મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે વિખ્યાત તરણેતરના મેળામાં ઉમટેલા ઉત્સવધેલા લાખો માનવીઓ સાથે આનંદમાં સહભાગી બન્યા હતા અને જણાવ્યું હતું કે પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ પ્રકૃતિપ્રેમ સાથે જોડીને કરવાની આગવી પહેલ ગુજરાતે કરી છે.
મેધરાજાની મહેરથી ગુજરાતના છ કરોડ ગુજરાતીઓમાં વિકાસના પુરૂષાર્થની નવી ચેતના જાગી છે તેનો આનંદ વ્યકત કરતાં, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે ગુજરાતના વિકાસની આડે આવનારા કોઇ તણખલા વિધ્ન સર્જી શકવાના નથી!
પાંચાળની ભોમકામાં બિરાજેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના ભકિતભાવથી દર્શન કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મનપાંચમના મેળામાં ઉમંગ-ઉત્સાહથી હિલ્લોળા લેતા વિરાટ માનવમહેરામણનું અભિવાદન કર્યું હતું. આપણી લોકસંસ્કૃતિના મેળા સામાજિક સમરસતા અને સમાજશકિતના દર્શન કરાવે છે અને પ્રત્યેક મેળાનો આગવો સંદેશ તથા ઓળખ સદીઓથી સમાજ પર્વ તરીકે માણે છે. વર્ષાઋતુમાં ખેતીકામના વિરામ સમયે ભરી ભાદરી લોકસંસ્કૃતિ મન મૂકીને મેળો માણે છે, એમાં પણ મેધરાજાએ મહેર કરી હોય ત્યારે તો, સમગ્ર જનજીવન અનેરી ચેતનાથી છલકે છે એમ તેમણે જણાવ્યું હતું.
તરણેતરના મેળા સહિત ગુજરાતભરમાં સાંસ્કૃતિક તીર્થધામો અને સાર્વત્રિક પર્યટન આકર્ષણોનું જે વૈવિધ્ય છે તેનો આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાના અનેકવિધ પ્રયાસોની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રકૃતિદત પર્યટન-પ્રવાસન સ્થળો વિકસાવીને પ્રવાસન ઉઘોગ દ્વારા ઓછામાં ઓછા મૂડીરોકાણથી વધુમાં વધુ રોજગારીના અવસરો ઉભા કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ બની છે.
આ સંદર્ભમાં તેમણે અંબાજી તીર્થક્ષેત્રમાં ભારતની બધી જ બાવન શકિતપીઠોની પ્રસ્તુતિ અને માંગલ્યવન ચોટીલામાં ભકિતવન, પાવાગઢમાં વિરાસત વન, સોમનાથમાં હરિહરવન, તારંગાતીર્થમાં તિર્થંકર વન, પાલીતાણામાં પાવક વન જેવી વિશિષ્ઠ સાંસ્કૃતિક મહિમા ધરાવતી વનરાજી પર્યટકો માટે ઉભી કરી છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે પ્રકૃતિપ્રેમ સાથે પ્રવાસનને જોડવાની પહેલ ગુજરાતે કરી છે.
તરણેતરના મેળામાં યૌવન હૈયાના મેળાનો મહિમા છે એની વિશેષતા સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના આ જોમ અને જૂસ્સાને, પોતાના સામર્થ્યના અને કૌવતને પ્રસ્તુત કરવા સાહસ અને પરાક્રમ સાથે કૌશલ્યના સંકલ્પો પાર પાડવાનું આહ્વાન કર્યું હતું.
તરણેતરના મેળા પ્રસંગે દર વર્ષે યોજાતા ગ્રામીણ ઓલિમ્પીકસને ગ્રામખેલકૂદ મહાકુંભ તરીકે ઓળખાવતાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય યુવક-યુવતિઓના ભારતીય રમતો પ્રત્યેના કૌશલ્યને બિરદાવી વિવિધ રમત સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો એનાયત કર્યા હતા. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારોની પ્રસંશા કરીને તેમનું પણ અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ "વાંચે ગુજરાત'ના અભિયાનને જનતાએ સફળ બનાવ્યું એમ "વાવે ગુજરાત'નું અભિયાન ઉપાડીને ગુજરાતને લીલુંછમ બનાવવા પણ પ્રેરક અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં મેધરાજાની કૃપા થઇ છે, અને જ્યાં અને જોઇએ એટલો વરસાદ વરસતાં ધરતી અને જનજીવન પૂલકિત બન્યા છે. કિસાનો અને ગ્રામસમાજ ઉપર ઇન્દ્રદેવતાની કૃપા વરસી છે ત્યારે, આ વખતે વરસાદ ખેંચાતા કેટલાક પરિબળો ગુજરાતની જનતા અને નરેન્દ્ર મોદીની સરકાર મુસિબતમાં આવશે એવી પરપિડન વૃતિમાં રાચતા હતા તેમની માનસિકતાની માર્મિક શબ્દોમાં મુખ્યમંત્રીશ્રીએ આલોચના કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે કુદરત અને ઇશ્વરની કૃપા છ કરોડ ગુજરાતીઓની શકિત ઉપર ઉતરતી રહી છે, અને ગુજરાતના વિકાસની આડે આવનારા તણખલા કશું કરી શકવાના નથી. વિનાશના ભૂતકાળના વર્ષો વીતિ ગયા છે અને હવે ગુજરાતના વિકાસનો વિજય વાવટો દેશ અને દુનિયામાં લહેરાતો રહેવાનો છે.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, પ્રવાસન રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, સ્વર્ણિમ ગુજરાત પ૦ મુદૃ અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ. કે. જાડેજા, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેનશ્રી કમલેશ પટેલ, ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ ઝા, અગ્રસચિવશ્રી જી. આર. અલોરીયા, સહિત અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ તથા મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યાં હતા.