મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ઓરીની રસી પીવડાવવાથી થયેલા ભૂલકાંઓના અકાળ મૃત્યુની ઘટનાને અત્યંત દર્દભરી ગણાવી ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.
નિર્દોષ નાના ભૂલકાંઓએ અકાળે પ્રાણ ગૂમાવ્યા તે ઘટના અત્યંત પીડાદાયક છે અને રાજ્ય સરકારે તેને અતિગંભીર ગણીને ઉચ્ચકક્ષાની સંપૂર્ણ તપાસ કરવાના તાત્કાલિક આદેશ આપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
આ ભૂલકાંઓના અકાળ મૃત્યુથી શોકસંતપ્ત પરિવારો પ્રત્યે રાજ્ય સરકારની દિલસોજી અને સાંત્વના પ્રગટ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે જે નિર્દોષ ભૂલકાંઓના પ્રાણ ગયા છે તે પ્રત્યેકના પરિવારોને રાજ્ય સરકારે સાંત્વના સાથે રૂા. એક લાખની સહાય આપવાની જાહેરાત કરી છે અને રસી પીવડાવવાની ઘટનામાં જે કોઇ જવાબદાર ઠરશે એવા તમામને સખતમાં સખત નશ્યત થાય તે માટેની પૂરેપૂરી કાળજી આ સરકાર લેશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઓરીની રસીની આ દવાઓનો તમામ પુરવઠો રાજ્યભરમાં તાત્કાલિક અસરથી પાછો ખેંચીને સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના ફૂડઝ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા ઓરીની રસીના સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ બાળકોને રસી પીવડાવવાની ઝૂંબેશ સમગ્ર દેશમાં ચાલે છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે નિરોગી બાળક માટે રસીના ડોઝ આપવાની પ્રક્રિયા અત્યંત ઉપકારક છે. આમ છતાં, આવી રસી પીવડાવવાથી કોઇપણ પરિવારનું બાળક અકાળે પ્રાણ ગૂમાવે તે દર્દનાક ઘટનાને રાજ્ય સરકારે પૂરી ગંભીરતાથી લીધી છે અને તેની તપાસમાં કોઇ કચાશ રાખાશે નહીં.