મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતી સાહિત્યમાં શિરમોર એવા, માહિતી વિભાગના ઉત્તમ પ્રકાશન ‘‘ગુજરાત દીપોત્સવી - ર૦૬૬'' અંકનું આજે લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષના અવસરે પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક તેની ઉત્તમ સાહિત્યની પરંપરા અને સમૃધ્ધિ જાળવીને કુલ પાંચ વિભાગોમાં સાહિત્યના અભ્યાસ લેખો, નવલિકા, નાટક, વિનોદિકા અને કાવ્ય વિભાગો દ્વારા ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સર્જકોની કૃતિઓ અને નયનરમ્ય તસ્વીરોથી દળદાર બન્યો છે જેનું વિમોચન કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ પ્રકાશનની સફળતા માટે માહિતી વિભાગને અભિનંદન આપ્યા હતા.
એકંદરે અભ્યાસ લેખો, નવલિકા, કાવ્યરચના, નાટિકા અને વિનોદીકા સંપૂટો અને નયનરમ્ય રંગીન તસ્વીરોથી સાહિત્ય સમૃધ્ધ આ અંક ગુજરાતી સાહિત્યમાં શિરમોર બની રહેશે.
અંકના વિમોચન પ્રસંગે માહિતી પ્રસારણ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, માહિતી કમિશનરશ્રી ભાગ્યેશ જહા, (પ્રમુખ સંપાદક) શ્રી અરવિંદ પટેલ(સંયુકત નિયામક), શ્રી પુલક ત્રિવેદી (કાર્યવાહક સંપાદક), ડાયરેકટર ઇલેકટ્રોનિકસ મિડીયા-શ્રી ધિરેન અવાશિયા તથા માહિતી-પ્રકાશન વિભાગના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દીપોત્સવી અંકની છૂટક નકલની કિંમત ફકત રૂપિયા ૪૦/- રાખવામાં આવી છે. અંકની નકલો જિલ્લા માહિતી કચેરીઓ પ્રાદેશિક માહિતી કચેરી, માહિતી કમિશ્નર કચેરી, ગાંધીનગરની પ્રકાશન શાખા દ્વારા વેચાણથી વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે.