મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકા સરકારનો અભિગમ સાકાર કરવા તાલુકા કક્ષાના સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમને સફળ બનાવવાની તાકીદ કરી છે. જેમ તાલુકા ગરીબ કલ્યાણ મેળાની સુઆયોજિત કાર્યશૈલીથી તાલુકા સુધી ગામેગામ સરકાર પહોંચી છે એમ સામાન્ય નાગરિકને ઝડપથી ન્યાય મળે તે રીતે તેના પ્રશ્નો અને રજૂઆતોનું નિરાકરણ લાવવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનો અમલ થવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
દરમહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કક્ષ સચિવાલયમાં યોજાતા સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકોની રજૂઆતોને સંવેદનાપૂર્વક સાંભળીને સચિવો તથા જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હકારાત્મક વલણથી રજૂઆત કર્તા નાગરિકોએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યકત કર્યો હતો.
સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનારા સામાન્ય નાગરિકોના એકંદરે ૧પ૩ર પ્રશ્નોનું નિરાકરણ થયું હતું જેમાં મુખ્યત્વે વ્યકિતગત રજૂઆતોમાં ઉકેલ લાવીને ન્યાય આપવામાં આવ્યો હતો.
આજના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે સામાન્ય નાગરિકો, ખેડૂતો તથા ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ એવી લાગણી પ્રદર્શિત કરી હતી કે સ્થાનિક વિકાસ અને સુખાકારીના કામો ખૂબ જ ઝડપથી થતા રહ્યાં છે અને જનતાનો વિશ્વાસ ઉજાગર થતાં સામે ચાલીને વિકાસ માટે જમીન સંપાદનમાં જનસહયોગ મળી રહ્યો છે. તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ માટે પણ જનતાના પ્રતિસાદનું ફલક ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા.