મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જર્મનીની આંતરરાષ્ટ્રીય કંપની ડયુરાવિટના ભારતમાં સર્વપ્રથમ સિરામીક સેનીટેશન વેર્સના મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું આજે મધ્યગુજરાતના તારાપુર નજીક ઉદ્દધાટન કરતાં જણાવ્યું હતું કે સિરામીક ઉઘોગના ક્ષેત્રે ગુજરાતમાં હવે નેકસ્ટ જનરેશન ઓફ સિરામીક ઇન્ડસ્ટ્રીઝનો નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે.
ગુજરાતનો સિરામીક ઉઘોગ હવે ચીન સાથે તંદુરસ્ત વૈશ્વિક સ્પર્ધા કરવા સક્ષમ બન્યો છે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
જર્મનીની ડયુરાવિટ ઇન્ડિયા કંપનીના ગુજરાતમાં સિરામીક ઉઘોગ ક્ષેત્રે પ્રવેશને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સિરામીક ઉઘોગનો વિકાસ મુખ્યત્વે સૌરાષ્ટ્રના મોરબી ઇન્ડસ્ટ્રીઅલ બેલ્ટમાં થયેલો છે અને ડયુરાવિટ કંપની સંચાલકોએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૦૭માં ગુજરાતમાં સિરામીક પ્લાન્ટ સ્થાપવા રૂા. ૭૦ કરોડના મૂડીરોકાણ માટે સમજૂતિના કરાર કર્યા હતા, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં મંદીનું સંકટ ધેરાઇ ગયું હતું, અને કોઇ ઉઘોગ નવા સાહસ માટે પ્રેરિત થાય નહીં તેવું મંદીનું વાતાવરણ હોવા છતાં, સને ર૦૦૮માં ડયુરાવિટ કંપનીએ ગુજરાતમાં જ સિરામીક ઇન્ડસ્ટ્રીઝનો નવો પ્લાન્ટ ભારતમાં પ્રથમ સ્થાપીને પોતાનું વચન નિભાવ્યું અને ગુજરાતમાં ઔઘોગિક પ્રગતિમાં પ્રતિબધ્ધતાથી વિશ્વાસ રાખ્યો હતો. આજથી આ કંપનીનો સિરામીક સેનીટરી વેર્સના ઉત્પાદનો માટેનો પ્લાન્ટ શરૂ થતાં હવે ગુજરાતની વૈશ્વિક શાખ વધુ ઉંચાઇ ઉપર પહોંચી છે એમ તેમણે જણાવ્યું હતું.
ડયુરાવિટનો આ પ્લાન્ટ ૧.૭૦ લાખ ચો.મી.ના વિસ્તારમાં આણંદ જિલ્લાના તારાપુર નજીક સ્થાપવામાં આવ્યો છે અને અંદાજે રૂા. ૧ર૦ કરોડના મૂડીરોકાણથી વાર્ષિક પાંચ લાખ સેનીટરી વેર્સનું ઉત્પાદન થશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઔઘોગિક અને આર્થિક વિકાસનું ઉત્તમ પર્યાવરણ છે તેની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મળી રહેલી સ્વીકૃતિ સંદર્ભમાં જણાવ્યું કે ગુજરાત સરકારની “પ્રો-એકટીવ પ્રો-પિપલ ગુડ ગવર્નન્સ”P2G2 અને વિકાસ માટેની પ્રગતિશીલ નીતિનો સુનિશ્વિત અભિગમ આગવી નામના ધરાવે છે. આ ઉપરાંત, ગુજરાતની પ્રજામાં ઉઘોગ સાહસિકતા અને વેપાર-વાણીજ્યની કુશળતા સાથે ઔઘોગિક ક્ષેત્રે કામદારો અને સંચાલકો વચ્ચે સુમેળભર્યા સંબંધોની પારિવારિક ભાવનાનું શ્રેષ્ઠ વાતાવરણ છે. આના પરિણામે, ગુજરાતમાં ઉઘોગ-કામદારોની એવી ઉત્તમ કાર્યસંસ્કૃતિ સર્જાઇ છે જેમાં શૂન્ય દરનો માનવદિન ધટાડો-ZERO MANDAYS LOSS, અને રોજગારીની કુશળ માનવશકિતમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા ઉપલબ્ધ થયેલી રોજગારીના કુલ ૭ર ટકા તો એકલા ગુજરાતે અંકે કરેલા છે, જે દર્શાવે છે કે ગુજરાત કેટલી ઉંચાઇ ઉપર પ્રગતિ કરી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્યમાં જ ગેસગ્રીડનું રાજ્યવ્યાપી નેટવર્ક ઉભૂં થયેલું છે જે સિરામીક ઉઘોગ સહિત ઔઘોગિક ક્ષેત્રે સ્પર્ધાત્મક ઉત્પાદન ખર્ચમાં સસ્તા ભાવે ગેસ પૂરવઠો પૂરો પાડે છે. આ ઉપરાંત માળખાકીય સુવિધાઓના પરંપરાગત વિકાસના ક્ષેત્રો રોડ, રેલ્વે, પોર્ટ અને એરપોર્ટની ઉત્તમ સવલતોથી આગળ વધીને ગુજરાતમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેકટીવિટીનું ઓપ્ટીકલ ફાઇબર કોમ્યુનિકેશન નેટવર્ક, ગેસગ્રીડ, ર૪ કલાક થ્રી ફેઇઝ નિરંતર વીજપુરવઠો જેવી ર૧મી સદીના આધુનિક માળખાકીય વિકાસની સુવિધા ગુજરાતે જ ઉપલબ્ધ કરી છે.
ગુજરાતના વિકાસ-વિઝનમાં ભવિષ્યની દુરંદેશીતાની પ્રતિતી વિશ્વના ઉઘોગ-વેપાર ક્ષેત્રમાં સૌ કોઇને થઇ છે અને, આગામી જાન્યુઆરી-ર૦૧૧માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર૦૧૧ યોજાવાની છે તેમાં ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ગ્લોબલ એન્વાયર્નમેન્ટનું ડેસ્ટીનેશન બની રહેશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ડયુરાવિટ કંપનીના સ્થાપક સંવર્ધક ભારતમાં હોકીના ખેલાડી તરીકે જાણીતા હતા તે સંદર્ભમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી તરીકે ડયુરાવિટ ગુજરાતમાં હોકીની રમત માટેની પ્રશિક્ષણ અકાદમી શરૂ કરે એવું પ્રેરક સૂચન કર્યું હતું.
ડયુરાવિટ એજી જર્મનના ચીફ એકઝીકયુટીવ શ્રીયુત ફ્રાન્ઝ કુક (Mr. FRANZ KOOK) અને ચેરમેન શ્રીયુત ગ્રેગોર ગ્રેનેર્ત (Mr. GREGOR GRENEIRT) તથા મેનેજિંગ ડિરેકટરશ્રી આસુતોષ શાહે પ્લાન્ટ-પ્રોજેકટની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
આ સમારોહમાં આમંત્રિત ઉઘોગ સંચાલકો ઉપરાંત વિધાનસભાના નાયબ દંડક શ્રી અંબાલાલ રોહિત, ધારાસભ્યશ્રી શિરીષ શુકલ અને ઉઘોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ ઉપસ્થિત હતા.