મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ચેન્નાઇમાં તામિલનાડુના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ ગ્રહણ કરનારા સુશ્રી જયલલિતાને શપથવિધિ સમારોહમાં રૂબરૂ મળીને હાર્દિક શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રી સુશ્રી જયલલિતાના આમંત્રણથી શપથ વિધિ સમારોહમાં હાજરી આપવા આજે સવારે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા અને શપથવિધિ સંપન્ન થયા પછી શાલ અને પુષ્પગુચ્છથી સુશ્રી જયલલિતાનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો માત્ર તામિલનાડુમાં સત્તા પરિવર્તન પૂરતાં મર્યાદિત નથી પરંતુ તેનો પ્રભાવ દેશની સાંપ્રત રાજનીતિ ઉપર પણ પડવાનો છે. દેશમાં આજે ગઠબંધનની બે રાજકીય ધરીઓનું ધ્રુવીકરણ થઇ ગયું છે જેમાં એક બાજુ વિકાસની રાજનીતિને વરેલા રાજકીય પક્ષોનું ગઠબંધન અને બીજી બાજુ વોટબેન્કની રાજનીતિને વરેલા પક્ષોનું ગઠબંધનની ધરી ઊભી થઇ છે. તામિલનાડુના પરિણામો વિકાસની રાજનીતિને વરેલી શકિતઓને વધુ બળવત્તર બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કર્ણાટકની રાજકીય સ્થિતિ સંદર્ભમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ રાજભવનોને સત્તાના દુરૂપયોગથી અભડાવ્યા છે અને બંધારણીય સત્તાઓને રાજકીય વિવાદમાં ઢસડી જઇને લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યોને નુકશાન પહોંચાડયું છે.
મુખ્યમંત્રીશ્રીએ સુશ્રી જયલલિતાને અને તેમના નવનિયુકત મંત્રીમંડળના સભ્યોને તામિલનાડુના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી