આદરણીય અડવાણીજી, મુરબ્બી શ્રી શ્રેણિકભાઇ, દિપકભાઈ, આજના કાર્યક્રમના કેન્દ્રબિંદુ ભાઈશ્રી ઉત્કર્ષભાઈ, મંચ પર બિરાજમાન સૌ શ્રેષ્ઠીજનો, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો..!
સમાજજીવનમાં પ્રવાહો કેટલા ઝડપથી બદલાઈ રહ્યા છે એનું પ્રતીક એટલે આ પ્રકારની પ્રવૃત્તિ. આપણે બધા પાંચ હજાર વર્ષ કરતાં વધારે લાંબા સમયથી એક સમાજ તરીકે શક્તિરૂપ જીવ્યા એનું મૂળ કારણ હતું આપણી પરિવાર વ્યવસ્થા. સમગ્ર વિશ્વની જેટલી પણ સમાજ વ્યવસ્થાઓ છે, એ સઘળી સમાજ વ્યવસ્થાઓમાં જેમાં આંતરઊર્જા રહેલી છે, જેમાં સ્વયં જ પ્રાણતત્વ રહેલું છે, જેનામાં પોતાનામાં ઊર્જા સંચિત કરવાનું સામર્થ્ય રહ્યું છે એવી કોઇ વ્યવસ્થા હોય તો ભારતની બૃહદ્ પરિવારની વ્યવસ્થા છે. પરંતુ, કાળક્રમે યુગો બદલાતા ગયા, બારસો વર્ષના ગુલામીકાળમાં સમાજજીવન પર અનેક થપાટો પડી, સમયાનુકૂલ પરિવર્તન કરવાનો આપણને અવકાશ ન રહ્યો, સામાજિક નેતૃત્વ કરનારાઓની શક્તિ ઘણું કરીને ગુલામીકાળમાંથી મુક્તિ માટેના આંદોલનોમાં ગઈ અને એના કારણે ૧૨૦૦ વર્ષનો ગાળો એવો ગયો કે જેમાં સમયાનુકૂલ પરિવર્તનો જે થવાં જોઇએ એ ન થઈ શક્યાં. અને પરિણામે જેમ જૂની ઇમારતને સમય સમય પર સાચવવાનું કામ ન થાય, તો તે ધીરે ધીરે ધીરે ક્ષીણ થતી જતી હોય છે, એમ આપણી સમાજ વ્યવસ્થામાં પણ, પરિવાર વ્યવસ્થામાં, ક્ષીણ થવાનો પ્રારંભ થયો અને એમાંથી પછી બચવા માટે સમાજે જે નવા નવા પ્રયત્નો શોધ્યા એમાં એક, ધીરે ધીરે માઇક્રો ફેમિલી તરફ આપણે બધા વળ્યા. અને જ્યારે એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે નવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે, નવી વ્યવસ્થાઓને અનુમોદન આપવું પડે અને તો જ સમાજના કોઇ એક મોટા વર્ગને આપણે સાચવી શકીએ. એ વાત સાચી છે કે આપણી સ્થિતિ દુનિયાના એ દેશો જેવી નથી કે જ્યાં સીનિયર સિટિઝન થતાંની સાથે જ સમાજ અને દેશ પર બોજ બની જવાની પરિસ્થિતિ થતી હોય છે, આપણે ત્યાં એવું નથી. આટલું મોટું ગુજરાત, છ કરોડ નાગરિકો અને આજે માંડ ૧૭૦ વૃદ્ધાશ્રમ ચાલે છે. એનો અર્થ એ નથી કે વૃદ્ધો નથી, પણ આજે સમાજ વ્યવસ્થાની એક તાકાત એવી પડી છે કે જેને હજુ પરિવાર અને સમાજ પોતે જ ટકાવી રાખે છે. અને તેથી આપણી આ જે મૂળભૂત શક્તિ છે એ શક્તિને પોષવા માટેની વ્યવસ્થાઓ પણ બહુ જાગૃતપણે કરતા રહેવાની સદા સર્વદા આવશ્યકતા રહેવાની છે. સમાજજીવનમાં એક મોટું જે સંકટ પેદા થયું છે, એ સંકટ છે જનરેશન ગેપનું. અને આ જનરેશન ગેપના સંકટનો સૌથી વધારે કોઇ ભોગ બનતું હોય તો કાં વૃદ્ધો બને છે, કાં બાળકો બને છે. કારણકે ત્રણ પેઢીનું એકસાથેનું જીવન હોય છે અને એમાં સંતુલન જાળવવાની વર્તમાન પેઢીની ક્ષમતા જો ઘટી જાય ત્યારે જે અસંતુલન પેદા થાય છે એનું નુકશાન સૌથી વધારે વડીલોને અને બીજા ક્રમે બાળકોને થતું હોય છે. અને આવે વખતે એક સંકલિત વ્યવસ્થા સમાજજીવનમાં કેવી રીતે વિકસે એનો પ્રયાસ આવશ્યક હોય છે.
જેમ આપણે ત્યાં સીનિયર સિટિઝનની ચિંતા છે એમ બાળકોની ચિંતાનું પણ એટલું જ મહત્વનું કામ ઊભું થયું છે. જ્યારે સંયુક્ત પરિવાર હતો ત્યારે એ પરિવાર પોતે જ એક યુનિવર્સિટી હતો. બાળકના વિકાસમાં કુટુંબના વડીલો મોટું યોગદાન આપતા હતા. દાદી પાસેથી એક શીખતો હતો, દાદા પાસેથી બીજું શીખતો હતો... મા પાસેથી એક વસ્તુ, કાકા પાસેથી બીજી, મામા પાસેથી ત્રીજી... અને એક પ્રકારે એક જોઇન્ટ ફૅમિલીના કારણે એક યુનિવર્સિટીની જેમ બાળકનો વિકાસ થતો હતો. કાળક્રમે માઇક્રો ફેમિલી આવતાં આવતાં આજના બાળકને એ સૌભાગ્ય મળતું નથી. અને પછી નાની ઉંમરમાં જ એને બીજે ક્યાંક જવું પડે છે. એને કોઇ જુદી અવસ્થામાં જીવતું પડતું હોય છે. આ પરિસ્થિતિ પેદા થઈ છે. આયાને ભરોસે બાળક જીવતું હોય છે. અને એના કારણે, બાળક જે જુએ છે એના આધારે જીંદગી બનાવવાની કોશિશ કરે છે. આજે અગર સો બાળકોને રમકડાં ખરીદવા લઈ જઇએ આપણે, અને રમકડાંની દુકાનમાં કહીએ કે ચાલ, તારી પસંદગીનું રમકડું લે. આશ્ચર્યજનક રીતે જોવા મળે છે કે સોમાંથી સાંઇઠથી પાંસઠ બાળકો રમકડામાં પિસ્તોલને પસંદ કરે છે. આ એક મોટી ચોંકાવનારી બાબત છે. એ બાળકને વાત્સલ્ય, સ્નેહ, એ વાતાવરણ ન મળે તો એ બાળક ક્યાં જશે..! અને કદાચ પરિવારમાં વડીલોની પેઢી બાળકના ઘડતરમાં મોટામાં મોટો રોલ કરે છે. જ્યારે આ મોટી મોટી સમસ્યા ઊભી થઈ છે ત્યારે ગુજરાતે એક નાનકડો પ્રયાસ આદર્યો છે. દુનિયામાં ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ચિલ્ડ્રન યુનિવર્સિટીની કલ્પના કરી છે. અને ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આ બદલાતા જતા યુગમાં માઇક્રો ફૅમિલીની અવસ્થામાં આપણે હાથ ઊંચા કરીને છોડી ના શકીએ કે હશે ભાઇ, ફોડી લેશે એ લોકો... ના. દીર્ઘદ્રષ્ટા વિચાર કરીને આપણે નવી વ્યવસ્થા વિકસાવવી પડે અને એના ભાગ રૂપે આ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા એવા સંશોધનો કરવાનો પ્રયાસ થાય કે બાળકોના સર્વાંગી વિકાસ માટે માઇક્રો ફેમિલી હોવા છતાંય એવી કઈ વ્યવસ્થા વિકસાવી શકાય કે જેથી કરીને સમાજજીવનના ભવિષ્યને ઉજ્જવળ કરે એવી પેઢી તૈયાર થાય. એ દિશામાં કામ કરવાનો ગુજરાતે આરંભ કર્યો છે.ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. વૃદ્ધાશ્રમો પણ ચાલે જ છે, વૃદ્ધાશ્રમોને ઘણી બધી આર્થિક સહાય પણ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. પણ હમણાં એક નવો એપ્રોચ આપણે લઈ રહ્યા છીએ, ક્લસ્ટર એપ્રોચ. અને એમાં ત્યક્તા બહેનો હોય, તો આજે એમની વ્યવસ્થા ક્યાંક એક જગ્યાએ છે, નિરાધાર બાળકો હોય તો એની વ્યવસ્થા બીજી જગ્યાએ છે, વૃદ્ધો હોય તો એની વ્યવસ્થા ત્રીજી જગ્યાએ છે, આ સરકારી વ્યવસ્થાઓ જેમાં આ બધા ટુકડા ટુકડામાં ખર્ચા પણ થાય છે અને ચાલે છે. આપણે એક વિચાર એવો કરી રહ્યા છે કે શા માટે એક જ કૅમ્પસમાં ત્યક્તા બહેનો પણ હોય અને નિરાધાર બાળકો પણ હોય, વૃદ્ધો પણ હોય. એક ફેમિલી લાઇફ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય તો સંભવ છે કે આ ટુકડાઓમાં ચાલતી વ્યવસ્થાઓ સમાજજીવનની અંદર એક તાકાત બની શકે છે, આ દિશામાં પ્રયાસ આરંભ્યો છે. આવનારા દિવસોમાં ‘બાલ ગોકુલમ’, આ પ્રકારની વ્યવસ્થાઓ વિકસી રહે એનો પ્રયાસ કરવાના છીએ આપણે. આ દિશામાં પ્રયત્ન કરવાના પરિણામે સમાજજીવનને એક નવી શક્તિ મળશે એવો મારો આશાવાદ છે.
એ વાત સાચી છે કે ગુજરાતની કોઇ મોટામાં મોટી ઓળખ હોય તો એ ઓળખ એની સેવાવૃત્તિ અને પ્રવૃત્તિમાં છે. આપણે ત્યાં ચેરિટી વર્ક એટલા મોટા પાયા પર થાય છે કે જેના કારણે મહાજનો દ્વારા જે પ્રવૃત્તિ વર્ષોથી ચાલતી હતી, તમે કોઇપણ ગામમાં જાવ... ગૌશાળા, તો મહાજને બનાવી હોય, પાઠશાળા, તો મહાજને બનાવી હોય, પાણીની પરબ, તો મહાજને બનાવી હોય, લાઇબ્રેરી, તો મહાજને બનાવી હોય... સદીઓથી આપણે ત્યાં આ તાકાત રહી છે. આ કામ કોઈ સરકારે નથી કરેલાં. સદીઓથી આ મહાજન પરંપરાને કારણે... અને મહાજન પરંપરાનો મતલબ જ આ છે કે સમાજમાં ચેરિટી એક ઍક્ટિવિટીનું નામ બની ગયું અને એના કારણે સમાજજીવનમાં એક મોટી શક્તિ રહી છે. મને યાદ છે હું ભૂકંપ પછી જ્યારે કચ્છમાં કામ કરતો હતો ત્યારે વિદેશના લોકો મોટી સંખ્યામાં બધા ત્યાં કામ કરવા આવેલા. સાંજ પડે એટલે પછી એ લોકો નાના નાના એમના જે ટેન્ટ બનાવીને લઈ આવ્યા હતા, એ ટેન્ટમાં જાય. તો મને પણ ઉત્સુકતા હતી કે ચાલો જરા એ લોકોને મળું, એમના અનુભવ શું છે, શું કહે છે..! તો વિદેશમાંથી આવેલા લોકો એક વાતથી મને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. એમાં ઘણા બધા ગ્રુપ, એના પહેલાં છેલ્લો ભૂકંપ ટર્કીમાં થયો હતો, એ ટર્કીમાંથી આવેલા હતા. તો મને એમ કહે કે સાહેબ, અમે જ્યાં જ્યાં ભૂકંપમાં ગયા તો ત્રણ કે ચાર એન.જી.ઓ. હોય. કાં ડબલ્યુ.એચ.ઓ. હોય, કાં રેડક્રોસવાળા હોય... આ જ એન.જી.ઓ. કામ કરતા હોય. અહીંયાં અમારા માટે આશ્ચર્ય છે કે દરેક ગલી-મહોલ્લામાં કોઇને કોઇ એન.જી.ઓ. કામ કરે છે. કોઇ રસોડું ચલાવે છે, કોઇ પાટાપિંડીનું કામ કરે છે, કોઇ ફિઝિયોથેરપીનું કામ કરે છે...! એમના માટે આશ્ચર્ય હતું. આ આપણા સમાજજીવનની શક્તિ છે અને શક્તિનું પ્રતિબિંબ આવી એક સુચારુ સંગઠિત વ્યવસ્થામાં આ શાંતિનિકેતનમાં નજર આવે છે.
મને વિશ્વાસ છે કે આ શાંતિનિકેતન એ નવી ઊર્જા ભરવાનું એક કેન્દ્ર બને. મને વિશ્વાસ છે કે ગુજરાતભરમાં કે દેશભરમાં વૃદ્ધાશ્રમની જ્યાં જ્યાં પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં એનું મોડેલ કેવું હોય, એમની ભાગીદારી કેવી રીતે બને, આ સીનિયર સિટિઝનનો અનુભવ અને એમની શક્તિ સમાજની આવનારી પેઢી માટે ક્રિએટીવ વર્કમાં કેવી રીતે કામે આવે, આ એક પ્રકારે સીનિયર સિટિઝનોના અનુભવોને પ્રવૃત્તિમય બનાવવા માટેનું કેન્દ્ર કેવી રીતે બને, એ દિશામાં જેટલો આપણે વિચાર કરીશું, આપણે આ એક નવું નજરાણું દેશની જનતા સામે મૂકી શકીશું. ઉત્કર્ષભાઈને અને તેમના પરિવારને, દિપકભાઈને અને તેમના પરિવારને અનેક અનેક અભિનંદન આપું છું.
ખૂબ ખૂબ શુભકામનાઓ..!
ધન્યવાદ..!!