મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેલ મહાકુંભ : 2011નો શાનદાર પ્રારંભ
વડોદરાની ધરતી ઉપરથી વિશ્વનો વિરાટ રમતોત્સવ શરૂ :
રમશે ગુજરાત જીતશે ગુજરાત :
ખેલ મહાકુંભના જોમ-જુસ્સાથી છલકાતા થીમ સોંગમાં ખેલાડીઓની સામૂહિક નૃત્ય પ્રસ્તુતિ
ખેલ મહાકુંભમાં 21 લાખ લોકો ખેલકૂદના મેદાનમાં માર્શલ આર્ટ પ્રશિક્ષક-અભિનેતા- અક્ષયકુમાર સહિત 50 ખેલાડીઓની સ્ટાર ગેલેરી
પ્રતિષ્ઠાપ્રાપ્ત ખેલાડીઓનું ગૌરવ
રમતોના રંગારંગ સાંસ્કૃતિક ઝલકથી જનતા ઝૂમી ઉઠી
અશકત વિકલાંગોની રમતલની વિશિષ્ઠ શકિતઓનું કૌવત પ્રદર્શિત કરવા 60,000 અંધ-અપંગ માટે સ્પેશિયલ ઓલિમ્પીક
3500 સાગરખેડૂ રમતવીરો માટે દરિયા કિનારે બીચ-સ્પોર્ટસ યોજાશે
અશકત-વિકલાંગ ખેલાડીઓના ખેલ કૌશલ્યને બિરદાવતા ભાવવિભોર બનેલા મુખ્યમંત્રીશ્રી
- ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થપાશે
- ખેલદીલીની ભાવના ખેલકૂદથી સમાજની રગેરગમાં ઉતરશે
- નવી પેઢીમાં ઘર ઘરમાં રમતવીર બને
- ગુજરાતના વિશાળ સમુદ્ર કિનારે બીચ સ્પોર્ટસ શરૂ કરાશે
ખેલ મહાકૂંભનો પ્રારંભ સલૂણી સંધ્યાએ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મેદાનમાં અત્યંત ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે થયો હતો. ખેલ મહાકુંભના જોમજુસ્સાથી થનગનતા થીમ સોંગમાં રમતવીરો અને રમત વીરાંગનાઓએ સમુહ નૃત્યની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરીને વિશાળ જનતાના મન મોહી લીધા હતા. ખેલ કુદની વિષયવસ્તુ સાથે 4200 કલાકારો સાથેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલકથી જનતા ઝુમી ઉઠી હતી. પ્રસિધ્ધ અભિનેતા અને માર્શલ આર્ટના પ્રશિક્ષક અક્ષયકુમાર સહિત 50 જેટલા પ્રતિષ્ઠિત ખેલાડીઓની સ્ટાર ગેલેરીથી ખેલ મહાકુંભ વધુ દૈદિપ્યમાન બન્યો હતો.
આ વર્ષના ખેલ મહાકુંભમાં વિશિષ્ઠતા એ પણ હતી કે રાજ્યભરમાંથી 60,000 જેટલા વિકલાંગ-અશકત ખેલાડીઓ પોતાની રમતશૈલીનું કૌવત આ સ્પર્ધાઓમાં પ્રદર્શિત કરવાના છે. જેને સ્પેશિયલ ઓલિમ્પીક તરીકે મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ આપ્યું છે. આ ઉપરાંત સાગરના ખોળે ઉછરેલા 3500 સાગરખેડૂ ખમીરવંતા યુવાનો માટે બીચ સ્પોર્ટસની ખાસ સ્પર્ધાઓ પણ પહેલીવાર યોજાશે. રમતવીરોના અપૂર્વ ઉત્સાહથી છલકાતા ખેલમહાકુંભના પ્રારંભે પેવેલીયનમાં નામાંકિત 4 ખેલાડીઓ તા. 11-11-11ના રોજ અમદાવાદથી ખેલમહાકુંભની પંચધાતુની મશાલજ્યોત સાથે સમગ્ર ગુજરાતમાં ફરીને આજે વડોદરા આવ્યા હતા અને પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમારના હસ્તે મુખ્યમંત્રીશ્રીને તે સુપરત કરી હતી. ખેલાડીઓની માર્ચપાસ્ટ પછી થીમસોંગ અને અક્ષયકુમારના સોન્ગ ડાન્સ રજૂ થયા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ આ દ્વિતિય ખેલમહાકુંભને વિધિવત ખુલ્લો મુકતાં જણાવ્યું કે રાજ્યમાં રમતગમતનું ક્ષેત્ર તદ્દન ઉદાસીન અને ઉપેક્ષિત હતું તે દુઃખદ સ્થિતિમાં બદલાવ લાવીને ખેલકુદ પણ રાષ્ટ્રના વિકાસનું મહત્વનું અંગ છે તે ગુજરાતે આ વિરાટ રમતોત્સવથી પુરવાર કર્યું છે. 120 કરોડની વિરાટજનશકિત ધરાવતો આ દુનિયાનો સૌથી યુવા દેશ હિન્દુસ્તાન ખેલકુદ ક્ષેત્રે કેમ પોતાની ઓળખ ઉભી નથી કરી શક્યો તેનું દુઃખ વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતે પહેલ કરી છે. ખેલકુદને આ સરકારે પ્રોત્સાહન આપ્યું છે. માત્ર ખેલાડીઓ જ નહીં, રમતના પ્રશિક્ષણ, રમતના મેદાનોની માળખાકીય સુવિધાઓ, ખેલકુદ વ્યસ્થાપન સુધી ગુજરાતે સ્પોર્ટસ યુનિવર્સિટીથી વિકાસ કરવાની નેમ રાખી છે એમ તેમણે જણાવ્યું હતું. આ હેતુસર ચીનના સ્પોર્ટસ મેનેજમેન્ટ એકસપર્ટનો સહયોગ લેવાશે તેવો સ્પષ્ટ નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.ગુજરાતમાં રમત પ્રવૃત્તિ સમાજની જીનેટીક સીસ્ટમમાં આવશે તો ખેલદીલીની ભાવના સમાજમાં ઉજાગર થશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રમતમાં હાર-જીતની સ્પર્ધા થશે પણ જીતશે ગુજરાત જ તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આગામી એક મહિના સુધી ગુજરાતના ગામ-તાલુકા-જિલ્લા રમતના મેદાનો બની જશે એમ તેમણે ગુજરાતમાં રમતની વિરાટ શકિતનું પ્રદર્શન કરવાનું આહ્વાન આપતાં જણાવ્યુ હતું. રાજ્યમાં એક જ બેનર નીચે 27000 ટીમો કબડ્ડીમાં ભાગ લેવાની છે અને આ પણ વિશ્વનો વિક્રમ બની જશે એમ તેમણે જણાવ્યું હતું. અશકત-અપંગ ખેલાડીઓને ખેલ મહાકુંભમાં સ્પેશિયલ ઓલિમ્પીક તરીકે પોતાનુ ખેલ કૌશલ્ય બતાવવાનો અનોખો અવસર આપ્યો છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવવિભોર બની ગયા હતા. સ્પોર્ટસના ક્ષેત્રમાં ગુજરાતની નવી પેઢીના ઘર ઘરમાં રમતવીર બને એવો સંકલ્પ પાર પાડવાની અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ 21 લાખ ખેલાડીઓને હાર-જીતને બદલે ખેલદીલીની ભાવના સાથે રમવાની શુભેચ્છાઓ આપી હતી.
રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલમહાકૂંભ-2011ને ગુજરાત સ્વર્ણિમ જયંતિ વર્ષ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ રાજ્યને આપેલી એક સ્વર્ણિમ ભેટ ગણાવી હતી. વડોદરાના પ્રજાપરાયણ રાજવી સયાજીરાવ ગાયકવાડને મુખ્યમંત્રીશ્રીની આ સાચી શ્રધ્ધાંજલિ છે એમ તેમણે જણાવ્યું હતું. નૂતન પ્રયોગો અને રચનાત્મક વિચારોની આ નગરીએ વિવિધ રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ જગતને આપ્યા છે તેની યાદ કરતાં શ્રી ફકીરભાઇ વાઘેલાએ ખેલમહાકૂંભ-2011ની સ્પર્ધામાં રૂા.45 કરોડના ઇનામો ખેલાડીઓને આપાશે તેમ જણાવ્યું હતું.
ફિલ્મસ્ટાર અક્ષયકુમારે જણાવ્યું કે ગુજરાતના સદનશીબે રાજ્યને રમતપ્રેમી મુખ્યમંત્રી મળ્યા છે જેમણે આ સ્પર્ધાઓમાં マદય અને આત્મા રેડીને સ્પર્ધાનું મહાત્મય વધાર્યું છે. તેમણે સ્પેશીયલ ઓલિમ્પીકને આ રમતોત્સ્વમાં સમાવવા બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી જણાવ્યુ કે ‘‘રમશે ગુજરાત જીતશે ગુજરાત'' જેમ હવે ‘‘રમશે હિન્દુસ્તાન'' પણ સાકાર થશે.
ખેલ મહાકુંભના આ ભવ્ય ઉ્દઘાટન સમારોહમાં વડોદરા જિલ્લા પ્રભારી અને શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, રમતગમત સચિવશ્રી ભાગ્યેશ જ્હા અને ગાયકવાડ રાજવી પરિવારના સદસ્યો સર્વશ્રી રણજિતસિંહ, ડૉ.મૃણાલીની દેવી, શુભાંગીની દેવી સહિત રમતપ્રેમી નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.