મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે માંડવી-કચ્છના સમૂદ્રકાંઠે ભારતમાતાની આઝાદી કાજે સશસ્ત્ર સંગ્રામના ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માના ભવ્ય સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું.
“આ ક્રાંતિતીર્થ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની વિરાસત બનશે. ભારત માતાને વિશ્વગુરૂ બનાવવા “વંદેમાતરમ અને સુજલામ સુફલામ”ના મંત્રને માટે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સપના સાકાર કરવા માટેનું આ પ્રેરણા તીર્થ છે” એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
માનવ સમાજના ઇતિહાસ બોધની પ્રેરણા લેવાનું આહ્વાન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માંડવીના દરિયાકાંઠેથી ઇન્ડિયા હાઉસ-ક્રાંતિતીર્થનો સંદેશો એ જ છે કે ભારતમાતા માટે જ જીવન જીવીએ-એવું પ્રેરણાત્મક વાણીમાં આહ્વાન કર્યું હતું.
કચ્છ-માંડવી શ્યામજી કૃષ્ણવર્માનું જન્મ સ્થળ છે અને ૧૮પ૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા આ ક્રાંતિગુરૂના દેહાંત પછી જિનિવાથી તેમના અસ્થિકળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો. સને ર૦૦૯ વર્ષમાં માંડવીમાં ક્રાંતિતીર્થના નિર્માણનો પ્રારંભ કરવા રાજ્ય સરકારે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટી રચી હતી અને જમીન ફાળવી હતી. માત્ર ૧૪ જ મહિનામાં ક્રાંતિતીર્થનું આ ભવ્ય શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક વિશ્વભરના આઝાદી કાજે જીવન સમર્પિત કરનારા સૌ કોઇ દેશભકતોને માતૃભૂમિની સેવા માટે સેવા સમર્પણની પ્રેરણા આપે તેવું બન્યું છે. એકંદરે રૂા. ૬ કરોડના ખર્ચે આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ધટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજી સલ્તનતની છાતી ઉપર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કરેલું તેની અદ્દભૂત પ્રતિકૃતિ આ ક્રાંતિતીર્થમાં સ્મારકરૂપે મૂકવામાં આવી છે.
માંડવીના દરિયાકિનારે ક્રાંતિતીર્થ ભારતમાતા માટે સમર્પિત જીવન જીવવાની વૈશ્વિક પ્રેરણાનું મહાતીર્થ બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
રાષ્ટ્રભકિતનો સાગર-ધૂધવતો વિશાળ માનવ મહેરામણ આજે માંડવીના દરિયાકાંઠે ઉમટયો હતો. મુંબઇ વસતા કચ્છી માડુ પરિવારોએ ર૦૦ જેટલી કાર રેલી અને ક્રાંતિતીર્થ યાત્રા થકી કચ્છના ગામે-ગામથી સરપંચોની આગેવાનીમાં જળ-માટીનો અભિષેક આજે ક્રાંતિ સરોવરમાં મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
સ્વ. શ્યામજી કૃષ્ણવર્મા અને ભાનુમતી શ્યામજીના અસ્થિકળશ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ક્રાંતિતીર્થમાં ભવ્ય ઈન્ડિયા હાઉસની મૂલાકાત લઇને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીરાંજલિ મ્યુઝિયમ અને તસ્વીર-પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું.
સભામંચ ઉપર સ્થાન લેતાં પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ક્રાંતિકારી શહિદોના પરિવારોના નવી પેઢીના સંતાનોનું અભિવાદન કર્યું હતું. આ પરિવારજનોમાં લોકમાન્ય તિલક, વીર સાવરકર અને મેડમ કામાના કુટુંબો ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદ ભારતના ઇતિહાસની વિરલ ધટનારૂપે આ ક્રાંતિતીર્થ સ્મૃતિસ્મારક બની રહેશે એવો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માનો આત્મા, ભારતના ક્રાંતિવીરોનો આત્મા જ્યાં પણ હશે તેમને ગૌરવ થશે કે ભારતના પヘમિી દરિયાકાંઠે એક પ્રદેશમાં ક્રાંતિતીર્થ એવું સ્થળ છે, જ્યાં દેશના આઝાદીના સંગ્રામના શહિદોનું આદર સન્માન થઇ રહ્યું છે.
માંડવીના ઇન્ડિયા હાઉસમાં પણ હવે દેશભકિતના ગીતો ગવાશે અને રાષ્ટ્રભકિતના સંસ્કાર ગૂંજતા રહેશે. એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લંડનના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સમું માંડવીનું ઇન્ડિયા હાઉસ ભારતની આઝાદીના સંગ્રામના ક્રાંતિકારીઓના સપના સાકાર કરનારૂં તીર્થ બની રહેશે.
૧૯૩૦માં અવસાન પામેલા શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિકળશ ૭૩ વર્ષ પછી ર૦૦૩માં જિનિવામાંથી સ્વદેશ લાવવાનું વિરલ સદ્દભાગ્ય મળ્યું તેનો સંતોષ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ ગુજરાતનું સ્વર્ણિમ જ્યંતીનું વર્ષ છે. શ્યામજી કૃષ્ણવર્માના પ્રથમ જીવનચરિત્રનો ગ્રંથ ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાગુજરાતના આંદોલનના પ્રણેતાએ લખ્યો છે એની યાદ પણ તેમણે આપી હતી. શ્યામજી કૃષ્ણવર્મા એવા ભારતમાતાના ભકત હતા જેમની સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા યુગપુરૂષો અને વીર સાવરકર જેવા ક્રાંતિવીરોએ પણ પ્રસંશા કરી હતી. માંડવીના ઇન્ડિયા હાઉસનું સ્મારક અને ક્રાંતિતીર્થ દેશને માટે જીવન જીવવાની સતત પ્રેરણા આપતું દિવ્ય તીર્થ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ ક્રાંતિવીરોના અધૂરા સપનાં ભારતમાતા વિશ્વગુરૂ બને, વંદેમાતરમ્ અને સુજલામ્ સુફલામ્ ધરતી મળે એવા રાષ્ટ્રભકિતના રંગ આ જ ઇન્ડિયા હાઉસ અને ક્રાંતિતીર્થમાંથી દુનિયાને સંદેશ છે. આ સપનાં પૂરા કરવા આપણે પ્રયત્નશીલ રહી ક્રાંતિકારીઓનું ઋણ તર્પણ કરીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
""આ ક્રાંતિતીર્થના નિર્માણથી દેશભકિતના રંગે રંગાયેલા સૌ કોઇ માટે નવી ઊર્જા મળશે એવી પ્રેરણા સદીઓ સુધી મળશે. આ હિન્દુસ્તાનની, ગુજરાતની, કચ્છની ધરતી ધન્ય બની છે-માનવતાવાદી શકિતઓનો આપણે ઋણસ્વીકાર કરીએ એમ તેમણે જણાવ્યું હતું.''
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં કચ્છના પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્યામજી વર્માની છેલ્લી ઇચ્છા અહીં પૂર્ણ થાય છે એવું નથી. તેમણે આપેલી શહાદત અને રાષ્ટ્રભાવનાનું નવી પેઢીમાં સિંચન કર્યું છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જિનીવાથી તેમના જન્મ સ્થાન માંડવીમાં લાવ્યા તે વાતની વિશ્વના ઇતિહાસમાં નોંધ લેવાઇ છે. ૭૩ વર્ષ બાદ શ્યામજીની ઇચ્છા પૂર્ણ થઇ તે પણ આપણા ગૌરવની વાત છે.
સ્વાતંત્ર્ય વીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની વતન પરસ્તીની દાસ્તાન રજૂ કરતાં પ્રાસંગીક પ્રવચનમાં વરિષ્ઠ પત્રકાર અને ઇતિહાસ સંશોધક શ્રી વિષ્ણુ પંડયાએ આ સમારોહને રાજ્ય સરકારનો નહિ પણ પ્રજાજનોનો પોતાનો સમારોહ ગણાવી ઇતિહાસ એ તો પ્રજાજીવનની અનંત ધારા છે અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇતિહાસ બોધને અનુસરીને આપણી સાંસ્કૃતિક વિરાસતને ન માત્ર ગુજરાત કિન્તુ દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનું ઇતિહાસકર્મ કર્યું છે, તે બદલ તેઓ સૌ પ્રજાજનોના અભિનંદનના હકદાર છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે આભારદર્શન સામાજિક, શૈક્ષણિક વર્ગોના કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્મારકની સેન્ટ્રલ વિસ્ટામાં વૃક્ષારોપણ કર્યું હતું અને રર હજાર વૃક્ષોના ક્રાંતિવનની તકતીની અનાવરણવિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે krantitirth.org વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવી નિધિમાં આ અવસરે જિલ્લાના પક્ષ સંગઠન અને વિવિધ સંસ્થાઓ દ્વારા સમગ્રતયા રૂ. ૭ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કચ્છના સાંસદ પૂનમબેન જાટ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રી વી. એન. માયરા, જી.એમ.ડી.સી.ના મેનેજીંગ ડિરેકટરશ્રી વી. એસ. ગઢવી સહિત વરિષ્ઠ અધિકારીઓ, કચ્છના અગ્રણી નાગરિકો તથા વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા હતા.