મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને દાઉદી વોહરા સમાજના બુરહાની એક્ષ્પોઃર૦૧૧ પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતા ડો. સૈયદના મોહમદ બુરહાનુદીન સાહેબની જન્મ શતાબ્દી રપમી માર્ચ ર૦૧૧થી શરૂ થાય છે તે ગુજરાતની ધરતી ઉપરથી ભવ્ય રીતે ઉજવાય અને સમાજશકિતનું અભિયાન બની રહે એવું પ્રેરક આહવાન કર્યું હતું.
દાઉદી વોહરા સમાજના દેશ અને દુનિયામાંથી ઉપસ્થિત સૌએ આ અપીલને વધાવી લીધી હતી.
દાઉદી વોહરાના આધ્યાત્મિક વડા ડો. સૈયદના મોહમદ બુરહાનુદીન સાહેબની જન્મશતાબ્દીના અવસરે સૌપ્રથમવાર અમદાવાદમાં બુરહાની એક્ષ્પો પ્રદર્શન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીમાં દાઉદી વોહરા સમાજની આ આગવી પહેલને મુખ્યમંત્રીશ્રીએ આવકારતા જણાવ્યું કે વોહરા સમાજ એવો સમાજ છે જે દુનિયામાં જ્યાં પણ પહોંચ્યો છે ત્યાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ડો. સૈયદના સાહેબના આશિષ દર વર્ષે મળતા જ રહ્યા છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૯૯ વર્ષે પણ સતત કર્મશીલ જીવન જીવતા ડો. સૈયદના સાહેબ એક પ્રેરણાબળ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સુરતમાં પહેલીવાર યોજાઇ ત્યારે તેમણે આ આયામને શુભેચ્છા આપી અને આજે આ ગ્લોબલ સમિટ વૈશ્વિક બની ગઇ છે.
દાઉદી વોહરા સમાજની પ્રથમ યુનિવર્સિટી સુરતમાં ૧૯ર૦માં શરૂ થઇ અને તે મહાત્મા ગાંધીજીની ૧૯૩૦માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ કરતા પણ અગાઉ સ્થપાઇ હતી. શિક્ષણ માટે દાઉદી વોહરા સમાજે જે દૂરદર્શીતા બતાવી છે તેનાથી દાઉદી વોહરા સમાજ શિક્ષણના કારણે જ બૂરાઇઓથી દૂર રહ્યો છે અને સમાજની આ જ સાચી પ્રગતિની નિશાની છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વોહરા સમાજે પોતાની માતૃભાષા ગુજરાતીનો મહિમા અને પોતાના આધ્યાત્મિક સામાજિક મૂલ્યો, શાંતિ-સૌહાર્દની સદ્દભાવના જાળવી છે. શાંતિ અને સદ્દભાવ જ પ્રગતિના આધારસ્થંભ છે અને ગુજરાત આ શાંતિ, સદ્દભાવ અને ભાઇચારાની સામાજિક ભાવનાથી દેશ અને દુનિયામાં પ્રગતિની મિશાલ બની રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ડો. સૈયદના સાહેબની પ્રેરણાથી દાઉદી વોહરા સમાજે ચેકડેમ જળસંચયનું અભિયાન ઉપાડીને ગુજરાતમાં જે સેવા કરી છે તેનો આભારસહ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વોહરા સમાજ આખા ગુજરાતના ખૂણે-ખૂણે ગામે-ગામ વસેલો છે તેની સક્રિય શકિતને ગ્રામસમાજે પણ પ્રતિષ્ઠા આપી છે ત્યારે, ડો. સૈયદના સાહેબની જન્મશતાબ્દીના વર્ષમાં દાઉદી વોહરા સમાજ કૂપોષણની સમસ્યા નિવારવા ગરીબ સભર્ગા માતા અને બાળકોના પોષણ માટે લોકશિક્ષણનું અભિયાન ઉપાડે. ડો. સૈયદના સાહેબની જન્મશતાબ્દી ઉજવવામાં આ ઉત્તમમાં ઉત્તમ સમાજસેવાનું અભિયાન બનશે એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદ જેવા વાઇબ્રન્ટ શહેરમાં બુરહાની એક્ષ્પો પ્રદર્શન ગુજરાતની પ્રગતિની વિકાસની મિશાલનો સંદેશો વિશ્વને આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ડો. સૈયદના સાહેબના પુત્ર ઔઝફાભાઇ સાહેબ મોમુદીને જણાવ્યું હતું કે, દાઉદી વ્હોરા સમાજ સદીઓથી શાંતિ-વિકાસ અને સહઅસ્તિત્વની ભાવના સુદ્રઢ કરતો આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત ઝડપથી વિકસી રહ્યું છે. તેમના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ અમદાવાદ દેશનું સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. ‘વ્હોરા' શબ્દનો અર્થ વેપારી થાય છે ત્યારે આ સમાજે ગુજરાતની પ્રગતિમાં હંમેશા યોગદાન આપ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ ‘બુરહાની એકસ્પો' સોવિનીયરનું વિમોચન કર્યું હતું.
સાંસદશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે દાઉદી વ્હોરા સમાજે અમદાવાદમાં ઔદ્યોગિક પ્રદર્શન યોજીને રાજ્યની વિકાસ દોડને સમર્થન આપવાની સાથે સહભાગીદારીની ભાવના સુદ્રઢ બનાવી છે.
સંસ્થાના અગ્રણીશ્રી યુસુફભાઇએ જણાવ્યું હતું કે રાજા સિધ્ધરાજ જયસિંહના સમયથી ગુજરાતમાં દાઉદી વ્હોરા સમાજ તેના અસ્તિત્વને શાખને ઉજાગર કરતો આવ્યો છે. દેશના સૌથી વધુ વિકસિત અને પ્રગતિશીલ એવા ગુજરાત રાજ્યના વિકાસમાં આ સમાજ યથાયોગ્ય રીતે સહભાગી બનતો રહ્યો છે. આ સમાજ અસમાજિક પ્રવૃત્તિ અને દૂષણોથી દૂર રહીને એક શાંત અને પ્રગતિશીલ સમાજ તરીકેની ઓળખ જાળવી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મેયરશ્રી અસિતભાઇ વોરા, પૂર્વ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, ભાજપા અગ્રણી શ્રી જયંતિભાઇ બારોટ, દાઉદી વ્હોરા સમાજના શ્રેષ્ઠીઓ-અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.