મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ અને આરોગ્ય જેવા સેવા ક્ષેત્રોમાં ગુણાત્મક બદલાવ માટે સરકારની પુરી શક્તિ કામે લગાડવાની નેમ સાથે ગુણોત્સવનું અભિયાન સફળ બનાવવા ૩૦૦૦ જેટલા સરકારી અધિકારીઓને પ્રેરક આહ્વાન કર્યું છે.
‘‘સરકાર છેવાડાના માનવીની સંવેદના અને સમસ્યાના સમાધાન માટે છે અને ગુજરાતની આવતીકાલમાં ગુણાત્મક પરિવર્તન માટેની જડીબુટ્ટી હોય ત્યારે સમગ્ર તંત્ર આજ ખપાવી દે'' એવો અનુરોધ તેમણે કર્યો હતો.
સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓને ગુણવત્તાસભર બનાવવા ગુણોત્સવ અભિયાન શિક્ષણ વિભાગ તરફથી ડિસેમ્બર મહિનાના તા. ૯, ૧૦ અને ૧૧ એમ ત્રણ દિવસો દરમિયાન યોજાઇ રહ્યું છે. જયારે ત્રીજી ડિસેમ્બરથી રાજ્યના ૧૮ વર્ષ સુધીની વયના દોઢ કરોડથી વધુ બાળકોના આરોગ્ય પરિક્ષણનું આરોગ્ય તપાસણી સપ્તાહ આરોગ્ય વિભાગના ઉપક્રમે શરૂ થઇ રહ્યું છે.
માનવ વિકાસ સૂચકાંકના એજન્ડા માટે પ્રતિબદ્ધ મુખ્ય મંત્રીશ્રીએ આજે આ બંને અભિયાનોમાં સેવા આપનારા ૩૦૦૦ જેટલા સરકારી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારી તંત્રનો ઘણો સમય ફાઇલ અને મીટીંગમાં વીતે છે પરંતુ આ કાર્ય સંસ્કૃતિના પરિણામનું પ્રત્યક્ષદર્શન પણ નવી પ્રેરણા આપે છે. સરકાર કોઇપણ જનહિતના અભિયાનની પૂર્વ આયોજન સાથે પુરી શક્તિ કામે લગાડે તો કેવી ચમત્કારિક સફળતા મળી શકે તે ગુજરાતમાં છેલ્લા દશ વર્ષના પરિણામોએ પુરવાર કર્યું છે.
પ્રથમ ગુણોત્સવના ત્રણ દિવસના અભિયાને જ પ્રાથમિક શિક્ષણમાં ત્રીસ વર્ષની ગુણવત્તાની ખાઇ પુરી દીધી છે. કોઇ અધિકારી ત્રણ દિવસ આ સેવા પુરૂષાર્થમાં ખપાવી દે તો કેવા અદ્દભૂત પરિણામ આવી શકે છે એમ તેમણે સરકારના કર્મયોગીઓના યોગદાનને મહત્વનું ગણાવતાં જણાવ્યું હતું.
કૃષિ મહોત્સવમાં એક લાખ સરકારી કર્મયોગીઓનો પુરૂષાર્થ કે પશુ આરોગ્ય મેળામાં અબોલ જીવોના દંતચિકિત્સા અને મોતીયાની શસ્ત્રક્રિયા એ ગુજરાતની જ પહેલ છે. સમાજના છેવાડાના માનવીની સમસ્યા ઉકેલવા સરકારી તંત્ર સંવેદનશીલ બને તો પરિણામ આવે જ એમ તેમણે જણાવ્યું હતુ઼.
પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી યાત્રાના અભિયાનથી ડ્રોપ આઉટ રેશિયો દોઢથી બે ટકા જ રહ્યો છે. આ આવતીકાલના ગુજરાતમાં ગુણાત્મક બદલાવ આવે, સરકારી તંત્ર તેનું પ્રેરક ગૌરવ લઇ શકે એવા આ અભિયાનો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુણોત્સવમાં સરકારી તંત્રની પ્રવૃત્ત સક્રિયાથી શિક્ષક, વિદ્યાર્થી બંનેમાં જવાબદારીની સભાનતા આવી છે. એકી સાથે આખું તંત્ર એક જ દિશામાં પ્રવૃત્ત થાય તો તંત્રની પણ કૌશલ્ય ક્ષમતા-નિર્માણની શક્તિ વધે છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સરકારી તંત્રને અભિનવ પહેલરૂપ જે જે અભિયાનો સફળ બનાવ્યા તેનાથી તંત્રની પ્રતિષ્ઠા વ્યાપક ફલક ઉપર વધી છે. ગુણોત્સવમાં ગામડે જઇને જે સંવેદનાથી સચ્ચાઇ-સત્ય ઉજાગર થાય છે તે સરકારની ફાઇલ અને માનવીની જીંદગીની લાઇફ સાથે પ્રાણતત્ત્વથી જોડી દેશે, એમ પણ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યની ૯૦૦૦ થી વધુ શાળાઓમાં ગુજરાતના આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. કેડરના તમામ અધિકારીઓ ઉપરાંત વર્ગ-૧ અને વર્ગ-રના ૩૦૦૦ જેટલા અધિકારીઓ તા. ૯, ૧૦ અને ૧૧ ડિસેમ્બર દરમિયાન ગુણોત્સવ કાર્યક્રમ માટે જઇ રહ્યા છે ત્યારે તેમને સંબોધન કરતાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. હસમુખભાઈ અઢિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષના ગુણોત્સવ કાર્યક્રમથી સારા પરિણામો મળ્યા છે તે પરથી ફલિત થયું છે કે, આ સાચી દિશાનો કાર્યક્રમ છે. આથી આ વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશમાં રપ,૦૦૦થી વધુ કોલેજો છે, તે પૈકીની માત્ર ૪૦૦૦ કોલેજોને યુજીસી દ્વારા એક્રેડીટેશન આપી શકાયું છે, તેની સરખામણીએ ગુજરાત રાજ્યમાં ૩ર,૦૦૦ પ્રાથમિક શાળાઓ પૈકીની ૯૦૦૦થી વધુ શાળાઓને તેના મૂલ્યાંકનના આધારે ગ્રેડીંગ-રેટિંગ આપી દેવામાં આવ્યું છે.
ગુણોત્સવ કાર્યક્રમ અને મૂલ્યાંકન વિષે અધિકારીઓને વિસ્તૃત જાણકારી આપતાં પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુણોત્સવ કાર્યક્રમે રાજ્યના સમગ્ર શિક્ષણ તંત્રમાં ઉદ્દીપકનું કામ કર્યું છે. ગુણોત્સવ કાર્યક્રમથી માત્ર એક જ વર્ષમાં પ્રાથમિક શિક્ષણમાં સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારો થયો છે. આવનારા વર્ષોમાં આ રીતે વધુ સારા પરિણામો હાંસલ કરી શકાશે.
શ્રી આર. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રપ લાખ વિદ્યાર્થીઓના નબળા પરિણામો જાણમાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન આવા બાળકો માટે શાળાઓમાં શાળા સમય પછી ઉપચારાત્મક વર્ગો ચાલ્યા અને આવા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. ત્યારબાદ યુનિસેફ જેવી સ્વતંત્ર સંસ્થા દ્વારા મૂલ્યાંકન કરાવતાં જણાયું કે, ૮પ ટકા બાળકોમાં સુધારો થયો છે.
આ વર્ષે ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન ધોરણ-ર થી ધોરણ-૮ સુધીના વર્ગોના તમામ બાળકો અને શાળાઓનું મૂલ્યાંકન કરાશે. ગત વર્ષે માત્ર ગુજરાતી લેખન-વાંચન અને ગણિત વિષયનું જ મૂલ્યાંકન કરાયું હતું. આ વર્ષે ગુણોત્સવ દરમિયાન તમામ વિષયોનું મૂલ્યાંકન હાથ ધરાશે. રાજ્યની ૩ર,૭૭૪ સરકારી પ્રાથમિક શાળાઓ, ૭૦૧ આશ્રમ શાળાઓ અને ૪૪૭ ગ્રાન્ટેડ શાળાઓ પૈકી રપ ટકાથી વધુ એટલે કે ૮,૮પ૦ શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન મૂલ્યાંકન હાથ ધરાશે.
આ કાર્યક્રમની સાથોસાથ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શ્રીમતી વિજયાલક્ષ્મી જોષીએ રાજ્યમાં તા. ૩ ડિસેમ્બર થી તા. ૧પ ફેબ્રુઆરી, ર૦૧૧ દરમિયાન હાથ ધરાનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે માત્ર સારવાર જ નહીં આરોગ્ય માટે સાવચેતીનું પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન નવજાત શિશુથી લઇને ૧૮ વર્ષની વય સુધીના રાજ્યના દોઢ કરોડથી વધુ બાળકો-તરૂણોને આવરી લેવાશે. આ સંખ્યા રાજ્યની કુલ વસતીના ૩૦ ટકા વસતી છે. ૩,૦૩,૮૮૮ જેટલા આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ, મેડીકલ સ્ટાફ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન સેવાઓ આપશે.
ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ, ગાંધીનગરના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહભાઈ ચૌહાણ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ તથા મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.