રાજ્યપાલ શ્રીમતી ડો. કમલા અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ૩૩ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિકો એનાયત કરીને સન્માનિત કર્યા હતા. શિક્ષકને નવી પેઢીના ધડવૈયા તરીકે બિરદાવતાં તેમણે સમાજમાં ગુણવાન નાગરિકોની પેઢી તૈયાર કરવામાં શિક્ષકની ઉત્તમ ભૂમિકાને પ્રેરણાદાયી ગણાવી હતી.
આજીવન સમર્પિત શિક્ષક એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ "શિક્ષક દિવસ'ની ઉજવણી નિમિત્તે આજે ગાંધીનગરમાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સમારોહ શાનદાર બની રહ્યો હતો. આ સમગ્ર સમારોહ અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીનો શાળાના વિઘાર્થીઓ સાથેનો શૈક્ષણિક વાર્તાલાપ યોજાયો હતો. દોઢ કલાક સુધી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ગુજરાતની વિવિધ શાળાઓમાંથી આવેલા-વિઘાર્થીઓએ જીજ્ઞાસાવૃત્તિથી પૂછેલા રસપ્રદ પ્રશ્નોના સચોટ અને પ્રેરણાત્મક ઉતરો આપ્યા હતા.
આ બંને સમારોહને ઉપગ્રહ ટેકનોલોજી માધ્યમથી સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપસ્થિત દોઢ કરોડ વિઘાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની આવતીકાલના ભાગ્યવિધાતા એવા શિક્ષકોને શિક્ષણમાં નિરંતર ગુણવત્તાનું સંવર્ધન કરવાની અભિલાષા સાથે ઉત્તમ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.
તેમણે ડો. રાધાકૃષ્ણનના સદાકાળ શિક્ષકના જીવનમાંથી પ્રેરણા લેવા અને ગુણોત્સવ જેવા ગુજરાતે અપનાવેલા નવતર આયામો સહિત નવોન્મેશી પ્રયોગોથી વિઘાર્થીના જીવનમાં પોતાનું શિક્ષક તરીકેનું સ્થાન અંકિત કરવા પ્રેરક અનુરોધ કર્યો હતો.
શિક્ષક દિવસને મહિમા મંડિત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન રહ્યા હોવા છતાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતે આજીવન શિક્ષક તરીકે ઓળખની નિરંતર અભિલાષા વ્યકત કરી હતી. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના વિદ્વાન હોવા છતાં તેમણે શિક્ષકનું દાયિત્વ સાચા અર્થમાં સમજાવ્યું હતું. ભારતમાં આતતાયીઓના આક્રમણ સામે દેશની શકિતને ઉજાગર કરનારા ચાણકયએ પણ પોતાને શિક્ષક તરીકે જ ગર્વરૂપ ગણાવ્યા હતા. ચાણકયથી રાધાકૃષ્ણન સુધીની આ શિક્ષક પરંપરાનું ગુણાનુરાગી ગુજરાત બન્યું છે. શિક્ષકોના સન્માનનું સમગ્ર ગુજરાતમાં ઉપગ્રહ દ્વારા પ્રસારણ કરવાનો આ પ્રયોગ સમાજમાં શિક્ષકના આદર માનની પ્રેરણા આપશે અને શિક્ષકની ગૂણપૂજા એ સમાજનો સહજ સ્વભાવ બને એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાત સરકારે છેલ્લા એક દશકમાં શિક્ષણની નિરંતર પ્રગતિના નવા આયામો હાથ ધર્યા છે અને શાળાઓમાં માળખાકીય સુવિધાની ઉપલબ્ધિ, શિક્ષકોની નિમણુંકો ઉપરાંત પૂર્વ પ્રાથમિકથી સ્નાતકોત્તર બધા જ વિઘાર્થીઓને વીમા છત્રનું રક્ષણ જેવા નવા પ્રયોગો ગુજરાતે કર્યા છે, એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકોને શાળાઓમાં મધ્યાન્હ ભોજન યોજનાને સાચા હાર્દથી સફળ બનાવવાના પ્રેરણાદાતા બનવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષકોએ શિક્ષણમાં ગુણોત્સવને સકારાત્મક સ્વરૂપે આવકારીને અને શિક્ષક ધર્મની નિષ્ઠા બતાવીને જેમ વિઘાર્થીઓના માનસિક ધડતર અને વિકાસ માટે યોગદાન આપ્યું છે એમ બાળકોની આવતીકાલના તંદુરસ્ત વિકાસ માટે મધ્યાન્હ ભોજન યોજનાને સાર્થક બનાવે અને ગુજરાતમાં કુપોષણ સામેની લડાઇમાં યોગદાન આપે એવી અપીલ તેમણે કરી હતી.
શિક્ષકોએ ગુણોત્સવને સકારાત્મક અને સાચા હાર્દરૂપ સ્વીકાર્યો છે તે માટે અભિનંદન આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમાં રહેલી ઉણપો અને નબળાઇઓ વિશેનું ચિન્તન જાતે કરીને તેના ઉપાયો કરવાનું કાર્ય શિક્ષકોએ કર્યું છે. શિક્ષકો જાતે જ જિલ્લા અને તાલુકા કક્ષાએ ગુણોત્સવનો વધારાનો કાર્યક્રમ યોજે એવું સૂચન પણ તેમણે કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દરેક શાળા ખેલકુદ મહાકુંભમાં ભાગ લે અને બાળકોમાં પરિશ્રમ તથા સાહસના ગૂણો વિકસાવે તે માટે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિની નવતર સિધ્ધિઓની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી સર્વશ્રી જયસિંહજી ચૌહાણ અને પ્રા. વસુબેન ત્રિવેદી, શિક્ષણ અગ્ર સચિવશ્રી હસમુખ અઢિયા, શિક્ષણ (પ્રાથમિક) સચિવશ્રી આર. પી. ગુપ્તા, કમિશ્નર, ઉચ્ચ શિક્ષણના શ્રીમતી જ્યંતી રવિ સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા શિક્ષણ ક્ષેત્ર સાથે સંલગ્ન આમંત્રિતો પણ ઉપસ્થિત હતા.