મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતભરમાં યોજાયેલા વાંચે ગુજરાતના એક કલાકના સમૂહ વાંચનના વિશ્વના અભિનવ પુસ્તક વાંચન જનઅભિયાનમાં વાંચકો સાથે સહભાગી બન્યા હતા. ગાંધીનગરના મધ્યસ્થ ગ્રંથાલયમાં સવારે નવથી દશ વાગ્યા સુધી એક કલાકના સાર્વજનિક વાંચનમાં પુસ્તકપ્રેમી વાંચકો વચ્ચે બેસીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમનું મનગમતું પુસ્તક હિન્દસ્વરાજ-જે મહાત્મા ગાંધીજીએ તેમના સ્વહસ્તાક્ષરોમાં ૧૦૦ વર્ષ પૂર્વે આલેખ્યું હતું અને અંગ્રેજી અનુવાદ પણ તેમણે જ કરેલો છે-તેનું શાંતચિત્તે ફરીવાર વાંચન-અધ્યયન કર્યું હતું.
સવારે નવ વાગે ગ્રંથાલયના વાંચનકક્ષમાં પ્રવેશવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધ્યસ્થ ગ્રંથાલયમાં સમૂહ વાંચનના સંકેત સમો ધંટનાદ થતાં જ એક સામાન્ય વાંચકની બાજુમાં સ્થાન લઇ લીધું હતું અને પૂરા એક કલાક સુધી વાંચન-મનન કર્યું હતું. પુસ્તકમાંથી મહત્વના વાકયોની નોંધ પણ અંગત ડાયરીમાં તેમણે ઉતારી હતી.
એક સાથે વાંચશે ગુજરાતના આજના આ કાર્યક્રમને સ્વયંભૂ અદ્દભૂત અને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો હતો. શાંત વાતાવરણમાં પુસ્તક વાંચનનો લહાવો લેવામાં આબાલવૃધ્ધ સહુ ઉમંગ ઉત્સાહથી જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પુસ્તક વાંચનનું આ અભિયાન હિન્દુસ્તાનના ઇતિહાસમાં ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી અવસરની અનોખી ધટના ગણાવી હતી અને જણાવ્યું કે સદીઓથી આપણા દેશમાં અધ્યયનનો મહિમા સર્વસ્વીકૃત રહ્યો છે. જ્ઞાનની ઉપાસનામાં આ ધ્યાનાભ્યાસનું મહત્વ જોતાં અને આજનો કોમ્પ્યુટર ટેકનોલોજીનો યુગ માહિતી-જાણકારીનો ભંડાર બની રહ્યો છે ત્યારે, વ્યકિતત્વ-વિકાસ માટે જ્ઞાનના આ મહાસાગરમાં પુસ્તક વાંચન-જ્ઞાન ઉપાર્જનનું અધિષ્ઠાન બની રહેશે એવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી.
આજની નવી પેઢીમાં વાંચનનો સ્વભાવ સંસ્કાર ટેવરૂપે વ્યાપક ફલક ઉપર ઉજાગર કરવા માટે વાંચે ગુજરાતમાં સૌ કોઇ પ્રવૃત્ત થાય તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગે ગુડા અધ્યક્ષશ્રી અશોકભાઇ ભાવસાર, શિક્ષણના અગ્રસચિવશ્રી ડો. હસમુખ અઢિયા, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિના સચિવશ્રી ભાગ્યેશ જહા, ગ્રંથાલય નિયામકશ્રી શેખ, સાહિત્ય સર્જકો સહિત ગાંધીનગર શહેરના પ્રતિષ્ઠિત વાંચનપ્રેમી નાગરિક ભાઇ-બહેનો તથા શાળા-કોલેજોના વિઘાર્થીઓ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.