મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોની સેવામાં જાત ધસીને અવિરત પરિશ્રમ કરવાની તેમની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે અને જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મેળાને મળી રહેલા ગરીબોના વિશાળ પ્રતિસાદથી જેમના ગોરખધંધાના ગરાસ બંધ થઇ ગયા એવા બધા લોકો ભેગા મળીને ગરીબોનો આ સેવાયજ્ઞ રોકવા સામે પડયા છે પરંતુ લાખો-લાખો ગરીબોનું રક્ષાકવચ તેમને મળ્યું છે અને ગરીબી સામેની લડાઇને કોઇ અટકાવી નહીં શકે.
મુખ્યમંત્રીશ્રી આજે ખેડા જિલ્લાના કઠલાલમાં યોજાયેલા તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, અને ૬૩૦ર ગરીબ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભોરૂપે રૂા. ૧૧.રપ કરોડના સાધનો-સહાયનું તેમણે અને અન્ય મંત્રીશ્રીઓ વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગાંધીનગરની ગાદી ઉપર ગુજરાતની જનતા જેમને પગપેસારો કરવા દેતી નથી એવા લોકોને હવે ભય પેસી ગયો છે કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર હવે ગરીબોની સેવા કરવા ધર-ધરમાં પહોંચી ગઇ છે, અને ગરીબોના દીલ જીતી લીધા છે ત્યારે કોઇ રાજકીય ખેલ ખેલીશું નહીં તો તેમનો કયારેય પત્તો પડશે નહીં!
જેમણે ગરીબોની પીડા અને વેદનાની સત્તાસુખમાં કયારેય પરવા નહોતી કરી એવા લોકો હવે, જ્યારે ગરીબોના હાથમાં તેના હક્કનો આખો રૂપિયો સીધેસીધો આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આ સરકાર આપી રહી છે તે સાંખી શકતા જ નથી. ખૂદ કોંગ્રેસના દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કબૂલ કરેલું કે ગરીબો માટેનો એક રૂપિયો ધસાતો જઇને માત્ર ૧પ પૈસા જ ગરીબ પાસે પહોંચે છે ત્યારે આ બાકીના ૮પ પૈસા જાય છે કયાં એ અમારી સરકારે ગુજરાતમાં શોધી કાઢયું અને આખેઆખો રૂપિયો ગરીબને મળે તે માટે સમસ્યાના મૂળમાં જઇને મનોમંથન કરી ગરીબ કલ્યાણ મેળાનું અભિયાન ઉપાડયું એમ તેમણે જણાવ્યું હતું.
“ગાંધીનગરની તિજોરીના નાણાં કોઇ નરેન્દ્ર મોદી કે ભાજપાની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઇના નથી પણ ગુજરાતની જનતાની કાળી મજૂરી અને પરિશ્રમના છે. કોઇ એમ દાવો કરે કે આ નાણાં તો અમારાં છે તો એ જૂઠ્ઠાણું છે. આ નાણાં તો જનતાની માલિકીના છે. પણ એક ટપાલી તરીકે તેની વહેંચણી ગરીબોના ધેર-ધેર જઇને કરી તેઓને હક્કની મદદ કરી રહ્યા છે. એના ઉપર કોઇનો પંજો પડે નહીં એની ચોકી પણ તેઓ કરી રહ્યા છે” એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોને તેમના હક્કની આ સહાય ઉગી નીકળે એ માટે સાચા માર્ગે મહેનત કરવા અને આ સરકાર જ્યારે ટેકો આપી રહી છે ત્યારે ગરીબીરૂપી કાદવમાં જીવનભર ખૂંપી રહેવાને બદલે હિમ્મતપૂર્વક બહાર આવવા અને ગરીબીનો વારસો ફગાવી દેવા પ્રેરક આહ્વાન પણ કર્યું હતું.
ગરીબી સામેની ગુજરાત સરકારની આ લડત આઝાદી પછીના હિન્દુસ્તાનમાં અભૂતપૂર્વ અને અનોખી છે એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબોના કલ્યાણ અને સેવાનો મંત્ર લઇને કોઇ આખી સરકાર ચપરાશીથી લઇને ચીફ સેક્રેટરી સુધીનું કર્મયોગી તંત્ર આટલું વિરાટ અભિયાન કરતું હોય તો તે માત્રને માત્ર ગુજરાતની સરકાર છે.
અગાઉ પ૦ દિવસમાં પ૦ ગરીબ કલ્યાણ મેળાના અભિયાનમાં તેમણે રાજ્યના પ૦ લાખ જેટલા ગરીબો સાથે સીધો સંવાદ કરીને ગરીબી સામે લડવાની પ્રેરણા આપી અને ર૧ લાખથી વધારે ગરીબ લાભાર્થીઓના હાથમાં રૂા. ર૭૦૦ કરોડની આર્થિક તાકાત આપી હતી. દેશમાં ગરીબો અને ગરીબીની વાતો થતી જ રહી છે. પણ ગરીબોને તેના હક્કના લાભો આપવાનું આટલું સુવિચારિત અભિયાન કોઇએ ઉપાડયું નથી અને હવે તાલુકે-તાલુકે મળીને ૩૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને શોધી-આમંત્રીને તેમને બધી જ મદદ એકીસાથે પૂરેપૂરી આપવામાં આવી છે ત્યારે પેઢીઓથી ગરીબીના દોજખમાં જીવતા ગરીબોમાં પહેલીવાર સરકાર પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. ગરીબી સામે લડીને ગરીબીને પરાસ્ત કરવી જ છે, એવા નિર્ધાર સાથે ગરીબ પરિવારો પૂરી તાકાતથી ગરીબીને ધરમાંથી હાંકી કાઢે એવી અપીલ તેમણે કરી હતી.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગરીબોના માથેથી ગરીબીની કાળી ટીલી મિટાવવા સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને ગરીબાઇની સમસ્યામાંથી બહાર લાવવા નવી ચેતના જગાવી છે તેવી લાગણી વ્યકત કરી હતી. શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં મહિલાઓના સશકિતકરણ માટે ૧.૪ર લાખ સખીમંડળોની રચના કરી તેમના હાથમાં રૂા. પ૦૦ કરોડનો વહીવટ મૂકવામાં આવ્યો છે, જેને કારણે મહિલાઓ આર્થિક રીતે પગભર થઇ રહી છે. ગરીબ કલ્યાણ મેળામાંથી મળનાર લાભોનો સદઉપયોગ કરી ગરીબીમાંથી બહાર આવવા તેમણે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.
પ્રાથમિક શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગરીબોને તેમના હક્કના નાણાં મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કર્યું છે. ગત વર્ષે રાજ્યમાં યોજાયેલ પ૦ ગરીબ કલ્યાણ મેળામાં ર૧ લાખ ઉપરાંત લાભાર્થીઓને રૂા. ર૭૦૦/-કરોડની સહાય ચૂકવવામાં આવી છે. હવે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ ૩૦૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓનું અભિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી આદર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂતકાળના શાસકોએ બક્ષીપંચ સમાજના લોકોનો માત્રને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો હતો. આ સરકારે સમાજના તમામ વર્ગોનો સર્વાંગીણ વિકાસ થાય તે દિશામાં સર્વગ્રાહી પગલાં લીધાં છે તેમ પણ શ્રી જયસિંહ ચૌહાણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાવજીભાઇ ડાભીએ આવકાર પ્રવચન કર્યું હતું. અંતમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીએ આભારવિધિ કરી હતી.
ગરીબ કલ્યાણ મેળામાં જવાહર નવોદય વિઘાલયના વિઘાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અભિયાનમાં સૂર પૂરાવતાં વિવિધ સંસ્થાઓ તથા વ્યકિતઓ દ્વારા કુલ 1 લાખ ૯૧ હજારના ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડકશ્રી પ્રદિપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાકેશ રાવ, ધારાસભ્યો સર્વશ્રી પંકજ દેસાઇ, દેવુંસિંહ ચૌહાણ, પ્રભારી સચિવશ્રી રાજકુમાર, પૂર્વ ધારાસભ્યશ્રી રાજેશ પાઠક, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી બિમલ શાહ, અગ્રણીશ્રી સુરેશભાઇ ભટ્ટ, જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, કલેકટરશ્રી એસ. મુરલી ક્રિષ્ણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મનીષા ચંદ્રા, ઉચ્ચ અધિકારીઓ, તાલુકાના સરપંચો, નગરસેવકો સહિત લાભાર્થીઓ અને તાલુકાના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.