મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ભૂજમાં સ્વામિનારાયણ નરનારાયણ દેવના ભવ્ય નૂતન મંદિરનું લોકાર્પણ કરતાં આધ્યાત્મિકતાની ઊર્જાથી ધબકતા ભારતીય સમાજની બધી જ આંતરશકિતઓ અને સંતશકિતની પ્રેરણાથી સદ્શકિતનું વિરાટ અભિયાન ઉપાડવા આહ્વાન કર્યું હતું.
ર૧મી સદીમાં ભારતને વિશ્વગુરૂ બનાવવા માટેનું વિરાટ સાંસ્કૃતિક અધિષ્ઠાન સમગ્ર દેશમાં સંતશકિત દ્વારા ચાલી રહ્યું છે તેની ગૌરવભેર રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રવાદનું જનજાગરણ જ હિન્દુસ્તાનની મહાન સાંસ્કૃતિક વિરાસતને વિશ્વમાં પૂનઃપ્રતિષ્ઠિત કરશે.
સ્વામિનારાયણ નરનારાયણ દેવ કાળુપુર પીઠના ઉપક્રમે કચ્છમાં ભૂજ મંદિર તરીકે આ ભવ્ય નૂતન મંદિર સંપૂર્ણ આરસથી સોનાજડિત શિખરથી વિભૂષિત છે. મુખ્યમંત્રીશ્રીએ નૂતન મંદિરમાં જઇને ભકિતભાવથી પૂજા-દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
નરનારાયણદેવ ગાદીપતિ આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજ અને સંતગણનું ભાવપૂર્વક વંદન સન્માન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું.
દેશ-વિદેશથી ઉપસ્થિત રહેલા લાખો હરિભકતોની સત્સંગ સભાને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતની સાંસ્કૃતિક આધ્યાત્મિક વિરાસતને સાંપ્રદાયિકતાના નામે વિરાટ સમાજશકિતને છિન્ન-ભિન્ન કરવાનું કાર્ય આઝાદી પછીના શાસકોએ કર્યું છે.
ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી અવસરે આ ભવ્ય નૂતન મંદિરનો લોકાર્પણ-મહાભિષેકનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની સુવર્ણજ્યંતીનું અવસર વર્ષ “વિકાસના ભવ્ય વિરાટ જનઉત્સવ” તરીકે આપણે ઉજવવાનો સંકલ્પ કર્યો છે.
તેમણે જણાવ્યું કે ભારતમાં વિરાટ સમાજશકિતમાં આધ્યાત્મિક અંતરનિહિત ઊર્જા છે તેને વિકાસ માટેની શકિતમાં પ્રેરિત કરવામાં આવી હોત તો ભારત આજે વિકસીત દેશોની હરોળમાં ઉભૂં હોત. રાજશકિતએ આઝાદી પછી આ દેશની સમાજશકિત સાથે હાથ મિલાવ્યા હોત તો ભારત કયાંનું કયાં પહોંચી ગયું હોત. ભૂતકાળના શાસકોએ સમાજની ધાર્મિક સંસ્કૃતિની ઉપેક્ષા ના કરી હોત તો ભારતીય સમાજ વિકાસમાં ભાગીદાર બની ગયો હોત.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દેશની આઝાદીનું આંદોલન સફળ થયું તેની પીઠિકામાં ૧૯મી સદીમાં સંતો-મનીષીઓ અને સંતવર્યો અને સત્સંગી ભકતોએ હિન્દુસ્તાનના પ્રત્યેક જિલ્લામાં ભકિત આંદોલનથી સાંસ્કૃતિક ઉત્થાન અને સમાજની શકિત ઉજાગર કરવામાં ધણું મોટું કામ કર્યું હતું. ઇતિહાસે આની નોંધ લેવાની છે એમ તેમણે જણાવ્યું હતું.
ર૧મી સદીમાં પણ અનેક સ્વરૂપે સંત પરંપરાની સાંસ્કૃતિક ચેતનાનું વાતાવરણ જે રીતે સર્જાયું છે ચારે તરફ આધ્યાત્મિક મેળા અવિરતપણે ચાલી રહ્યા છે અને સાંસ્કૃતિક અધિષ્ઠાનને પૂનઃ જાગરણ કરવામાં આવી છે અને ફરી એકવાર આ સાંસ્કૃતિક સમાજ જાગરણથી જ સંતશકિત દ્વારા ભારત આધ્યાત્મિક ક્ષેત્રે રાષ્ટ્ર જાગૃતિનું જ્યોતિર્ધર બનશે એમ તેમણે જણાવ્યું હતું.
ભૂજ કચ્છની રણભૂમિને લીલુંછમ બનાવે તેવું હરિયાળું નગર બનાવવા માટે વિશાળ વનરાજીનું અભિયાન ઉપાડવા તેમણે સંતવર્યોને વિનમ્રભાવે અનુરોધ કર્યો હતો. ભૂજનગરીમાં લીલીછમ હરિયાળી છવાઇ જાય છે માટે સમાજની સદ્દશકિતને પ્રેરિત કરવા તેમણે વિનંતી કરી હતી.
આ સંદર્ભમાં, ભૂજના પ્રત્યેક સત્સંગી સવાર-સાંજ રસોડાનું પાણી એક વૃક્ષને સિંચે એવું પ્રેરક સૂચન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વૃક્ષઉછેર માટે પાણીની અછત કોઇ સમસ્યા છે જ નહીં. ભૂજનું નવનિર્માણ દુનિયામાં પ્રતિષ્ઠા પામ્યું છે હવે ભૂજ-લીલુંછમ બનીને હરિયાળું નવસર્જન કરે તેવી અપીલ તેમણે કરી હતી.
આરંભે શાસ્ત્રી સ્વામિ દેવચરણદાસજીએ ભૂજ મંદિર સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, ૧૮૬ વર્ષ પૂર્વે મંદિરની સ્થાપના થઇ હતી. આ ઉપલક્ષમાં સમાજે અનેકવિધ રચનાત્મક કામો કર્યા જેથી સમાજ અને સરકારની છબી ઉજ્જવળ બની છે. વૃક્ષારોપણ, વ્યસનમૂકિત, પછાતવર્ગોના બાળકોને સહાય આપી છે. સેવા મેડિકલ કેમ્પ દ્વારા હજારો દરિદ્રનારાયણની સેવા કરી છે.
આ પ્રસંગે જાદવજી ભગત, ખીમજીભાઇ અને મુળજીભાઇ વિગેરે ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણીનિધિમાં ચેક અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મહંત સ્વામિશ્રીઓનું સન્માન સ્વીકાર્યું હતું. સ્વામીશ્રી અને ટ્રસ્ટીશ્રીઓએ વાંચે ગુજરાત હેઠળ પુસ્તક અર્પણ કર્યું હતું અને મુખ્યમંત્રીશ્રીનું પાધ પહેરાવી બહુમાન કર્યું હતું.
મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આર્શીવચન આપતાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વધુને વધુ લોકચાહના પ્રાપ્ત કરી આસનરૂઢ રહે.
આ પ્રસંગે ગ્રામગૃહ નિર્માણ અને પુરવઠામંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી જ્યંતીભાઇ ભાનુશાળી, સાંસદશ્રી પુનમબેન જાટ, ધારાસભ્યો સર્વશ્રી ધનજીભાઇ સેધાણી, ડો. નીમાબેન આચાર્ય સહિત દેશવિદેશના હરિભકતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિ મહંતો, બિનનિવાસી ભારતીયો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.