બંધારણના તમામ સુધારા સાથેનું અઘતન પુસ્તક સંવિધાનિક બાબતોના વિભાગે તૈયાર કર્યું
ગાંધીનગરઃ બુધવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના સંવૈધાનિક બાબતો અને ન્યાય વિભાગ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રકાશિત ભારતનું સંવિધાન ચતુર્થ આવૃત્તિનું આજે વિમોચન કર્યું હતું.આ પ્રસંગે કાયદો અને ન્યાય મંત્રી શ્રી દિલીપભાઈ સંધાણી, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, કાયદા સચિવ શ્રી ગોટી અને સંવૈધાનિક બાબતોના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ભાષામાં ભારતના સંવિધાનની આ ચતુર્થ અને સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન છે અને સને ૧૯૯૪ પછી ૧૭ વર્ષ બાદ પ્રકાશિત કરીને ગુજરાત સરકારે બંધારણમાં ૧૭ વર્ષ દરમિયાન કરવામાં આવેલા બધા જ સુધારાનો સમાવેશ કર્યો છે.
જાહેર જનતા, ભારતનું સંવિધાન પુસ્તક દ્વારા સંવૈધાનિક આદેશોનું પાલન કરે અને દેશના કાયદાને, તેના સૂચિતાર્થની ભાવનાને સમજી શકે તે હેતુથી ભારતનું સંવિધાન અને સંલગ્ન કાનૂનો પ્રાદેશિક રાજભાષામાં ઉપલબ્ધ કરવાનો આ ઉપક્રમ સૌ કોઇને ઉપયોગી બનશે એવો વિશ્વાસ વ્યકત કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવૈધાનિક બાબતોના વિભાગના સહુ સહયોગીઓને અભિનંદન આપ્યા હતા.
ગુજરાતી આવૃત્તિમાં સંવિધાન (પંચાણુંમો સુધારો) અધિનિયમ, ર૦૦૯ સુધીના તમામ સુધારા જરૂરી સમજ-નોંધ સાથે પ્રગટ થયેલા છે અને કોઇપણ નાગરિક સરકારી પુસ્તક વિક્રેતા પાસેથી તે ખરીદી શકશે.