ગાંધીનગરઃ સોમવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોટર વાહન ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તક નવી પેઢી-નવો સંકલ્પઃ સલામતી માર્ગ પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.
ધોરણ ૮ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીની અને રોડ સાઇનેજીસની અગત્યતાની સમજ આપવાના હેતુસર આ પુસ્તક મોટર વાહન ખાતા દ્વારા ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળ મારફતે પ્રકાશિત કરાવીને ધોરણ ૮ થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતાં ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા માટેના કોમ્પ્યુટર ટેસ્ટની પ્રશ્નબેંકની સીડી કોમ્પ્યુટર ટેસ્ટના મોડયુલ મુજબ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવી છે. આ સીડી રાજયની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાંની કોમ્પ્યુટર લેબમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. ગ્રામ પંચાયતોમાં પણ ઇ-ગ્રામ યોજના હેઠળ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરાશે. જેથી લોકોને પણ માર્ગ સલામતીની જાણકારી મળી શકશે અને આર.ટી.ઓ કચેરીમાં પણ લાયસન્સ મેળવવામાં યોગ્ય જાણકારીને કારણે સાનૂકૂળતા થશે. આમ, સલામત ડ્રાઇવીંગ સંદર્ભે ભાવી વાહનચાલકોને સમજ મળતાં તેમનામાં માર્ગ સલામતીની ભાવના પ્રબળ બનશે, માર્ગ અકસ્માતો માં પણ ઘટાડો જોવા મળશે.