મુખ્યમંત્રીશ્રીને મળતી પ્રજાકીય ભેટસોગાદોની સરકાર દ્વારા જાહેર હરાજી કરાવીને ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવાનો અનન્ય ઉપક્રમ
કિમતી ભેટસોગાદોની હરાજી માટે જનતાનો ઉમળકાભર્યો પ્રતિસાદ
અગાઉની કુલ નવ જાહેર હરાજીઓમાં ૬૬૩૪ ભેટ સોગાદો માટે મળેલું રૂ. ૧૦ કરોડનું ભંડોળ
દશ વર્ષમાં ૧૩ વખત મળીને કરોડો રૂપિયાની ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી
અત્યાર સુધીમાં કન્યા કેળવણી નિધિમાં કુલ રૂ.૪૮,૮૭,૯૯,૪૬૨ નું માતબર ભંડોળ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને આ વર્ષમાં જનતા તરફથી મળેલી વિવિધલક્ષી ભેટસોગાદોની અવનવીન એવી વધુ ૫૨૧ ચીજવસ્તુઓ આજે સરકારી તોષાખાનામાં જમા કરાવી હતી. આજે જમા થયેલી કુલ ૫૨૧ ભેટસોગાદોનું અંદાજીત એકંદર મૂલ્ય રૂ. ૧૪ લાખ થવા જાય છે.
સમગ્ર દેશમાં એકમાત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્યક્તિગત સંકલ્પ કર્યો છે. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા રહ્યા છે અને જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તે વાપરવામાં આવે છે.
નવેમ્બર – ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ૧૩ વખત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી માટેના આ પ્રેરક સંકલ્પ તરીકે ભેટસોગાદો જમા કરાવી અને તેની હરાજીમાંથી રૂ.૧૦ કરોડ જેટલું માતબર ભંડોળ મેળવ્યું છે. આજે તોષાખાનામાં જમા થયેલી કુલ ૫૨૧ કિંમતી ચીજવસ્તુઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ ૧૦ વર્ષમાં જમા કરાવેલી કુલ ભેટસોગાદો ૭૯૯૪ જેટલી થવા જાય છે. રાજયની જનતાએ ભારે ઉમળકાભર્યો પ્રતિસાદ આપીને તેની હરાજીમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, વલસાડ અને વાપી સહિત ૯ જેટલા શહેરોમાં આવી જાહેર હરાજી થઇ છે.
આજે જમા કરાવવામાં આવેલી ભેટસોગાદોની જાહેર હરાજીની તારીખ અને સ્થળની જાહેરાત હવે પછી કરાશે.
આજે સરકારી તોષાખાનામાં જમા થયેલી વિવિધ ભેટસોગાદોમાં ચાંદીના કડાં સહીત ચાંદી – સોનાની મૂર્તિઓ, કલાકૃતિઓ, કલામય રથ, ધાતુની અનન્ય કલાકૃતિઓ, ઘડિયાળો, સ્મૃતિભેટો અને ચંદ્રકો, કાષ્ટ કલાકૃતિઓ, શાલ–પાઘડીઓ, કલા છત્રીઓ, સિક્કા,અવનવી ફોટોફ્રેમ, તલવારો અને તીરકામઠા, આદિવાસી અને અન્ય કોમના પરંપરાગત વસ્ત્રો સહીતની અનેક આકર્ષક ભેટ સોગાદોનો સમાવેશ થાય છે. આમાં સોના ચાંદીની જ ૪૮ જેટલી ભેટસોગાદો છે જેનું મૂલ્ય રૂ.૧૦ લાખ થવા જાય છે.
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિની રચના થયેલી છે. મુખ્યમંત્રીશ્રીના આ કન્યા કેવળણી નિધિમાં અત્યાર સુધીમાં રૂ. ૪૮.૮૭ કરોડથી અધિક ભંડોળ જનતા જનાર્દને અપ્રતિમ પ્રતિસાદ આપીને એકત્ર કરી આપ્યું છે અને તેમાંથી કન્યા કેળવણીના પ્રોત્સાહન રૂપે રૂ. ૧૫.૫૪ કરોડ કન્યા શિક્ષણ માટે વિવિધ પ્રોત્સાહન સહાયરૂપે ૪૨,૯૪૪ દિકરીઓને આપવામાં આવ્યા છે. રાજ્યમાં શાળા પ્રવેશ કરતી પ્રત્યેક નાનકડી કન્યાને રૂ. ૧૦૦૦નું વિધાલક્ષ્મી બોન્ડ અપાય છે અને પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરનારી કન્યા આગળ અભ્યાસ માટે તેની વ્યાજ સહિત મળતી કુલ રકમમાંથી પ્રોત્સાહન મેળવે છે. વિદ્યાલક્ષ્મી બોન્ડની કુલ લાભાર્થી કન્યાઓની સંખ્યા ૧૨.૩૯ લાખ ઉપર પહોંચી છે. આ ઉપરાંત પ્રત્યેક તાલુકામાં ધો-૧૦ અને ધો-૧૨ની જાહેર પરીક્ષામાં તાલુકા દીઠ પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી તેજસ્વી કન્યાઓ તથા તાલુકા દીઠ પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલી વિકલાંગ દીકરીઓને રૂ.પાંચ-પાંચ હજારના પુરસ્કાર આપવામાં આવે છે.
આ ઉપરાંત કન્યાઓને મેડીકલ-ઇજનેરી-પી.ટી.સી. અને બી.એઙ જેવા ઉચ્ચ શિક્ષણ અને સનદી સેવાઓની સ્પધાર્ત્મક પરીક્ષામો માટે પણ મુખ્ય મંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી માતબર સહાય આપવામાં આવે છે.