મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દીપાવલી પર્વ શુભકામના અને નૂતનવર્ષના અભિનંદન ગુજરાતના સૌ નાગરિકોને પાઠવ્યા છે.
વિક્રમ સંવતના નૂતન વર્ષે સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટે નવી ઊર્જા સાથે વિકાસયાત્રાની વધુ તેજ ગતિ બનાવીએ એવી અંતઃકરણથી અભિલાષા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત શાંતિ અને સુરક્ષાના પાયા ઉપર તેજ ગતિથી આગળ વધતું જ રહ્યું છે અને ર૧મી સદીના પ્રથમ આખા દશકમાં રાજકીય સ્થિરતા અને પ્રગતિ માટેની પ્રતિબધ્ધતા સાથે સુશાસનનું મોડેલ પુરૂં પાડવાનું નેતૃત્વ દાખવ્યું છે એની સફળતાના પાયામાં છે, ગુજરાતની પ્રજાની સંકલ્પશકિત અને સમાજશકિતની વિકાસમાં ભાગીદારી.
મુખ્યમંત્રીશ્રીનો શુભકામના સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છે.
ગુજરાત સદાકાળ ઉત્સવ પ્રેમી છે.ગુજરાતી સમાજ સંસ્કૃતિ અને પ્રકૃતિનો ચાહક છે.
ઉત્સવની સંસ્કૃતિ સાથે પ્રકૃતિનું અનુસંધાન જોડીને ગુજરાત, ઉત્સવમાં જીવનની ઊર્જાની અનુભૂતિ કરાવે છે, શાંતિ અને સૌહાર્દથી જન-જનને એકસૂત્રે ગૂંથે છે.
ઉત્સવ ગમે તે હોય-ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાષ્ટ્રીય પર્વો...
ગુજરાતી એમાં એટલા ઓતપ્રોત થઇને માણે છે, જેના સદ્દભાવનો જોટો જડે એમ નથી.
નવરાત્રીના શકિત-ઉપાસનાના તહેવારોમાં ગરબાની ગુજરાતી સંસ્કૃતિએ આખા વિશ્વને ધેલું લગાડયું છે. પતંગોત્સવે, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રવેશીને રંગ લાવી દીધો.
કચ્છના રણમાં ચાંદની રાતના શીતલ શ્વેત રેતના અલૌકિક સૌન્દર્યની અનુભૂતિનો “રણોત્સવ” હવે વૈશ્વિક પ્રવાસન નકશામાં ચમકતો થઇ ગયો છે. ર૧મી સદીના પ્રથમ દશકમાં તો ગુજરાતે રાષ્ટ્રીય પર્વોની રોનક જ નવી બદલી નાંખી.
પ્રજાસત્તાક પર્વ, સ્વાતંત્ર્ય દિવસ, ગુજરાત ગૌરવ દિવસ-વિકાસના જનઉત્સવ તરીકે લોકશકિતની ભાગીદારીના દર્શન કરાવે છે, તો લોકશાહીના ઉત્સવ તરીકે ચૂંટણી પર્વની ઉજવણી કરીને, ગુજરાતની જનતા જનાર્દને લોકશાહીના મૂલ્યોનું જતન કરવાની શાખ-પ્રતિષ્ઠા જાળવી છે અને ગુજરાત માત્રને માત્ર “વિકાસના મંત્ર”ને વરેલું છે, રહેવાનું છે એવો પથદર્શક રાહ સમગ્ર દેશને બતાવ્યો છે.
સોનામાં સુગંધ ભળે એમ, ગુજરાતની સ્થાપનાની પ૦ વર્ષની યશસ્વી વિકાસયાત્રાની સ્વર્ણિમ જ્યંતીનો રૂડો અવસર પણ આપણે શાનદાર રીતે ઉજવી રહ્યા છીએ.
સાડા પાંચ કરોડ ગુજરાતીઓ વિશ્વભરમાં ડંકાની ચોટ ઉપર સંકલ્પશકિતના સથવારે, આવતીકાલના સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટેનો વિકાસનો સ્વર્ણિમ ઉત્સવ ઉજવવા રમમાણ બન્યા છે.
પંચામૃત શકિતના આધારે આધુનિક વિકાસની પરિભાષાને અર્થસભર બનાવી છે ગુજરાતે. જળ, ઊર્જા, જ્ઞાન, રક્ષા અને જનશકિતને પ્રગતિનું પંચામૃત બનાવીને ગુજરાતના આધુનિક વિકાસની આણ વર્તાવી છે.
ગુજરાત જળ-સ્થળ-નભ સહિતના ત્રણેય ક્ષેત્રોમાં નવી ઊંચાઇના દર્શન કરાવી રહ્યું છે. ગુજરાતનો સમૂદ્રકાંઠો ભારતના વિશ્વવેપારનું પ્રવેશદ્વાર બની ગયો છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પヘમિના અક્ષાંશ-રેખાંશના ભૂ-ભાગનો વ્યૂહાત્મક વિકાસ-વ્યૂહ અપનાવીને ગુજરાતે, વિકાસથી વંચિત સમાજો અને વિસ્તારો માટે વિકાસના નવોદયની ચેતના પ્રગટાવી છે.
ગુજરાતના વિકાસમાં “સર્વજન સુખાય સર્વજન હિતાય”ની કલ્યાણ સંસ્કૃતિ ધબકે છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબી સામેની લડાઇ માટે લાખો ગરીબોનું સશકિતકરણ કર્યું. ગરીબ-વંચિત જનસમૂદાયોમાં વર્ષોથી ધર કરી ગયેલી કુપોષણની સમસ્યા સામે સીધો જંગ છેડયો. સમાજમાં પ૦ ટકા જનસંખ્યા ધરાવતા નારીસમાજના સશકિતકરણ અને નિર્ણયમાં ભાગદારીની ક્ષમતાના વિશેષ અધિકારો આપ્યા. સમગ્ર દેશમાં યુવાશકિતના વ્યવસાયિક-કૌશલ્ય કારકિર્દી ધડતરના ઉચ્ચ-ટેકનીકલ શિક્ષણની વિશાળ તકો પૂરી પાડીને, ગુજરાત રોજગારીના ક્ષેત્રે દેશમાં સાત સાત વર્ષથી મેદાન મારી રહ્યું છે. માનવવિકાસ સૂચકાંકના પેરામીટર્સમાં ગુજરાત વિકસીત રાષ્ટ્રની હરોળમાં બરાબરી કરવા તત્પર બન્યું છે.
ઔઘોગિક અને આધુનિક માળખાકીય વિકાસ સુવિધાઓથી દેશ અને દુનિયાને ચકાચૌંધ કરી દેનારા ગુજરાતે, જલશકિત અને ઊર્જાશકિતની ક્રાંતિકારી સિધ્ધિઓ સાથે, કૃષિવિકાસમાં દશ ટકાનો વૃધ્ધિ દર સતત સાત વર્ષોથી સાતત્યપૂર્વક મેળવીને, કૃષિપ્રધાન ભારતના આયોજન નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકોને કૃષિક્ષેત્રે પણ, ગુજરાતની સમૃધ્ધ સ્થિતિના અધ્યયન માટે પ્રેરિત કર્યા છે.
ર૧મી સદીનું ગુજરાત “ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ”ના સંકલ્પ સાથે સ્વરાજ પછી સુરાજ્યની દિશામાં વણથંભી વિકાસયાત્રાનું વાહક ચાલક બળ બન્યું છે. એની સફળતાના પાયામાં છે, ગુજરાતની પ્રજાની સંકલ્પશકિત અને સમાજ શકિતની વિકાસમાં ભાગીદારી.
ર૧મી સદીના આખા પ્રથમ દશકામાં રાજકીય સ્થિરતા અને પ્રગતિ માટેની પ્રતિબધ્ધતા સાથે ગુજરાતે સુશાસનનું મોડેલ પુરૂં પાડવાનું નેતૃત્વ દાખવ્યું છે.
અન્યાય અને આતતાયીઓ સામે ઝૂઝારૂ બનીને ગુજરાતે, મહાત્મા ગાંધીજી અને લોહપુરૂષ સરદાર પટેલના વારસદાર તરીકેના નામ-શાખ જાળવ્યાં છે.
આતંકવાદની અમાનુષી હિંસા આચરનારા દેશના દુશ્મનોના ષડયંત્રોને જબ્બે કરનારા, આપણા પોલીસ અને રક્ષાકર્મીઓની જાંબાંઝ જવાંમર્દીએ આંતરિક સલામતીની શાખ વધારી છે.
અપપ્રચારની અંધાધૂંધી સામે, ગુજરાતની જનતા જનાર્દનનો વિકાસ માટેની પ્રતિબધ્ધતાનો, નિરક્ષર વિવેક-શાણપણનો મિજાજ અડિખમ રહ્યો છે.
એટલે જ, ગુજરાત શાંતિ અને સુરક્ષાના પાયા ઉપર વિકાસની તેજ રફતારથી આગળ વધતું જ રહ્યું છે.
આમ છતાં, ગુજરાતની વિકાસયાત્રાની સફળતા સહન કરી નહીં શકનારી, ગુજરાત-વિરોધીઓની આખી જમાત, ગુજરાતને હેરાન-પરેશાન કરવાના કોઇ કરતાં કોઇ કારસા બાકી રાખવાની નથી, એ સાંપ્રત સત્યને આપણે જાગૃત જનતા તરીકે સ્વીકારવું પડે-એવો સમયનો તકાજો છે.
મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતનો મિજાજ જોતાં, આપણા સત્યનો જ વિજ્ય થવાનો છે.
વિક્રમ સંવતના નૂતન વર્ષે, સ્વર્ણિમ ગુજરાતના નિર્માણ માટે, નવી ઊર્જા સાથે વિકાસયાત્રાને વધુ દેદિપ્યમાન બનાવીએ.
દિપોત્સવીના પ્રકાશ પર્વે સહુને અંતકરણની શુભકામના.