મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ઇન્ડિયન ઇસ્ટીટયુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન-IITE ના પ્રથમ ડિગ્રી અભ્યાસક્રમનું વિમોચન કરતા જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં ઉત્તમ શિક્ષકોની આવશ્યકતાની પૂર્તિ માટેની સીમાચિન્હરૂપ પહેલ, ગુજરાતે IITEની સ્થાપનાથી કરી છે. આ સંસ્થાન શિક્ષકની પૂનઃપ્રતિષ્ઠા કરે અને સમગ્ર દેશને ઉત્તમ શિક્ષકના નિર્માણ માટેની શૈક્ષણિક સંસ્થાનું મોડેલ પુરૂં પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે IITE માટેની પ્રથમ ડિગ્રી કોર્સની ૧૦૦ વિઘાર્થીઓની બેચ 1 લી ઓગસ્ટથી શરૂ કરવાનો ઉપક્રમ હાથ ધર્યો છે અને ધોરણ ૧ર પછી ચાર વર્ષની BA/BSC/BEDની ડિગ્રી પ્રાપ્ત કરીને શિક્ષણમાં આજીવન સમર્પણ કરવા પ્રતિબધ્ધ શિક્ષકોને પ્રશિક્ષિત કરવા IITE કાર્યરત કરી છે.
આજે ગુજરાતની BEd કોલેજોના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીઓની શિક્ષણ ફેકલ્ટીઓ અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રીશ્રીએ IITE દ્વારા ગુજરાતે ભવિષ્યની સામર્થવાન પેઢીના નિર્માણ માટેના વિશાળ ક્ષિતિજો તરફ પદાર્પણ કર્યું છે તેની વિષદ્ ભૂમિકા આપી હતી અને જણાવ્યું હતું કે IITE માત્ર ગુજરાતના ઉત્તમ શિક્ષકો માટેની શૈક્ષણિક સંસ્થા નથી પરંતુ ભવિષ્યમાં દેશ અને દુનિયામાં ઉત્તમ શિક્ષકોની વિશાળ જરૂરિયાત જોતાં ગુજરાતની IITE શિક્ષણ ક્ષેત્રે જીવંત માનવસંસાધન વિકાસની પ્રયોગભૂમિ બની રહેશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તેઓ એવું ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યા છે કે જેમ ઉઘોગો અને વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં વ્યાવસાયિક કારકિર્દી માટેની IIM અને IIT જેવી સંસ્થાઓના વિઘાર્થીઓનું વિશ્વમાં સામે ચાલીને રોજગાર-પ્લેસમેન્ટ થાય છે એમ, IITEના ઉત્ત્િાર્ણ શિક્ષકોની પણ સામે ચાલી માંગ ઉભી થશે કારણ કે, પ્રત્યેક પરિવાર પોતાના સંતાનોને ઉત્તમમાં ઉત્તમ શિક્ષક દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય તેને જીવનની પ્રાથમિકતા માને છે. શિક્ષક પ્રત્યે વિઘાર્થીઓ અને સમાજમાં આદરભાવ જાગે તે માટે શિક્ષક પોતે સુસજ્જ અને સામર્થ્યવાન બને તે દિશામાં IITEનું પ્રશિક્ષણ આપવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ IITE ગુજરાત બી.એડ અને પી.ટી.સી. કોલેજોના પ્રશિક્ષણની પરંપરાગત પધ્ધતિમાં આધુનિક અને ર૧મી સદીના વૈશ્વિક પરિવર્તનોનો સાથે તાલ મિલાવે તેવા ગુણાત્મક પરિવર્તન માટે પણ પોષક બનશે એવી શ્રધ્ધા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે આજના યુગમાં શિક્ષક ""રિસોર્સ સેન્ટર'' નથી રહેવાનો પણ ભવિષ્યની પેઢીના જીવન ધડતર માટે ઉદ્દીપકનો પ્રેરણાસ્ત્રોત બની રહેવાનો છે. ગુજરાતની IITE આજે શિક્ષણ ક્ષેત્રે એક ચિનગારીરૂપે પ્રગટી છે, પરંતુ લાંબાગાળે માનવસંસાધન વિકાસની જ્યોત બનીને ઝળહળશે એ માટે તેમણે સૌ શિક્ષણવિદોના નિર્ણાયક યોગદાનની પણ અભિલાષા વ્યકત કરી હતી.
ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી પ્રા. વસુબેન ત્રિવેદીએ વિકાસના પાયામાં શિક્ષણને અગ્રીમતા આપીને મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોના સર્વાંગીણ ભવિષ્ય ધડતરની તકો અને સુવિધા માટે IITEનું જે દીર્ધદ્રષ્ટીથી આયોજન કર્યું છે તે શિક્ષક પ્રત્યેના સમાજના દ્રષ્ટિકોણમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવી ઉજ્જવળ સંભાવના દર્શાવી હતી.
IITEના અભ્યાસક્રમ તૈયાર કરવા માટેની તજ્જ્ઞ સમિતિના અધ્યક્ષ પ્રા. માહેશ્વરી અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શ્રીમતી જ્યંતી રવિએ IITEના ઉદ્શો અને અભ્યાસક્રમની વિશેષતા પ્રસ્તુત કરી હતી. શિક્ષણના અગ્ર સચિવશ્રી ડો. હસમુખ અઢિયા સહિત શિક્ષણકારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ર્ડા. કિરીટ જોષી લિખિત પુસ્તક “ચાઇલ્ડ, ટિચર્સ એન્ડ ટિચર્સ એજ્યુકેશન”નું વિમોચન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.