મા. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે
૬૩મા વન મહોત્સવ તથા શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનો લોકાર્પણ કાર્યક્રમ
માનગઢ હિલ, સંતરામપુર તાલુકા, પંચમહાલ
૩૦ જૂલાઈ, ૨૦૧૨
ગોવિંદ ગુરુની પ્રેરણાથી દેશની આઝાદીની લડત માટે જેમણે પોતાનું લોહી વહેવડાવ્યું છે એવી આ પવિત્ર ભૂમિ પર પધારેલ મધ્ય પ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના સૌ મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો...પહેલી વાર એવું બન્યું હશે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય..! ગુજરાત સરકારે એક વિશેષતા ઊભી કરી છે, અને વિશેષતા એ છે કે વન મહોત્સવ દ્વારા માત્ર પર્યાવરણ અને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે અને એકવાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાયને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતાં. ક્યાંય તમે જોયું છે કે ભાઈ તુલસીને નુકશાન ન કરતા એવું બોર્ડ મારવું પડે છે? ના, કારણ બધાના મનમાં ફીટ થઈ ગયું છે કે તુલસી અત્યંત પવિત્ર હોય, એ ભગવાનનું રૂપ હોય એટલે એને તો નુકશાન કરાય જ નહીં. આ બધાના મગજમાં ગોઠવાઈ ગયું છે. એકવાર કોઈપણ બાબતમાં શ્રદ્ધા પેદા થાય તો પછી સમાજ પોતે જ એનું સંરક્ષણ પણ કરે છે, સંવર્ધન પણ કરે છે. અને તેથી આ રાજ્ય સરકારે વન મહોત્સવની આખી કલ્પનાને બદલી નાખી છે. બીજી બાબત કે આ વન મહોત્સવ આટલા બધા વર્ષોથી ચાલે છે એ સમાજ માટે કાયમી ઉપયોગી ઘરેણું કેમ ન બને? માત્ર એક મેળાવડો કરીને પાંચ-પચાસ વૃક્ષો વાવીને જતા રહેવું કે એને એક યાદગાર સ્મૃતિરૂપે તૈયાર કરવું, રાજ્યની અસક્યામતમાં ઉમેરો કરવો, સમાજજીવનની આવશ્યકતામાં એક સગવડ ઊભી કરવી, આવા એક સુભગ હેતુથી, એક સુખદ હેતુથી આ સરકારે વન મહોત્સવના કાર્યક્રમોને પણ સમાજ માટે કાયમી વ્યવસ્થાઓ વિકસે એવું એક નવું રૂપ આપ્યું છે.
આપ અંબાજી જાવ તો અંબાજીમાં ધર્મશાળા મળી જાય, અંબાજીમાં મંદિરનો આશરો મળી જાય પણ કુટુંબ સાથે કોઈ જગ્યાએ ખુલ્લામાં બેસવું હોય તો જગ્યા ન મળે. વન મહોત્સવ કરવાનો જ હતો તો આપણે નક્કી કર્યું વર્ષો પહેલાં કે અંબાજીનો એક ડુંગરો હશે બાજુમાં, જ્યાં કોઈ જોતું ય નથી કે જતું ય નથી, ત્યાં આપણે ‘માંગલ્ય વન’ બનાવો. ધીરે ધીરે ધીરે માંગલ્ય વન એટલું મોટું થઈ ગયું છે કે ભાદરવાની પૂનમે લાખો લોકો જ્યારે મા અંબાજીના દર્શને જાય છે ત્યારે આ માંગલ્ય વન તેમના માટે મંગલકારી પુરવાર થઈ ગયું છે, આશીર્વાદરૂપ બની ગયું છે. જૈન સમાજના યાત્રીઓ, ખાસ કરીને દિગંબર સમાજ, તારંગાજીએ યાત્રા કરવા જતા હોય. તારંગા જઈને ડુંગરો તમે જુઓ, એકેય ઝાડ જોવા ન મળે અને એક પટ્ટો તો એવો છે કે જ્યાં ધૂળની ડમરીઓ જ ઊડતી હોય, વેરાન ભૂમિ, પથ્થરોના ઢગલા... એની વચ્ચે ખૂણે ખાંચરે પડેલા મંદિરો, એવી ભગ્નાવસ્થા..! તારંગાજી જેવું તીર્થક્ષેત્ર, ત્યાં આપણે નક્કી કર્યું કે ‘તીર્થંકર વન’ બનાવીશું અને ચોવીસમા તીર્થંકર જેમને જે વૃક્ષની નીચે બોધ થયો હતો તે વૃક્ષને વાવીશું અને એ વૃક્ષને વાવીશું અને જે લોકો ભગવાન મહાવીરની ઉપાસના માટે તારંગાજી આવે એમને કહ્યું કે થોડું થોડું પાણી અહિંયાં પણ ચઢાવતા જાઓ, એ પણ એક પુણ્યનું કામ થશે અને આજે તીર્થંકર વન તૈયાર થઈ ગયું છે. ભાઈઓ-બહેનો, શ્રાવણ મહિનો ચાલે છે, ભોળાનાથને સૌ યાદ કરે. સોમનાથ તમે જાવ તો ખારીપટ હવા દરિયાની આવતી હોય, એમાં પણ લીલુંછમ કેમ ના હોય? સોમનાથના મંદિરે કોઈ આવે, દેશભરના લોકો આવતા હોય તો સોમનાથના મંદિરે આંખને ગમે એવું વાતાવરણ કેમ ન બનાવીએ? એક વન મહોત્સવ આપણે સોમનાથમાં કર્યો. ‘હરિહર વન’ બનાવ્યું અને હરિહર વન બનાવ્યું એટલું જ નહીં, ભગવાન સોમનાથને, ભોળાનાથને જે વૃક્ષો પસંદ હોય એવા વૃક્ષોનું વાવેતર કર્યું, બીલીનાં વૃક્ષોનો ઘટાટોપ ઊભો કરી દીધો. શામળાજીમાં આપણો કાળિયો, તમારા આદિવાસી ભીલ સમાજનો કાળિયો, શામળાજીમાં બિરાજે. લોકો આવતાં-જતાં ઉદેપુર જતા હોય, શ્રીનાથજી જતા હોય અને સમય હોય તો શામળાજી ડોકિયું કરી આવે પણ રોકાય નહીં. આપણે શામળાજીમાં આ કાળિયાનું વન બનાવ્યું, ‘શામળ વન’ બનાવ્યું અને એટલું જ નહીં, વિષ્ણુ ભગવાનને રોજ સવારમાં જે કમળનું પુષ્પ ચઢતું હોય છે એ તાજું પુષ્પ આ કાળિયાના વનમાં મળી રહે એના માટેની વ્યવસ્થા કરી. આજે કોઈપણ યાત્રી ત્યાં જાય અને હવે તો ત્યાં કેવો સુમેળ છે, ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે જેથી કરીને બૉટનીનો અભ્યાસ આ બાળકો ત્યાં જાય તો કરી શકે અને કિઓસ્કમાં એક્ઝામ આપી શકે અને જાતે જાતે માર્ક મળી શકે એવી વ્યવસ્થા કરી છે. બાળક શામળાજીના દર્શન પણ કરે છે, જોડે જોડે આ બૉટનિકલ ગાર્ડનનાં પણ દર્શન કરે છે. ભાઈઓ-બહેનો, પાલિતાણા. તીર્થક્ષેત્રની યાત્રા માટે લોકો આવે, પાલિતાણા ઉપર જાય, રસ્તાની અંદર એક સરસ મજાની જગ્યા જોઇએ, આપણે ત્યાં ‘પાવક વન’ બનાવ્યું અને પાવક વનની વિશેષતા એવી કરી કે એમાં એક આખા શરીરની રચના કરી અને કયું ઔષધીય વૃક્ષ કયા પ્રકારના રોગ માટે કામમાં આવે... ઘૂંટણ હોય, શરીર બનાવ્યું હોય તો ઘૂંટણ પાસે વૃક્ષ વાવ્યું, હૃદયની બિમારીમાં કામમાં આવનારું વૃક્ષ હોય તો જ્યાં હૃદય હોય ત્યાં બનાવ્યું, આંખની બિમારી માટે કામ આવનારું વૃક્ષ હોય તો જ્યાં આંખ હતી ત્યાં બનાવ્યું..! ગરીબમાં ગરીબ, અભણમાં અભણ, સામાન્યમાં સામાન્ય માનવી આવે તો એને ખબર પડે કે શરીરને ઉપયોગી કયાં કયાં વૃક્ષો છે, ઔષધ તરીકે કેવા ઉપયોગો થાય છે અને આજે લોકો અભ્યાસ માટે ત્યાં આવે છે. કલાક-બે કલાક તે વનમાં ફરે અને એને ખબર પડે કે આ વૃક્ષનું શું મહત્વ છે..! ભાઈઓ-બહેનો, આવા તો અનેક નવતર પ્રયોગો કર્યા. ચોટીલા જાવ તો ‘ભક્તિ વન’ જોવા મળે. પાવાગઢ આવો તમે, અહિંયાં પાવાગઢની અંદર ‘વિરાસત વન’ બનાવ્યું છે. વર્લ્ડ હેરિટેજની જગ્યા હોય ચાંપાનેરની, આ બાજુ મા કાળી બિરાજમાન હોય અને બન્નેની સાક્ષીએ ઊભું હોય એવું આપણે વિરાસત વન બનાવ્યું.
અને આજે જ્યારે વન મહોત્સવની વાત આવી ત્યારે ગોવિંદ ગુરુ, ભાઈઓ આદિવાસીઓની છાતી ગજ ગજ ફૂલે એવું નામ, કોઈપણ ભારત ભક્તનું માથું ઊંચું થાય એવું નામ. પણ કમનસીબે એ નામને ઇતિહાસના ચોપડેથી ભૂંસી નાખવામાં આવ્યું. બહુ બહુ તો પાંચ-પચાસ કુટુંબો, કે બે-ચાર મહંતો જ એમને યાદ કરતા હોય એટલું સીમિત કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકો કદાચ ભક્તિભાવથી પૂર્ણિમાએ મેળો થતો હોય અને આવતા હોય બાર મહિનામાં એકવાર એટલા પૂરતી એમની ગણના રહી. ભાઈઓ-બહેનો, આ ઐતિહાસિક ઘટના છે અને એને હવે શતાબ્દી થવા આવી છે ત્યારે ૧૯૧૩ માં આજથી નવાણું વર્ષ પહેલાં જેનું હવે શતાબ્દી વર્ષ શરૂ થયું છે, આ જ ભૂમિ પર ગોવિંદ ગુરુની પ્રેરણાથી નિ:શસ્ત્ર સમાજ સુધારક તરીકે કામ કરનારા ભગતોનો સમૂહ, સંત સભાના લોકો, આ સંપ સભાના લોકો સમાજ સુધારવાનું કામ કરે, અંગ્રેજ સલ્તનત સામે પોતાનો અવાજ ઉઠાવે અને ગોવિંદ ગુરુથી આ અંગ્રેજ સલ્તનત ફફડી ગઈ. પંચમહાલ જિલ્લાના સંતરામપુર-દાહોદના પટ્ટાની અંદર ભેખધારી એક સમાજ સુધારક એ હરતો જાય, ફરતો જાય, મળતો જાય, વાત કરતો જાય અને લોકોમાં એક નવી ચેતના જગાવતો જાય અને એનું પરિણામ શું આવ્યું? છેક લંડનમાં ખબર પડી કે આ એક એવો માણસ છે કે જેની પાછળ પાછળ આ આદિવાસી ભાઈઓ પોતાનું જીવન આપી દેવા માટે તૈયાર થયા છે, આદિવાસીઓ પોતાની જીંદગી આપી દેવા તૈયાર થયા છે અને આ જો આવડો મોટો તોપનો ગોળો જો અંગ્રેજો બાજુ ફર્યો તો એમની કત્લેઆમ થઈ જશે એવો ડર હતો. ગોવિંદ ગુરુને સીધા કરવાના ષડયંત્ર રચાયાં. સ્પેશ્યલ માણસો મૂકાયા, નક્કી કરવામાં આવ્યું કે આ ગોવિંદ ગુરુને પતાવી દો. પણ ગોવિંદ ગુરુના ભક્તો એવા હતા કે એ આદિવાસી ભાઈઓએ ભારતમાતાની આઝાદીને માટે અંગ્રેજો સામે ઝૂકવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ભાગવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ગોવિંદ ગુરુને એકલા મૂકીને દોડવાની કોશિશ ન કરી, અંગ્રેજોની સામે ગયા મારા વીર આદિવાસીઓ, અંગ્રેજોની સામે લડ્યા. એમના તોપના નાળચા હતાં ને બંદૂકના નાળચા હતાં, ગોળીબારની રમઝટ ચાલતી હતી અને એક પછી એક મારા આદિવાસી ભાઈઓ શહીદ થતા જતા હતા પણ ગોવિંદ ગુરુને ઊની આંચ ન આવે એના માટે પોતે બલિદાન દેતા હતા. લાશોના ઢગ ખડકાઈ ગયા. આપ વિચાર કરો, જલિયાંવાલા બાગ કરતાં ડબલ લોકો અહીંયાં શહીદ થયા છે. જલિયાંવાલા બાગનું નામ તો ઇતિહાસમાં પડ્યું છે, પરંતુ માનગઢનો કોઈ ઉલ્લેખ ન કરે એવી રીતે ઇતિહાસને ભુલાવી દેવામાં આવ્યો છે, મારા આદિવાસી ભાઈઓને ભુલાવી દેવામાં આવ્યા છે. દેશની આઝાદી માટે મરનાર બિરસા મુંડા હોય કે ગોવિંદ ગુરુની પ્રેરણાથી શહીદ થનાર પંદરસો કરતાં વધારે મારા ભીલ યુવકો હોય આ બધા લોકોએ આ ભારતમાતાને આઝાદ કરવા માટે જીવન આપ્યાં હતાં, બલિદાન આપ્યું હતું પણ ઇતિહાસમાં એને ભુલાવી દેવામાં આવ્યા. અને આજે એ વાતને મારી-ઠોકીને દુનિયા સામે મારે લઈ જવી છે. એની શતાબ્દી જ્યારે ઊજવીશ, આખું વર્ષ આદિવાસી સમાજના લોકો અહિં આવશે, યાત્રા નીકળ્યા કરશે, અવિરત યાત્રા ચાલ્યા કરશે અને ૨૦૧૩ માં જ્યારે શતાબ્દી વર્ષ પૂરું થતું હશે ત્યારે આપણને ગર્વ થશે કે મહાત્મા ગાંધીની શતાબ્દી સૌ કોઈ ઊજવે, પંડિત નહેરુની શતાબ્દી સૌ કોઈ ઊજવે, મહાપુરુષની શતાબ્દીઓ સૌ કોઈ ઊજવે પણ કોઈક તો જોઈએ જે ગોવિંદ ગુરુને, આ મહાન વિરાસતને, આ શહાદતને, જેનાં અજાણ નામ કોઈને ખબર નથી એવા પંદરસો કરતાં વધારે લોકો જો અહિં શહીદ થયા હોય તો એ શહાદતની શતાબ્દી પણ કોઈકે ઊજવવી જોઇએ. ગુજરાતમાં કોઈક તો છે કે જેની એને યાદ આવી છે અને એને ઊજવવી છે. કેટલાક લોકોને એમ લાગે છે કે આ બધું તો ચૂંટણી આવી એટલે થાય છે. હવે ભાઈ, આ શતાબ્દી કંઈ અમે નક્કી કરી હતી..? શતાબ્દી અને ચૂંટણી ભેગી થઈ જાય એ અમારો ગુનો..? એ ૧૯૧૨ માં બન્યું હતું ને આ ૨૦૧૨ માં આવી, એમાં અમારો કંઈ ગુનો છે, ભાઈ? અને આ બધી બાબતોને ચૂંટણી સાથે જોડીને, તેને રાજકારણ સાથે જોડીને આ બલિદાનોનું મહત્વ ઓછું આંકનારા લોકો આ શહીદોનું અપમાન કરે છે..!
ભાઈઓ-બહેનો, શ્યામજી કૃષ્ણ વર્મા, હિંદુસ્તાનની અંદર સશસ્ત્ર ક્રાંતિનું જેણે નેતૃત્વ કર્યું, વીર સાવરકર જેવા મહાપુરુષો જેણે આપ્યા, મદનલાલ ધીંગરા જેવા લોકોમાં વીરતા પ્રેરી, ભગતસિંહ-સુખદેવ-આઝાદ જેવા લોકો જેને પ્રેરણા માનતા હતા એ શ્યામજી કૃષ્ણ વર્મા, આપણા ગુજરાતના કચ્છના છોરુ, અંગ્રેજોની સામે લંડનમાં અંગ્રેજોના નાક નીચે આઝાદીની લડાઈ લડતા હતા, આ દેશના સશસ્ત્ર ક્રાંતિ કરનારા લોકોને શિષ્યવૃત્તિ આપીને તૈયાર કરતા હતા. એ શ્યામજી કૃષ્ણ વર્મા ૧૯૩૦ માં ગુજરી ગયા ત્યારે લખીને ગયા હતા કે મને તો જીવતે જીવ આઝાદી જોવા ન મળી, પણ મારાં અસ્થિ સાચવી રાખજો, મારાં હાડકાં સાચવી રાખજો, અને જ્યારે મારો દેશ આઝાદ થાય ત્યારે મારી અંતિમ ઇચ્છા છે કે મારા અસ્થિ મારા આઝાદ હિંદુસ્તાનની ધરતી પર લઈ જજો. જેથી કરી મને મોક્ષ મળે, મને શાંતિ મળે. આવું શ્યામજી કૃષ્ણ વર્મા લખીને ગયા હતા. ૧૯૩૦ માં એમનો સ્વર્ગવાસ થયો, ૧૯૪૭ માં દેશ આઝાદ થયો, પંદરમી ઓગસ્ટે તિરંગો ઝંડો ફરકાવ્યા પછી બીજા જ દિવસે દિલ્હી સરકારે માણસ મોકલીને આ અસ્થિ હિંદુસ્તાનમાં લાવવા જોઇતા હતા. પણ એમને શહીદોની પડી નહોતી, દેશને માટે જીવનારા, દેશને માટે મરનારાઓની પરવા નહોતી અને તેથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ત્યાં પડ્યા રહ્યાં. ભાઈઓ-બહેનો, એ સૌભાગ્ય મને મળ્યું, ભારતમાતાના એ સપૂતના અસ્થિ હું ખભા પર ઊંચકીને વિદેશની ધરતી પરથી ૨૦૦૩ માં અહિંયાં લઈ આવ્યો. અને આજે શ્યામજી કૃષ્ણ વર્માનું એક અત્યંત પ્રેરક સ્મારક કચ્છના માંડવી ઉપર ઊભું કર્યું છે. કોઈપણ ભારતમાતાને પ્રેમ કરનારો નાગરિક જાય એને જોતાંની સાથે લાગે કે આવા આવા આપણા વીરપુરુષો..! આજે વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે, દેશ-દુનિયાના ટુરિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે. એક દિવસ એવો આવશે કે ગોવિંદ ગુરુની સ્મૃતિમાં અહિંયાં જે સ્મારક બન્યું છે, શહાદતને યાદ કરી છે એવું આ શહીદવન સ્મૃતિવન બન્યું છે, એમાં પણ દેશ અને દુનિયાના લોકો આ પંદરસો કરતાં વધારે મારા શહીદ ભીલ કુમારોને હંમેશાં પુષ્પવર્ષા કરવા માટે આ ધરતી પર પધારશે એ વાતાવરણ બનાવવાનું મેં કામ કર્યું છે.
ભાઈઓ-બહેનો, આઝાદીના આટલાં વર્ષ થયાં, આટઆટલા સમાજ સુધારકો થયા. તમે જુઓ અમે ત્યાં એક નાનકડું પ્રદર્શન મૂક્યું છે. એ જમાનામાં ગોવિંદ ગુરુ કેવી પ્રેરણા આપતા હતા, કેવા વચનો કહેતા હતા..! એ વચનો આજે પણ કામમાં આવે એવા વચનો એ વખતે કહેતા હતા. એક એક વાત ઊતરે એટલા માટે ભગત પંથ ચલાવીને ભગતોને તૈયાર કરીને સમાજ સુધારણાનું કામ કરતા હતા. અને જીવનના કેટલા બધાં વર્ષો જેલમાં કાઢયાં, અમદાવાદની સાબરમતી જેલમાં પણ રહ્યા. અંગ્રેજ સરકારને ભય લાગ્યો તો છેક હૈદરાબાદની જેલમાં મોકલી આપ્યા, હૈદરાબાદની જેલમાં જીંદગી ગુજારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એ ગોવિંદ ગુરુ, એમને ભૂલવાડી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના કલ્યાણને માટે જીવન ખપાવી દેનાર વ્યક્તિને આ દેશમાં ભૂલવા નહીં દેવામાં આવે. આવનારી પેઢીઓ યાદ રાખે એના માટેનો અમે સંકલ્પ કર્યો છે અને એ વાત અમે પહોંચાડવા માગીએ છીએ. શહાદત એળે ન જઈ શકે અને જ્યારે ભીલકુમારો જાણશે કે એમના પૂર્વજોએ આટલું મોટું બલિદાન આપ્યું હતું ત્યારે જેમ એકલવ્યમાંથી પ્રેરણા લે છે તેમ ગોવિંદ ગુરુમાંથી પણ પ્રેરણા મળશે એવો મને વિશ્વાસ છે.
ભાઈઓ-બહેનો, આઝાદીના આટલા બધાં વર્ષોમાં આદિવાસીઓના કલ્યાણને માટે આ બધી સરકારો નિષ્ફળ ગઈ. આદિવાસીઓના નામે ખોબલે ખોબલા વોટ લઈ ગયા, પણ આદિવાસીઓના જીવનમાં બદલાવ ન આવ્યો. આ સરકારે પ્રયત્ન આદર્યો કે આદિવાસીઓના ઘર સુધી પીવાનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓના ખેતર સુધી સિંચાઈનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓને રહેવા માટે ઘર કેમ મળે, ઝાડની નીચે જીંદગી ગુજારનાર આદિવાસી એને ઘર કેવી રીતે મળે એની ચિંતા આ સરકારે કરી છે. ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના ગરીબીની રેખા નીચે જીવનારા બધા જ આદિવાસીઓને મકાન આપવાનું કામ પૂરું કરી દીધું. અને હવે ઉપાડવાનાં છીએ, સત્તરથી વીસ વચ્ચે આવનારા અને એના કારણે લગભગ બે લાખ કરતાં વધારે આદિવાસીઓને ઘર આપવાનું કામ અમે આગામી ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાના છીએ. આપ વિચાર કરો, પચાસ વર્ષમાં આ કામ કોઈ નથી કરી શક્યું, એ કામ અમે કરવા માટેની મથામણ આદરી છે અને એ કામનો લાભ લોકોને મળે એના માટેનું કામ કર્યું છે. ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ, વનબંધુ કલ્યાણ યોજનામાં નક્કી કર્યા હતા ૧૫,૦૦૦ કરોડ અને પહોંચાડ્યા ૧૮,૦૦૦ કરોડ અને હવે તો મામલો પહોંચાડ્યો છે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા, ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મારા આદિવાસી પ્રજાના. ભાઈઓ-બહેનો, સમાજોને લડાવવા માટે અનામતના નામે તોફાનો કરાવે, બધું કરે, બીજાને ઉશ્કેરવા માટેની વાતો કરે. પણ મારા અનામતની અંદરનો લાભ ક્યારે મળે, ભાઈઓ? મારા આદિવાસી દીકરાને ડૉક્ટર થવું હોય, મારા આદિવાસી દીકરાને એન્જિનિયર થવું હોય તો પહેલા બારમા ધોરણની નિશાળ તો જોઇએ કે નહીં વિજ્ઞાન પ્રવાહની..? તમને જાણીને દુ:ખ થશે ભાઈઓ-બહેનો, ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એકપણ બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ નહોતી. હું ૨૦૦૧ માં આવ્યો ત્યારે આ રાજ્યમાં ૪૫ તાલુકા એવા હતા કે જેમાં બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. જો બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા જ ન હોય તો એ ડૉક્ટર અને એન્જિનિયર ક્યાંથી થવાનો છે? અનામતનો લાભ ક્યાંથી લેવાનો છે? અને અનામતના નામે ઝગડા કરીને તમારું રાજકારણ ચલાવ્યા કરો છો પણ આદિવાસીઓનું ભલું ન કર્યું. ભાઈઓ-બહેનો, અમે એ પિસ્તાલીસે પિસ્તાલીસ આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની બારમા ધોરણની શાળાઓ ચાલુ કરી દીધી અને એનું પરિણામ એ આવ્યું કે આજે મેડિકલની, એન્જિનિયરિંગની આદિવાસીઓની બધી જ સીટો ભરાવા માંડી. આદિવાસી છોકરો એન્જિનિયર બને, આદિવાસી છોકરો ડૉક્ટર બને એની દિશામાં અમે કામ કર્યું. નર્સિંગની કૉલેજો ચાલુ કરી, આદિવાસી વિસ્તારમાં આઈ.ટી.આઈ. ચાલુ કરી. આદિવાસીનો દીકરો આજે ભણતો થાય, આગળ વધે એની ચિંતા કરી.
એક જમાનો હતો મારા પંચમહાલ તાલુકાના આદિવાસીઓ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રોડનું કામ કરવા માટે, ડામરનું કામ કરવા માટે શહેરોની અંદર તપતા પડ્યા હોય, ધોમધખતા તાપ નીચે ડામરના રોડ બનાવવાનું કામ કરતા એવા દિવસો હતા. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લાનો કોઈ એવો તાલુકો નથી કે જ્યાં આગળ મારા આદિવાસીઓ આજે રોડના કૉન્ટ્રેક્ટર ન બન્યા હોય. જેસીબી લાવતા થઈ ગયા છે. હમણાં એક સદભાવના મિશનના કાર્યક્રમમાં મને મારા આ ગરીબ સમાજના લોકો મળવા આવ્યા, બક્ષીપંચના ગધેડા હાંકનારા લોકો અને ગધેડા પર માટી ઊંચકીને લઈ જનારા લોકો મને મળવા આવ્યા. અને મારે માટે એક રમકડું લઈ આવ્યા, સદભાવના મિશનમાં પ્લાસ્ટિકનું રમકડું મને ભેટ આપ્યું. હું હસી પડ્યો, મેં કહ્યું તમે મને આ પ્લાસ્ટિકનું જેસીબીનું રમકડું શું કામ આપ્યું? મારા પરિવારમાં તો રમે-રમાડે એવું કોઈ નથી, મને હસવું આવ્યું. તો મને કહે કે સાહેબ, અમે આ જેસીબીનું રમકડું એટલા માટે લાવ્યા છીએ કે ગઈકાલ સુધી અમે ગધેડા હાંકતા હતા, આ તમારી સરકારમાં પ્રગતિ થઈ, અમારા ઘરમાં જેસીબી આવ્યું છે તેનો નમૂનો તમને બતાવવા આવ્યા છીએ, એનો આભાર માનવા આવ્યા છીએ. આજે મારા પંચમહાલના, દાહોદના આદિવાસી અને બધા તાલુકામાં જો જો મિત્રો, આજે મારો આદિવાસી રોડનો કૉન્ટ્રેક્ટર બન્યો છે, ગઈકાલ સુધી મજૂરી કરતો હતો. મારો ડાંગ જિલ્લો, આદિવાસી ભાઈઓ, એમના કલ્યાણ માટેની કોઈ યોજનાઓ જ નહોતી. અમે ડાંગ જિલ્લામાં દૂધ ઉત્પાદનના કામો ઉપાડ્યાં, ગાયો-ભેંસો આપવાની દિશામાં વળી ગયા. આજે મારા ડાંગ જિલ્લાનો આદિવાસી પગભર થઈ ગયો. અમે દાહોદ જિલ્લામાં અભિયાન ઉપાડ્યું છે, દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધે, દુધાળાં પશુઓ મળી રહે એના માટેનું કામ ઉપાડ્યું છે. અમે એક બાજુ આદિવાસી ભાઈઓને ગાય-ભેંસ દૂધ ઉત્પાદન કરતા થાય એના માટે આપીએ છીએ, ત્યારે દિલ્હી સરકારે શું માંડ્યું છે ખબર છે? દિલ્હી સરકારે કતલખાનાંઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું છે. પચાસ કરોડ રૂપિયા કતલખાનાંઓને સબસિડી આપે અને ગાયનું માંસ વિદેશ મોકલો તો તમને સબસિડી આપે અને લાખો ટન ગાયનું માંસ વિદેશ મોકલવાનું કામ આ દિલ્હીની સરકાર કરે છે. આ દેશ એવો હતો કે ૧૮૫૭ ની ક્રાંતિ થઈ હતી, એ ગાયની ચરબી ઉપર ક્રાંતિ થઈ હતી, બુલેટ ઉપર ગાયની ચરબી છે એટલી વાત માત્રથી હિંદુસ્તાન જાગી ગયું હતું. એ હિંદુસ્તાનમાં આજે દિલ્હીની સરકાર ગાયનું માંસ વિદેશમાં મોકલવા માટે પ્રોત્સાહક ઇનામો આપે છે..! આ કમનસીબી વચ્ચે દેશ જીવી રહ્યો છે ત્યારે મારા ભાઈઓ-બહેનો, ગૌ માતાની રક્ષા માટે ગોવિંદ ગુરુએ જીંદગી આપી. ગામડે ગામડે ફરીને ગૌ પાલન માટેનું શિક્ષણ આપવાનું કામ ગોવિંદ ગુરુએ કર્યું હતું. એ ગોવિંદ ગુરુમાંથી પ્રેરણા લઈને આટઆટલા લોકો શહીદ થઈ ગયા અને અંગ્રેજ સરકારને નાકે દમ લાવી દીધો હતો એ માનગઢને ભૂલી ન શકાય. આ માનગઢે જ ગુજરાતનું માન વધાર્યું છે, આ ગુજરાતનો માન-મરતબો વધારવાનું કામ આ માનગઢના મારા શહીદોએ કર્યું છે. એ શહાદતને યાદ કરીને આ ‘શહીદ સ્મૃતિ વન’ એ આપણે આપ્યું.
ભાઈઓ-બહેનો, પર્યાવરણ સામે લડવું હશે તો વૃક્ષો બચાવવાં પડશે, વૃક્ષો વાવવાં પડશે. વરસાદ ખેંચાય તો કેવો જીવ તાળવે બેસી જાય છે..? સમાજનો કોઈ એવો વર્ગ નહીં હોય કે વરસાદ ખેંચાવાને કારણે દુ:ખી ન હોય. રાજા હોય કે રંક હોય, વરસાદ ખેંચાય તો સૌ કોઈ દુ:ખી હોય, હરએકના મનમાં પીડા હોય કે ભાઈ, વરસાદ આવે તો સારું. કેટલાક નકામા લોકો પણ છે, એ લોકો યજ્ઞો કરે છે, યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરશે કે વરસાદ ન આવે તો સારું, તો અમને ચૂંટણીમાં સહેલું પડે, બોલો આવી વાત..! અરે ભાઈ, ચૂંટણીઓ જીતવા માટે આ પ્રજાને દુ:ખમાં નાખવાની ન હોય, આ પ્રજાને પીડા થાય એવું કરવાનું ન હોય. અરે, ચૂંટણીઓ તો આવશે અને જશે, પરંતુ મારો આ સમાજ અજરામર છે. જો એને પાણી ઈશ્વરની કૃપાથી નહીં મળે તો કેટલી બધી વિપદાઓ આવશે. આપણે બધા પ્રાર્થના કરીએ, ગોવિંદ ગુરુના ધામમાં પ્રાર્થના કરીએ કે ઈશ્વર વરસાદનો પ્રસાદ આપે અને આપણું ગુજરાત લીલુંછમ બનવાની દિશામાં આગળ વધે, એનો અવસર આપણે લઈએ. વરસાદ એ તો ઈશ્વરે આપેલી મોટામાં મોટી કૃપા છે, એના વગર જીવન શક્ય ન બને. એ પાણી માટેની પૂજા એ સમાજ માટેના ભવિષ્યની ગેરંટી માટેનું એક સાધન છે. ભાઈઓ-બહેનો, વિકાસનો માર્ગ અમે લીધો છે, વિકાસના માર્ગ પ્રમાણે જવું છે, અમારા આદિવાસીઓની જીંદગી બદલવી છે..! હમણાં ભારત સરકારે એક આંકડો બહાર પાડ્યો. ભારત સરકારે કહ્યું કે આખા દેશમાં જે બેરોજગારી છે, એમાં ઓછામાં ઓછી બેરોજગારી ક્યાંય હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. જો આપણે વિકાસ ન કર્યો હોત તો આ રાજ્યના નવજુવાનોને રોજગારી ન મળી હોત. અને જુવાનિયાઓને રોજગારી નહીં મળે તો એમના કુટુંબની સ્થિતિ નહીં બદલાય અને તેથી અમારી મથામણ છે કે જવાનિયાઓને રોજગારી મળે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા, સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા, કૌશલ્યવર્ધન કાર્યક્રમો દ્વારા પ્રત્યેક નવજુવાનને કામ શિખવાડવું છે જેથી કરીને પથ્થર પર પાટુ મારીને પણ પાણી કાઢી શકે એવી એનામાં તાકાત આવે. એ તાકાત ઊભી કરવાનું કામ ઉપાડ્યું છે.
ભાઈઓ-બહેનો, માનગઢ આવો વેરાન પ્રદેશ, અહીં પહોંચવું પણ કઠિન અને એક પર્વતની નાનકડી ટોચ પર જે રીતે મેં માનવ મહેરામણ જોયો, હેલિકૉપ્ટરથી હું જોતો હતો કેટલા બધા માણસો ઊભા હતા, અંદર તો કશું જ નથી. આટલો મોટો માનવ મહેરામણ, ગોવિંદ ગુરુની યાદ તાજી કરવામાં અમારું જે સપનું હતું એનું બીજ વવાઈ ગયું, દોસ્તો. હવે ગોવિંદ ગુરુને ગમે તેવા ખેરખાંઓ આવેને તો પણ ભૂલવાડી નહીં શકે. ઇતિહાસના પાને શહાદતની વાતોને ભૂંસવાની કોશિશ કરનારા લોકો હવે નિષ્ફળ જશે એવું આ દ્રશ્ય મને દેખાય છે. ઇતિહાસના પાના પરથી શહાદતને કોઈ ભૂંસી નહીં શકે, સશસ્ત્ર ક્રાંતિના વીરોને ભૂંસી ન શકે, ભારતના વીરત્વને ન ભૂલી શકે, આદિવાસીઓના બલિદાનને ન ભૂલી શકે, આદિવાસીઓની યશોગાથાને નહીં ભૂલી શકે, એ મોટું કામ આજે ગોવિંદ ગુરુની ધરતી પર અમે કર્યું છે. મારા આદિવાસી ભાઈઓ-બહેનો, આવો, માત્ર જંગલો બચાવીએ એટલું નહીં, વૃક્ષો પણ વધારીએ. અહિંયાં તમે જોયું હશે કે એક એક ગામને કોઇને પંદર લાખ, કોઈને વીસ લાખ રૂપિયા મળે છે. આ સરકારની યોજનાનો લાભ લો. એટલા બધાં વૃક્ષો વાવો, વૃક્ષો દીઠ રૂપિયા કમાઓ, આ સરકાર તમને પૈસા આપે છે, લાખો રૂપિયા આપે છે. એક એક ગામને પંદર-પંદર, વીસ-વીસ લાખ રૂપિયા મળતા હોય છે તમે જોયું મારી સામે. આટલા બધા રૂપિયાની વર્ષા થતી હોય તો વૃક્ષો ઉગાડવાની બાબતમાં આપણે પાછી પાની ન કરીએ. વન વિભાગના મિત્રોને પણ માનગઢ જેવી આ જગ્યા પર ગોવિંદ ગુરુની યાદમાં... અને આ નોકરીથી પણ ઉપરની ચીજ છે બધી. નોકરીમાં તો બધું ચાલ્યા કરે, પણ તમે આજે ઐતિહાસિક કામ કર્યું છે, આ નોકરી નથી કરી, દોસ્તો. અને ઐતિહાસિક કામના સાક્ષી બનીએને તો એ જીવનનો અનેરો આનંદ હોય છે. તમે પણ ભવિષ્યમાં તમારા સંતાનોને અહીં બતાવવા આવશો કે હું જ્યારે નોકરી કરતો હતોને ત્યારે અમે એક આ મહાન ઐતિહાસિક કામ કર્યું હતું, આવો ભાવ જાગવાનો છે. પેઢી દર પેઢી આ સંસ્કાર પહોંચવાના છે અને એ કામને આપણે જ્યારે અનુભવ્યું છે ત્યારે ફરી એકવાર મારી સાથે ‘ગોવિંદ ગુરુ અમર રહો’ નો જરા નારો બોલાવો, પછી હું કહીશ ‘શહીદો’ એટલે તમે ‘અમર રહો’ કહેજો...
ગોવિંદ ગુરુ, અમર રહો... ગોવિંદ ગુરુ, અમર રહો...!
શહીદો, અમર રહો... શહીદો, અમર રહો... શહીદો, અમર રહો...!