટે વિતરિત સૌર ઊર્જા એ ઉત્તમ વિકલ્પ છે અને અમે આ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ રહીશું, એમ જણાવી ગુજરાતનો આજે કાર્યાન્વિત કરેલો પ્લાન્ટ "વર્લ્ડ કલાસ' ટેકનોલોજી ધરાવે છે. ગુજરાત સરકારે ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. વિશ્વના અનેક ઉઘોગપતિઓ એટલે જ ગુજરાતમાં આવવા ઉત્સુક છે, એમ શ્રી વાધવાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન, "જેડા'ના અધ્યક્ષ શ્રી ઇશ્વરભાઈ ભાવસાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, એઝયોરના સીઇઓ શ્રી ઇન્દરપિ્રત વાધવા, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.