'વિશ્વ જળ દિવસ'ની આજ, રરમી માર્ચની ઉજવણી નિમિતે ગાંધીનગર નજીક પંડિત દીનદયાલ યુનિવર્સિટીમાં સરદાર સરોવર નર્મદા નિગમના ઉપક્રમે "સર્વગ્રાહી વિકાસ માટે જળનિયમન" વિષયક સ્વર્ણિમ સેમિનારનું ઉદ્ધાટન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું
વરસાદી પાણીના ટીપે ટીપાંના સદ્દઉપયોગ માટે સાર્વત્રિક લોકજાગરણની અનિવાર્યતા ઉપર ભાર મૂકતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પાણીની બચત વિકાસને વધુ સક્ષમ બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલની પાઇપ લાઇન દ્વારા પીવાલાયક શુધ્ધ પાણી પહોંચાડીને ગ્રામ્યવિસ્તાર અને શહેરી ક્ષેત્રમાં પાણીજન્ય રોગો ઉપર કાબુ મેળવ્યો છે એટલું જ નહીં, પીવાના પાણી મેળવવા માટે અભ્યાસ છોડી દેતી દીકરીઓ અને દિવસભર ચિન્તા કરતી ગૃહિણીઓને પીડામાંથી મૂકત કરી દીધી છે. દશ વર્ષ પહેલા ૪૦૦૦ ગામડાને ટેન્કરથી પાણી પહોંચાડાતું હતું, આજે આખું ગુજરાત ટેન્કર મૂકત રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતે દશ વર્ષમાં જળસમસ્યાનું વિકાસની જળશકિતમાં પરિવર્તન કરીને દેશને સાચો માર્ગ બતાવ્યો છે. ભારતની અન્ન ઉત્પાદનની સમસ્યાનું નિવારણ કરવામાં અને પાણીના સંકટરૂપી અછત નિવારવામાં ગુજરાતનું જનભાગીદારીથી જળવ્યવસ્થાપન દિશાસૂચક બન્યું છે.
પાણીને કુદરતી પંચતત્વોના એક સંસાધન તરીકે ગણવાનો અનુરોધ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પુરાતન ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ પાણીના સામર્થ્ય અને મહત્વને જીવનશૈલીમાં વણી લીધું હતું, વરસાદી પાણીના સંગ્રહ અને વૃક્ષ સંવર્ધનથી પ્રાકૃતિક પર્યાવરણ માટે આપણા પૂર્વજોના વૈજ્ઞાનિક સમજ સાથેના ધરગથ્થુ ઉપાયો આજે પણ પ્રસ્તુત છે.
નર્મદા યોજનામાં અગાઉ પર્યાવરણના મૂદે સર્જાયેલા વિવાદ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ માર્મિક અવલોકન કરતાં જણાવ્યું કે, ગુજરાતે નદીના પાણીને રોકવા અને વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકાવવા સરદાર સરોવર યોજના બનાવી, ત્યારે વૃક્ષઉછેરના નામે તેનો વિરોધ થયો હતો. પાણી ઉપલબ્ધ હશે તો વૃક્ષ બચશે એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં ૧૧૦૦ જેટલી પુરાતન વાવોનો જિર્ણોધ્ધાર કરીને તેને 'જલમંદિર' રૂપે પૂનર્જિવિત કરવામાં અનોખો જનસહયોગ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે નર્મદાનું પાણી સાબરમતીની સૂકી નદી સહિત અનેક નદીઓમાં વહેતુ કરીને ભૂગર્ભ જળસપાટી ઉંચે લાવી દીધી છે, અને પાણી ખેંચવામાં વપરાતી વીજળી બચાવી લીધી છે એમ તેમણે અમદાવાદ મહાપાલિકા દ્વારા વર્ષે રૂા. ૧પ કરોડની વીજળીની, સાબરમતીમાં નર્મદાના પાણી વહેતાં થવાથી બચત થઇ છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પાણીના રિસાઇકલીંગ અને વોટર ટ્રીટમેન્ટ ઉપર ભાર મૂકતાં જણાવ્યું કે તેમણે વડાપ્રધાનશ્રી સમક્ષ ભારતના પ૦૦ શહેરોમાં એન્વાયર્નમેન્ટ કલીન સિટી, પ્રોજેકટ JNNURM અન્વયે હાથ ધરીને, તેમાં 'સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ' અને 'વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ'ના બે પાસાંઓ કેન્દ્રીત કરીને રેવન્યુ મોડેલની દરખાસ્ત મૂકી હતી, જેને આવકાર પણ મળ્યો હતો પરંતુ, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં અર્ધકચરા પ્રયોગરૂપે તેનો ઉલ્લેખ થયો છે જ્યારે ગુજરાત, સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં રાજ્યના પ૦ શહેરોમાં આ પ્રોજેકટ સર્વાંગી ધોરણે હાથ ધરવા પ્રતિબધ્ધ છે.
ગુજરાત સરકારના જાહેર સાહસ સરદાર નિગમ પ્રયોજિત અને સર્વશ્રી આર પાર્થસારથી તેમજ પ્રો. રવિન્દ્ર ધોળકીયા સંપાદિત સરદાર સરોવર પ્રોજેકટના ત્રણ અભ્યાસ ગ્રંથોનું વિમોચન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું.
ગુજરાત સરકારના જળસંપતિ સલાહકાર શ્રી બી. એન. નવલાવાલાએ નર્મદા પ્રોજેકટ અને કલ્પસર પ્રોજેકટના અમલ માટેની પ્રતિબધ્ધતાનું શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતને જળશકિતના ક્ષેત્રે સ્વનિર્ભર રાજ્ય, ર૦૧૩ સુધીમાં બનાવવાની નેમ સાથે ગુજરાત સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે.
નિગમના અધ્યક્ષ શ્રી ડી. રાજગોપાલને આવકાર પ્રવચનમાં આ જળશકિત સેમિનારના ઉદ્શો પ્રસ્તુત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, નિગમના મેનેજિંગ ડિરેકટર શ્રી જગદીશન અને જળસંપત્તિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતોએ હાજરી આપી હતી.