મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની આવતીકાલ ઊર્જાવાન બનશે અને ગુજરાતની ઊર્જાશક્તિ સમગ્ર દેશના વિકાસની ઊર્જાશક્તિ બનશે એવો નિર્ધાર આજે સ્વર્ણિમ ગુજરાત ઊર્જાશક્તિ ઉત્સવમાં જાહેર કર્યો હતો.
ઉત્તર ગુજરાતમાં વિશ્વનો સૌથી વિરાટ સોલાર પાર્ક ગુજરાતને વિશ્વની સૂર્ય ઊર્જાશક્તિની રાજધાનીનું ગૌરવ અપાવશે અને હવે બાયોમાસ જેવી બિનપરંપરાગત ઊર્જાશક્તિની નવી ક્રાંતિ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ છ કરોડ ગુજરાતીની અંતર ઊર્જા સર્વાંગી વિકાસને પણ નવી ઊર્જા આપશે એમ ઉમેર્યું હતું.
વિકાસની પંચશક્તિની વિચારધારાના એક મણકારૂપે ઊર્જાશક્તિનું સામર્થ્ય પ્રદર્શિત કરતો સ્વર્ણિમ ગુજરાત ઊર્જાશક્તિ ઉત્સવ આજે પાલનપુરમાં સંપન્ન થયો હતો.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાંથી એક લાખથી વધારે માનવમહેરામણ ધોમ ધખતી ગરમીની પરવા કર્યા વગર ઊર્જાશક્તિની ઉપાસના માટે ઉમંગ-ઉત્સાહથી ઉમટયો હતો. ઊર્જાશક્તિની અનેકવિધ સિદ્ધિઓના કિર્તીમાન અંકે કરનારા ગુજરાતનું ભવ્ય પ્રદર્શન આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ સતત એક કલાક સુધી નિહાળ્યું હતું અને સ્વર્ણિમ અસ્મિતા યાત્રાના યુવા સાથીઓને પ્રસ્થાન કરાવ્યું હતું.
“આટલી વિરાટ જનતા જનાર્દનની શક્તિનો સાક્ષાત્કાર લૂ લગાડતી ધોમધખતી ધરતી ઉપર ઊર્જાના ઉત્સવ મનાવે છે એ જ બતાવે છે કે ગુજરાતની આવતીકાલ કેટલી ઊર્જાવાન હશે” એમ જનતાના અપૂર્વ ઉમંગ-ઉત્સવને વધાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ટૂકડામાં વિકાસ, થાગડ થીગડ વ્યવસ્થા અને બજેટના ખર્ચાની સરકારી કામગીરી છેલ્લા ૬૦ વર્ષથી દેશમાં ચાલી, પરંતુ ગુજરાતે ર૦૦૧થી ચીલો ચાતર્યો અને વિકાસની નવી કેડી એવી કંડારી છે જેમાં પ્રજાહિતના વિકાસના કાર્યોની સાથોસાથ પાંચ શક્તિઓની બૂનિયાદ મજબૂત કરીને આધુનિક ગુજરાતના ઊર્જાવાન વિકાસની સિદ્ધિઓ સાકાર કરી બતાવી છે.
ઉત્તર ગુજરાતની સૂકી ધરતી જયાં પાણી માટે વલખાં મારતા કિસાનોએ મા ધરતીના પેટાળમાંથી પાણી ચૂસી લેવાના પાપના ભાગીદાર બનવાને બદલે પાણી અને ઊર્જાની બચત માટે ડ્રીપઇરીગેશન કરીને દાડમ અને બટાટાની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું છે. જેમને આ સિદ્ધિ નથી જ જોવી તેને સારામાં સારા ચશ્મા પહેરાવશો પણ તે દેખી શકવાના નથી. આવા જાગતાને જગાડવા નથી પણ કોઇ ઉધતો રહી ના જાય તેવી ઊર્જાશક્તિની ઊજાશ ફેલાવવી છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, વાળું કરતા ગ્રામ સમાજને વીજળીથી વંચિત રાખવાનું જેમણે પાપ કર્યું તેની સામે આ સરકારે જયોતિગ્રામથી ર૪ કલાક વીજળી આપીને ગ્રામ પરિવારોની જિંદગીના અંધકારો દૂર કરી ઉજ્જવળ આર્થિક ભવિષ્ય અને સામાજિક ચેતના જગાવી છે. વીજળીના કારણે પરિવર્તનની હવા સાર્વત્રિક થઇ છે. ધર-ધરમાં અનાજની ધંટી ધબકતી રહી છે. દૂધ ઉત્પાદકો માટે ગામોગામ શીતયંત્રો વસાવીને દૂધ બગડવાના દુઃસ્વપ્નમાંથી બહાર લાવી દીધા અને ગામડામાં ખેતી સાથે હીરાની ધંટીઓ ધમધમતી થઇ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ભૂતકાળમાં ગુજરાતમાં જે ૭પ૦૦ મે.વો. વીજળી મળતી હતી તેના કરતાં અનેકગણી વધારે ૧૩,પ૦૦ મે.વો. વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે અને ૧૮,૦૦૦ મે.વો. વીજળી ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂર્ય પુરૂષની ઊર્જાશક્તિ સાથે ઊર્જાના સાતેય સ્ત્રોતોની ઉપર સવારી કરીને ગુજરાતે સમગ્ર દેશની ઊર્જાશક્તિનું ગૌરવ મેળવી લીધું છે. પાણી અને વીજળીના વ્યવસ્થાપનથી જ એકમાત્ર ગુજરાતે આખા દેશમાં કૃષિક્રાંતિ કરીને દશ ટકાનો કૃષિ વિકાસ દર દશ વર્ષથી લગાતાર મેળવ્યો છે.
છેલ્લા દશ જ વર્ષમાં વીજળી પ્રવહનનું જે નેટવર્ક નાખ્યું છે તેની કુલ લંબાઇ ગુજરાતની પાંચ વખત પ્રદક્ષિણા કરી શકય એટલા કિલોમીટર લાંબી છે એની ભૂમિકા આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબને વીજળી નિરંતર મળે, સસ્તી વીજળી મળે, ખેતી અને ગામડાને પાણી મળે એ માટે ઊર્જાશક્તિએ ચમત્કાર સજર્યો છે.
ગુજરાતની આવતીકાલ ઊર્જાવાન બને એ માટે સૌરઊર્જાની ક્રાંતિ કરીને ઉત્તર ગુજરાતનો રાધનપુર નજીકનો સૌરઊર્જા પાર્ક આખા વિશ્વમાં સૌથી મોટો બની રહ્યો છે. ગુજરાત હવે વિશ્વની સૂર્ય ઊર્જાશક્તિની રાજધાની બનવાની છે અને હવે બાયોમાસની ઊર્જાશક્તિની પ્રોત્સાહક નીતિ તરફ આગળ વધી રહ્યા છીએ.
ગુજરાત જેને ગમે છે તે ગુજરાતના વિકાસના મોડેલનું દ્રષ્ટાંત આપે છે અને ગુજરાતનો જે વિરોધ કરે છે તેને પણ વિકાસની તુલના માટે ગુજરાતનો ઉલ્લેખ કર્યા વગર ચાલતું નથી એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આમ છતાં આખા દેશમાં કેન્દ્ર ગેસ સસ્તા ભાવે આપે છે પણ અમદાવાદ-ગુજરાતને મોંધા ભાવે ગેસ આપે છે પરંતુ કેન્દ્રના અન્યાય સામે ઝૂકયા વગર ગુજરાત તેની વિકાસયાત્રા તેજ ગતિથી આગળ વધારશે જ એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર ધરઆંગણે-રસોડા સુધી ગેસ પહોંચાડવા કટીબદ્ધ છે. ટૂંક સમયમાં જ પાલનપુર શહેરમાં ધેર-ધેર ગેસ પહોંચાડાશે. આ માટે મહેસાણાથી પાલનપુર વચ્ચે ગેસ પુરવઠાની પાઇપલાઇનના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે અને ટૂંક સમયમાં જ તે કામ પૂર્ણ કરાશે.
ભૂતકાળમાં ગેસના સિલિન્ડર લેવા માટે દોડાદોડ કરવી પડતી હતી. આજે કરોડો રૂપિયાના ખર્ચે રર૦૦ કિ.મી.ની ગેસ લાઇનો નંખાઇ છે. લોકોને ધરના રસોડા સુધી ગેસ પહોંચે તે માટે રાજ્ય સરકારે સવિશેષ પ્રયત્નો કર્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
દિલ્હીમાં સીએનજી લાવવા સુપ્રિમ કોર્ટે પોતે ‘મોનીટરીંગ' કરવું પડતું હતું. જયારે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ સેવા સાથે સંકળાયેલા લોકોને તેના લાભાલાભ સમજાવ્યા અને આજે વિશ્વમાં સૌથી વધુ સીએનજી વાહનો ગુજરાતની ધરતી પર છે તે જ બતાવે છે કે ગુજરાત આ ક્ષેત્રે સક્રિય છે.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જીને રાજ્ય અને દેશના વિકાસમાં ચાલકબળની ભૂમિકા ભજવી છે. રાજ્યની પ્રજાને ગુણવત્તાસભર વીજળી મળે તે માટે અનેક ક્રાંતિકારી પગલાં ગુજરાત સરકારે લીધાં છે. ૧લી એપિ્રલ, ર૦૦પથી સાત કંપનીઓમાં વિભાજન કરીને ગ્રાહકોને વધુ સારી વીજળી અપાય છે. પરિણામે અગાઉ ર,પ૦૦ કરોડ રૂપિયાની ખોટ કરતી કંપની આજે રપ૦ કરોડ રૂપિયાનો નફો કરતી થઇ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની સ્થાપના સમયે ૩૧પ મે.વો.ની વીજ ઉત્પાદન ક્ષમતા, ૪ર સબસ્ટેશનો અને ૧૬૮ર કિ.મી.ની ભારે દબાણવાળી લાઇનો હયાત હતી. જયારે આજે રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા ૧૩,૩પ૪ મે.વો., ૧૧૦૯ સબસ્ટેશનો અને ૪ર હજાર કિ.મી. ભારે દબાણવાળી વીજલાઇનો દ્વારા ૧.૧૪ કરોડ વીજ ગ્રાહકોને વીજ સુવિધા અપાય છે. વર્ષ ર૦૧૭ સુધીમાં રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા ૧૮ હજાર મે.વો.થી વધુ સુધી લઇ જવાશે એમ તેમણે ઉમેર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વીજ સુવિધાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૭-ર૦૦૮ સુધી માત્ર ૮૮ સબ સ્ટેશનો કાર્યરત હતા. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં નવા ૩૦ સબસ્ટેશનો બનાવાયા છે અને આજે ૧૧૮ સબ સ્ટેશનો કાર્યરત છે. મંત્રીશ્રીએ જયોતિગ્રામ યોજના અંતર્ગત રાજ્યમાં અપાતી વીજ સુવિધાની જાણકારી આપી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં ગેસ, કોલસો અને રેલવેના ભાડામાં વધારો થયો હોવા છતાં રાજ્યના ખેડૂતો ઉપર અને પ્રજા ઉપર તેનું ભારણ આવવા દીધું નથી. ગુજરાત સરકાર રૂા. ૯૦૦ કરોડનું ભારણ સહન કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ, કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા વગેરે દ્વારા રૂા. ૮પ લાખના ચેકો અર્પણ કરાયા હતા.
અંતમાં જિલ્લા પ્રભારી અને પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લાના સહપ્રભારી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી લીલાધરભાઈ વાધેલા, સ્વર્ણિમ ગુજરાત ઉજવણી સમિતિના અધ્યક્ષ શ્રી આઇ. કે. જાડેજા, સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, શ્રી નટુજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી જયંતિભાઈ બારોટ, શ્રી હરીભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દલસંગભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી શંકરભાઈ ચૌધરી, ગોવિંદભાઈ પ્રજાપતિ, મફતલાલ પુરોહિત, બાબુભાઈ દેસાઇ, અનિલભાઈ માળી, વસંતભાઈ ભટોળ, અન્ય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ ર્ડા. કરણસિંહ મોગરા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, જિલ્લા પ્રભારી સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, જિલ્લા કલેકટર શ્રી આર. જે. પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.