મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં સર્વપ્રથમ, એવા ગુજરાતની આંગણવાડીઓ દ્વારા ૪૦ લાખ લાભાર્થીઓના પૂરક પોષણ આહારનો કાર્યક્રમ આજથી લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આવતીકાલના સ્વસ્થ ગુજરાત માટેનું આ એવું અનોખું અભિયાન છે જે શિશુ-ભૂલકાંઓ, કિશોરીઓ અને સગર્ભા માતાઓને કુપોષણની સમસ્યામાંથી મૂકિત અપાવશે.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સંકલિત બાલ વિકાસ સેવા યોજના અન્વયે કુપોષણ સામેની લડાઇના સશકત અભિયાન તરીકે રાજ્યની ૪૪૭૮૯ આંગણવાડીઓ મારફતે સૂક્ષ્મ પોષક તત્વો સાથે તૈયાર રાંધી શકાય એવા પૂરક પોષક આહાર-‘રેડી ટુ કુક' પ્રિમીક્ષ ફૂડ-જેમાંથી સુખડી, શીરો, ઉપમા અને બાલભોગ સહિતની ૭૦ જેટલી પોષક વાનગીઓ વિવિધ સ્વરૂપે લાભાર્થીને ઘેરબેઠા ઉપલબ્ધ થઇ છે. સમગ્ર દેશમાં કુપોષણની સમસ્યામાંથી મૂકત થવાનો આ નવતર માર્ગ ગુજરાત સરકારે બતાવ્યો છે.
આ સમગ્ર પોષક આહાર સ્વાસ્થ્યરક્ષા અભિયાન માટે રૂ. ૭૩૦ કરોડ અને કિશોરીઓ માટે રૂ. ૧પ૦ કરોડ સહિત કુલ રૂ. ૮૯૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ પૂરક પોષણ આહારનું આજે લાભાર્થીઓને પ્રતિક વિતરણ કર્યું હતું.
કુપોષણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય-સમસ્યાઓ સર્જે છે એની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદી પછીની સરકારોએ શરૂઆતથી જ કિશોરીઓના કુપોષણની સમસ્યાની કાળજી લીધી હોત તો આજે ચાર-ચાર પેઢી પછીના બાળકો અને માતાઓ કુપોષણથી મૂકત રહ્યાં હોત.
આ એક એવી સમસ્યા છે જે નિરંતર સાતત્યપૂર્ણ અભિગમથી જ નિવારી શકાય અને ગુજરાત સરકારે માત્ર આંગણવાડીનાં ભૂલકાંઓ માટે જ નહીં, પણ તમામ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પણ સંકલિત બાળવિકાસ સેવા યોજનાની લાભાર્થી ગણીને આ અભિયાન ઉપાડયું છે.
આંગણવાડી બાળવિકાસનું પાયાનું કેન્દ્ર છે અને સમાજમાં આંગણવાડીની પ્રતિષ્ઠા કરી તેની કાર્યકર્તા બહેનો પ્રત્યેની સામાજિક ઉદાસિનતાનું વાતાવરણ દૂર કરવા, માતા યશોદા સ્વરૂપે દરજ્જો આપીને સાડીનો યુનિફોર્મ અને વેતન વૃધ્ધિનો સ્તુત્ય પ્રયાસ પણ આ જ સરકારે કર્યો છે. પ્રત્યેક આંગણવાડીમાં માતા યશોદારૂપે વાત્સલ્યભાવે ઘેર-ઘેર કનૈયાનું લાલન-પાલન થાય એવું વાતાવરણ સર્જવા હવે નંદઘર તરીકે આંગણવાડી મકાનોનું નિર્માણ થઇ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
આંગણવાડીની સંચાલિકા બહેનો માતા યશોદા ભાવે મનોવૈજ્ઞાનિક રીતે ભૂલકાંઓના સંસ્કાર, સારી ટેવો, સ્વચ્છતાની સમજ આપી શકે તેવા અનેક નવતર પ્રયોગો કરી રહી છે તેની પ્રસંશા કરતાં દ્રષ્ટાંતો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે અનેક પ્રકારના સંશોધનો કરીને કુપોષણ નિવારણ માટેના પૂરક પોષક આહારનું રેડી ટુ કુક પ્રિમીક્ષ એવું પોષણ આહારનું પેકેજ તૈયાર કર્યું છે. જેમ સુખીસંપન્ન પરિવારો ‘ફાસ્ટફૂડ'નો સ્વાદ બજારમાંથી માણે છે તેમ હવે આ પૂરક પોષણ આહાર ગરીબ માતાઓ અને બાળકો-કિશોરીઓ માટે વિવિધ વાનગીરૂપે ‘ફાસ્ટફૂડ'નો વિકલ્પ બની રહેશે. મુખ્યત્વે શાકાહારી સમાજ એવા ગુજરાતમાં શાકભાજીનો પ્રોટીન-વિટામીનના તત્વ સાથે રૂચિ-વપરાશનો મહિમા વધે તે માટે બાળકોમાં ભોજનમાં શાકભાજીના પોષક ગૂણો કેળવવાના પાયાના પ્રયાસો આંગણવાડી દ્વારા થઇ રહ્યા છે તેને આવકારી વધુ વ્યાપક સ્વરૂપે તેને હાથ ધરવા મૌલિક સૂચનો પણ તેમણે કર્યા હતા.
સ્વર્ણિમ જ્યંતીના આ વર્ષમાં આંગણવાડી દ્વારા ગુજરાતની આવતીકાલનું તંદુરસ્ત ઘડતર થાય તે માટે તેમણે માતા યશોદાના વાત્સલ્ય ભાવને પ્રોત્સાહિત કરવા અનેક સૂચનો કર્યા હતા.
ગુજરાત સરકારે કુપોષણ સામે સાતત્યપૂર્ણ વ્યૂહ અપનાવીને જે લડાઇ શરૂ કરી છે તેમાં પૂરક પોષણ આહારનું આ અભિયાન પણ દિશાદર્શક બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
રમકડાં દાન માટે અપીલ
આંગણવાડીના ગરીબ ભૂલકાંઓના રમકડાં દ્વારા મનોવૈજ્ઞાનિક વિકાસ માટેનું નવતર અભિયાન હાથ ધરવાનું આહ્્વાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. જૂન મહિનામાં સમગ્ર ગુજરાતમાં લોકભાગીદારીથી રમકડાં એકત્ર કરવા માટેનું અભિયાન નગરો અને મહાનગરોમાં જનપ્રતિનિધિઓ તથા સ્વૈચ્છિક સમાજ સંગઠ્ઠનો હાથ ધરે અને સુખી સંપન્ન પરિવારોના બાળકોએ છોડી દીધેલા અવનવા રમકડાં દાન પેટે આંગણવાડીના ભૂલકાંઓ માટે અઢળક ઢગલા કરીને સામાજિક અભિયાન સફળ બનાવે એવી જાહેર પ્રેરક અપીલ પણ તેમણે આ પ્રસંગે કરી હતી.
મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે સ્ત્રી સશકિતકરણ અને તંદુરસ્ત ગુજરાતની નવી પેઢીના ઉદે્શ સાથે રાજ્યમાં વર્ષ ર૦૦રથી મહિલા અને બાળવિકાસનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આંગણવાડી કેન્દ્ર વિષે કોઇ કાળજી લેવાતી ન હતી, જ્યારે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વર્તમાન સરકારે આંગણવાડી કેન્દ્રોને સામાજિક વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે નંદઘરની સ્વીકૃતિ આપીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણની નેમ સાથે અનેક નવતર યોજનાઓ અમલી બનાવી છે.
રાજ્ય સરકારે સને ર૦૧ર સુધીમાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોતાના મકાનો બાંધવાનું આયોજન કર્યું છે તેમ જણાવી શ્રીમતી પટેલે કહ્યું કે આ માટે રૂ. ૧૦૦ કરોડની અલગ જોગવાઇ કરવામાં આવી છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પ્રભારી આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલ, સંસદ સભ્ય શ્રીમતી જયશ્રીબેન પટેલ, રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન આંકોલિયા, મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરપર્સન શ્રીમતી સીતાબેન નાયક, ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ તથા આંગણવાડી કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.