મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુશ્રી લાલિત્ય મુન્શાના મ્યુઝિક આલ્મબ હાલરડાંનું ગઇકાલે અમદાવાદમાં લોકાર્પણ કરતા જણાવ્યું કે હાલરડું સંગીતના પ્રકાર કરતા પણ સંસ્કારનો મહિમા ધરાવે છે.
આ લુપ્ત થઇ રહેલી હાલરડાં જેવી સંસ્કાર સંક્રમણની પેઢીઓ સુધી પ્રક્રિયા વિસ્તરે તે માટે સમાજ જાગૃત થાય તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
સુશ્રી લાલિત્ય મુન્શા મુંબઇના પ્રસિધ્ધ ગાયક કલાકાર છે અને અત્યાર સુધીમાં ૧૧ સંગીત આલ્બમોનું નિર્માણ કર્યું છે. તેમને ‘હાલરડાં' - આલ્બમ દ્વારા માતૃશકિતનો મહિમા કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગર્ભાવસ્થાથી લઇને જીવનની પ્રત્યેક પળે, દરેક મહિને સંસ્કાર પ્રક્રિયા થતી હોય છે. જન્મ પછી ઉછેરમાં હાલરડાં દ્વારા માતાનો શિશુમાં સપના સંજોરવાના પ્રયાસથી માંડીને અંતિમ સંસ્કારમાં મરશીયા સુધી આપણી સંસ્કૃતિનો વારસો પૂર્વજોએ આપ્યો છે. આજે હાલરડાંની સંસ્કૃતિ જ જાણે લુપ્ત થઇ રહી છે. પરંતુ શિશુનો ઇન્ટેલીજન્ટ આંક ૦ થી ૩ વર્ષ સુધી બાલ્યાવસ્થાના ઘડતરમાં હાલરડાંનું મહાત્મ્ય સમાજે સ્વીકારવું પડશે.
વિશ્વ ૨૧મી સદીમાં માતૃભાષા દિવસ ઉજવી રહ્યું છે અને ગુજરાત સ્વર્ણિમ જયંતી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતી માતૃભાષાના ગૌરવ માટે સૌને અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે ઝવેરચંદ મેઘાણીએ ‘‘શિવાજીનું હાલરડું'' ગુજરાતીમાં સર્જીને ગુજરાતી ભાષાનું ગૌરવ કર્યું છે.
માત્ર દીકરા માટે જ નહીં દીકરીઓ માટે પણ હાલરડાં રચાવા જોઇએ. હવે સમાજ જીવનમાં પરિવર્તન આવ્યું છે, ત્યારે માતૃશકિત માટેના સર્વગુણ આદર માટે આ દીકરી દીકરાના હાલરડાં રચાવા જોઇએ એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
હાલરડાંના માધ્યમથી ઇશ્વર એ માત્રને માત્ર માતાને આપેલી વિશિષ્ઠ વાત્સલ્યભાવની શકિત જ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિમાં માતૃશકિતનો ભગવાનના પરિવારમાં જે મહિમા છે તેને સમાજ સ્વીકારે એવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
ભાગવત કથાકાર ભાઇ શ્રી રમેશભાઇ ઓઝાએ ભારતીય સંસ્કૃતિમાં રહેલા માતૃવાત્સલ્ય ભાવને ‘હાલરડાં' દ્વારા અભિવ્યકત કરવા અંગે લાલિત્ય મૂન્શાને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે આશીર્વચન પાઠવતા જણાવ્યું કે, ભાષા વૈભવ અને સંસ્કાર સંક્રમણની સમગ્ર પ્રક્રિયામાં આત્મીય ભાવના સંગીત-ગીતના માધ્યમથી ‘હાલરડાં' દ્વારા પ્રસ્તુત થઇ છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો. સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પ્રસન્નતા વ્યકત કરી પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
આ અવસરે પ્રસિધ્ધ કવિઓ, લેખકો, સંગીતજ્ઞો, સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ, આમંત્રિતો તથા મૂન્શા પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.