મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની સરકારને ગુજરાત સામે અન્યાય અને જુલ્મના પેંતરા રચવાને બદલે ગુજરાત સાથે વિકાસની સ્પર્ધામાં ઉતરવાનો પડકાર કર્યો હતો. ગુજરાતની જનતાને પરેશાન કરવાના દિવસો કયારના વિતી ગયા છે અને ગુજરાત કેન્દ્રના જુલ્મ સામે ઝુકવાનું નથી. દેશ આજે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રાહીમામ છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની યાત્રા અવિરત ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદનો સર્વ પ્રથમ ટુ-લેવલ ફલાય ઓવરબ્રીજ આજે સી.ટી.એમ. ખાતે મુખ્ય મંત્રીશ્રીએ નગરજનોને સમર્પિત કર્યો હતો. નારોલ-નરોડા હાઇવેની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આ બ્રીજ રૂા.45 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે.
મુખ્ય મંત્રીશ્રીએ નવનિર્મિત જુના વાડજ બસ ટર્મિનસનું પણ લોકાર્પણ કર્યું હતું.
સી.ટી.એમ.થી બી.આર. ટી.એસ. જનમાર્ગ બસમાં મુસાફરી કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદી દાણીલીમડા પહોંચ્યા હતા અને ડૉ.આંબેડકર કોમ્યુનિટી સેન્ટરનું પણ નગરજનોને લોકાર્પણ કર્યું હતું.
સમગ્ર ગુજરાત ગૌરવ લઇ શકે એવો ડબલ લેવલનો 15 મીટર ઉંચો સી.ટી.એમ. ફલાય ઓવરબ્રીજ પૂર્વ અમદાવાદમાં લોકોની પરિવહન સેવા માટે શરૂ થયો અને શહેરના સમ્યક વિકાસનો ઇતિહાસ આ સરકારે રચ્યો છે એમ મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ અને પヘમિ અમદાવાદના સંતુલિત વિકાસની દિશા અપનાવી હોવાની ભૂમિકા સાથે જણાવ્યું હતું.
પヘમિ અમદાવાદ માટે વાડજનું અદ્યતન બસસ્ટેશન અને દાણીલીમડાનું આંબેડકર કોમ્યુનિટી સેન્ટર પણ અમદાવાદના વિકાસની કરવટ કેવી બદલાઇ છે તેની પ્રતિતી કરાવે છે એમ તેમણે જણાવ્યું હતું.
બી.આર.ટી.એસ. જનમાર્ગને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચાર-ચાર એવોર્ડઝ મળ્યા છે અને સાર્વજનિક પરિવહન ક્ષેત્રે દેશ અને દુનિયાને નવુ મોડલ ગુજરાતે પૂરુ પાડયું છે. અમદાવાદ મજદૂર શ્રમયોગીઓનું શહેર છે અને શ્રીમંતની જેમ બી.આર.ટી.એસ.ની એરકંડીશન બસમાં પ્રવાસ કરી શકે તેવી એ.સી. બસની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી તેમણે આપી હતી. એજ રીતે એ.એમ.ટી.એસ. શહેરી બસ સેવા પણ નવી ટેકનોલોજી સુવિધા સાથે શરૂ કરીને માનવીની ઉત્તમ સુખાકારીની ચિંતા આ સરકારે કરી છે.
ગુજરાતમાં વિકાસ કેવી હરણફાળ ગતિથી થઇ રહ્યો છે તે દુનિયા જાણે છે અને દુનિયા એ પણ જાણે છે કે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કેન્દ્રની સરકાર દેશને કયાં લઇ રહી છે ? તેવુ વેધક શબ્દોમાં જણાવી મુખ્યમંત્રીશ્રીએ કાળા નાણાંના ધનનું દુષણ નાબૂદ કરવાને બદલે ચાર આનાની પાવલીનુ ચલણ જ દૂર કરી નાખ્યુ. આ દિલ્હીમાં બઠેલી કોંગ્રેસ સરકાર કાળા નાણાંની સમસ્યા, ભ્રષ્ટાચાર કે મોંઘવારીના ત્રાસમાંથી જનતાને કોઇ સંજોગોમાં છોડાવી શકવાની નથી. એક બાજુ કેન્દ્ર સરકારે ગરીબના ઘરમાં વપરાતા કેરોસીનના જથ્થામાં એકાએક 33 ટકા કાપ મૂકી દીધો અને હવે કેરોસીનના વેરામાં કાપ મૂકવાની રાજ્ય સરકારને સુફીયાણી સલાહ આપે છે પણ ગુજરાત સરકાર તો ગરીબો જે કેરોસીન વાપરે છે તેના ઉપર વેરો લેતી જ નથી !
મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં ગુજરાતની મેડીકલ કોલેજો અને બેઠકોમાં વધારો કર્યો તેની માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં 2001માં બે જ મેડીકલ કોલેજ હતી અને 500 બેઠકો હતી. આજે 16 મેડીકલ કોલેજોમાં 2380 બેઠકો ઉપલબ્ધ છે. ડેન્ટલ કોલેજો ચાર હતી આજે તે 12 થઇ છે. એટલું જ નહીં ઇજનેરી અને ટેકનીકલ બેઠકોમાં પાંચ ગણો વધારો કરીને 87000 બેઠકો ઉપલબ્ધ કરી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર ગુજરાતની ઉપર જે અન્યાય અને જુલ્મોના પેંતરા કરી રહી છે તેની સામે ઝઝુમીને પણ વિકાસયાત્રા નિરંતર ચાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
ગુજરાતના ગરીબોને રંજાડનારા લોકોએ સમજી લેવું પડશે કે હવે જનતાને પરેશાન કરવાના દિવસો ભૂતકાળ બની ગયા. ગુજરાતની પ્રજા સહન કરવાની નથી.
આ પ્રસંગે મહેસુલ મંત્રી અને જિલ્લા પ્રભારી શ્રીમતી આનંદીબેન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, સાંસદ શ્રી ડૉ.કિરીટ સોલંકી, ધારાસભ્યશ્રીઓ તથા મહાનગર સેવાસદનના પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત વિશાળ સંખ્યામાં નગરજનો આ વિકાસ ઉત્સવમાં ઉત્સાહભેર ઉમટયાં હતા.
અમદાવાદના મેયર શ્રી આસિત વોરાએ પ્રારંભમાં સ્વાગત પ્રવચન તથા એ.એમ.ટી.એસ.ના અધ્યક્ષ શ્રી અમિત શાહે આભારદર્શન કર્યું હતું.