નરેન્દ્રભાઇ મોદી
આયુર્વેદનું ભવિષ્ય વિશ્વભરમાં ખૂબ જ ઉજ્જવળ છે
આયુર્વેદની વિશ્વપ્રતિષ્ઠા માટે આયુર્વેદ માટેના પ્રતિબધ્ધ ચિકિત્સકોને આહ્વાન
આધુનિક તબીબી વિજ્ઞાનના ટેકનોલોજી પરિક્ષણો અને આયુર્વેદની ચિકિત્સા પધ્ધતિનું સંયોજન કરીએ
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડોનેશિયાની હિન્દુ યુનિવર્સિટી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ આરબ અમીરાતની યુનિવર્સિટી સાથે આયુર્વેદ વિકાસ સહયોગ માટે સમજૂતિના કરાર સંપન્ન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નવનિર્મિત અનુસ્નાતક અને અનુસંધાન ભવનનું ઉદ્દધાટન કરતા આયુર્વેદની ભારતીય સ્વાસ્થ્ય ચિકિત્સા પરંપરાની વિશ્વમાં પૂનઃપ્રતિષ્ઠા કરવા માટે આયુર્વેદને સો ટકા પ્રતિબધ્ધ ચિકિત્સકોની આવશ્યકતા ઉપર ભાર મૂકયો છે.
આખા વિશ્વમાં સ્વાસ્થ્ય પ્રત્યેની નિરામય જીવનની આરોગ્ય સંભાળ માટેની સાર્વત્રિક જાગૃતિનું વાતાવરણ છે ત્યારે ભારતીય વિરાસત એવા આયુર્વેદની વિશ્વપ્રતિષ્ઠા માટે આયુર્વેદ માટેની વિશ્વસનિયતા આપણે જ આત્મસાત કરવાની જરૂર છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
વિશ્વભરમાં આયુર્વેદની ગરિમા પ્રસ્થાપિત કરતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જામનગર પરિસરમાં અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનનું આ આધુનિક નવનિર્મિત ભવન રૂા. રર.૩૦ કરોડના ખર્ચે કાર્યરત થયું છે. આ શાનદાર અવસરે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડોનેશિયાની હિન્દુ યુનિવર્સિટી, મધ્યપૂર્વની એમિરાત આર બની ગલ્ફ મેડિકલ યુનિવર્સિટી, અજમાન તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ આયુર્વેદ શિક્ષણ અને સંશોધન વિકાસ માટે પરસ્પર સહયોગ માટેના સમજૂતિના કરાર સંપન્ન થયા હતા. આયુર્વેદ યુનિવર્સિટીની સંસાધન સંપન્ન વેબસાઇટનું લોન્ચીંગ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
ધન્વન્તરીની આ ધરતી ઉપર આયુર્વેદ વિશે દુનિયાભરમાં નવો વિશ્વાસ જાગ્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે વિશ્વમાં આરોગ્ય વિજ્ઞાન અને ચિકિત્સા વિશે તબીબી ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે અને ભારતીય ચિકિત્સા તથા આયુર્વેદની સાંસ્કૃતિક વિરાસત માટેનું આકર્ષણ વધતું રહ્યું છે.
આ સંદર્ભમાં એશિયાના દેશોમાં ભારતીય આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ સુપરિચિત છે ત્યારે વૈજ્ઞાનિક સ્વરૂપે આયુર્વેદની એશિયન સમાજમાં સ્વીકૃતિનો ધણો મોટો અવસર સર્જાયો છે હવે વિશ્વના સમૃધ્ધ દેશોમાં પણ આયુર્વેદની સર્વ સ્વીકૃતિ માટેના પ્રયાસો બળવત્તર બનાવવાનું તેમણે આહ્્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં હોલિસ્ટીક હેલ્થકેરના માર્કેટમાં પુનઃપ્રસ્થાપિત કરવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો. આમ થશે તો, દેશના કિસાનો પણ આયુર્વેદ વનૌષધિઓની ખેતી કરીને ચીન કરતા પણ સ્પર્ધામાં દેશી અને ભારતીય ઔષધોના વિશ્વ બજારો સર કરીને સમૃધ્ધિની દિશા અપનાવવા પ્રેરિત થશે તેનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આયુર્વેદને લોકભોગ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે રચેલી હાથી સમિતિના અહેવાલનો નિર્દેશ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌથી પહેલી આવશ્યકતા આયુર્વેદની દવા-ઔષધોના માર્કેટ સ્ટ્રેટજીમાં પેકેજિંગને આધુનિક બનાવવાની જરૂર છે.
આધુનિક તબીબી વિજ્ઞાનમાં ટેકનોલોજીથી નિદાન-તપાસની જે વિશ્વસનિયતા છે તેનું સંયોજન કરીને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી સારવાર કરવા માટેના સંશોધનો વિકસાવવા ઉપર તેમણે પ્રેરક સૂચનો કરતા જણાવ્યું કે આનાથી દર્દીઓમાં આયુર્વેદની સ્વીકૃતિ ઝડપથી વધશે.
આયુર્વેદના ચિકિત્સકો પોતાની પ્રેકટીસ છોડીને એલોપેથી ર્ડાકટરો તરફ વળે છે તેનાથી આયુર્વેદ પ્રત્યેની શ્રધ્ધા ધટે છે તે અંગે પૂનઃવિચાર ઉપર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂકયો હતો. આયુર્વેદનું ભવિષ્ય વિશ્વમાં ખૂબ જ ઉજ્જવળ છે તેને અવસર ગણી લેવાનું આહ્વાન તેમણે આપ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મેધાવીલાલ શર્માએ સૌનું સ્વાગત કરી કહ્યું કે, અહિં શ્રીલંકા, નેપાળ, અમેરિકા સહિત રર દેશના વિઘાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા છે તેમજ આયુર્વેદના પ્રચાર-પ્રસાર માટે આ યુનિવર્સિટીએ મહત્વની ભૂમિકા અદા કરી છે.
નવનિર્મિત ભવનના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી દ્વારા આયુર્વેદ સંદર્ભે તૈયાર કરાયેલ ૯ પુસ્તીકાનું વિમોચન કર્યું હતું તેમજ આયુર્વેદિક મેન્યુસ્ક્રીપ્ટ વેબસાઇટ અને ૪૦ જેટલા અનુસ્નાતક કક્ષાના સંશોધન નિબંધ સમાવિષ્ટ કરેલ સીડીનું પણ લોકાર્પણ કર્યું હતું.
યુનિવર્સિટીના આ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ, મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રુમખ ર્ડા. પી. બી. વસોયા, મેયર શ્રીમતી અમીબેન પરીખ, ધારાસભ્યો સર્વશ્રી મુળુભાઇ બેરા, શ્રી પબુભા માણેક, શ્રી લાલજીભાઇ સોલંકી, વરિષ્ઠ અધિકારીશ્રી રાજેશ કિશોર, જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર સહિત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો વિઘાર્થીઓ મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અનુસ્નાતક ભવનના ડાયરેકટર પ્રો. એમ. એસ. બધેલે આભારદર્શન કર્યું હતું.