ડાંગ જિલ્લોઃ ૬૪મું પ્રજાસત્તાક પર્વઃ રાજ્યકક્ષાની ઉજવણી
આહવામાં આદિવાસી નારીશક્તિનો સાક્ષાત્કાર બલમ્ સુખમ્ મહિલા સંમેલન
ગુજરાતની નારીશક્તિમાતૃશક્તિને વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવાની પહેલ
મિશન મંગલમ્ અને મિશન બલમ્ સુખમ્ મહિલા સશક્તિકરણના અભિયાનો છે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ડાંગ જિલ્લાના આહવામાં આજે બલમ્ સુખમ્ મહિલા સંમેલનને સંબોધતા ગુજરાતની નારીશક્તિ અને માતૃશક્તિને સમાજશક્તિ બનાવી વિકાસમાં સક્રિય ભાગીદાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના મિશન બલમ્ સુખમ્ અને મિશન મંગલમ્ના બે અભિયાનો દ્વારા રાજયમાં કુપોષણનું કલંક મિટાવવા અને સમાજની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિમાં સશક્ત બનાવવા દેશને દિશાદર્શક પગલા હાથ ધર્યાં છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આહવામાં આજે સમગ્ર ડાંગ જિલ્લામાંથી આદિવાસી મહિલાશક્તિનો સાક્ષાત્કાર કરાવતું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાનાં મિશન બલમ્ સુખમ્ પ્રોજેક્ટ અન્વયે કુપોષણ નિવારણનું અભિયાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે અને મિશન મંગલમ્ યોજના અન્વયે આદિવાસી સખીમંડળોની બહેનોને આર્થિક પ્રવૃત્તિઓ માટે જોડવાના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આજે મહિલા સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થી બહેનોને સરકારી યોજનાના લાભ સહાય સાધનો એનાયત કર્યાં હતા. આદિવાસી મહિલા સમાજમાં કુપોષણની સમસ્યામાંથી બહાર આવવા જે જાગૃતિ આવી રહી છે અને મહિલાઓને આર્થિક પ્રવૃત્તિમાં સક્રિય બનાવવા માટેના રાજ્ય સરકારના બે મહત્ત્વના મિશનો બલમ્ સુખમ્ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ સુપેરે સમજાવી હતી. આદિવાસી માતૃશક્તિ ધારે તો બાળકના જન્મથી લઇને તેના પાલન પોષણ માટે કુપોષણસામે જાગૃત થાય અને અંધશ્રદ્ધાથી દૂર રહીને તંદુરસ્ત બાળઉછેરની પ્રેરણા આપી શકે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આજે ભારતમાં કોઇ રાજ્ય બાકી નથી જ્યાં દીકરીને માતા ગર્ભમાં જ મોતને ઘાટ ઉતારી દેવાનું ભ્રૂણહત્યાનું પાપ કરવામાં ભણેલાગણેલા સમાજો, શિક્ષિત કુટુંબો પણ બાકાત નથી ત્યારે બેટી બચાવવા માટે, સમાજનું અસંતુલન ઘટાડવા માટેની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સમાજસંસારનું ચાલકબળ સ્ત્રીપુરૂષની સમાનતા છે. પરંતુ ભૌતિકવાદની વિકૃત માનસિકતાથી દીકરાના જન્મને જ મહત્ત્વ આપી દીકરીની ભ્રૂણહત્યા કરાય છે ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં દર ૧૦૦૦ દીકરાના જન્મ સામે ૧૦૦૭ દીકરીનો જન્મ થાય છે. આ ઐતિહાસિક દીકરી બચાવવાનું પુણ્યકાર્ય ડાંગ જિલ્લાએ આદિવાસી સમાજનો આ પ્રેરકસંદેશ આપ્યો છે
બેટી બચાવ અભિયાનના આ સ્વયં સંસ્કાર માટે આદિવાસી માતૃશક્તિનો ગુજરાત આખું વંદન કરે છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આદિવાસી માતાઓ પાસે મુખ્યમંત્રીશ્રીએ ભિક્ષુક બની કન્યા કેળવણી યાત્રામાં દીકરીને ભણાવવાનું વચન માંગેલું અને આજે સો ટકા કન્યાઓ ભણવા માટે શાળામાં દાખલ થાય છે, એ માટે પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી માતૃશક્તિનો ઙ્ગણસ્વીકાર કર્યો હતો. વર્તમાન સમાજમાં ૭૫ ટકા વસતિ મહિલા અને બાળકોની છે અને પ૦ ટકા જનસંખ્યા મહિલાશક્તિ છે તેને વિકાસમાં જોડવા માટે સ્વતંત્ર મહિલાબાળ વિકાસ વિભાગ શરૂ કરેલો છે જે મહિલાઓને નિર્ણયમાં અને વિકાસમાં ભાગીદાર બનાવવા માટે સશક્તિકરણ કરેલું છે, એની અનેક પગલાં સાથે મુખ્યમંત્રીશ્રીએ વિગતો આપી હતી.
ગુજરાત સરકારે મહિલાઓના નામે મિલકત લે તેને સ્ટેમ્પ ડ્યુટી રાહત નોંધણી ફીમાંથી મુક્તિ આપી છે. લાખો બહેનો મિલકતની માલિક બની ગઇ છે. સરકારની આવાસ યોજનાની માલિકી પ્રાથમિકતાથી લાભાર્થી પરિવારની મહિલાની રહે તેવી નીતિ અપનાવી છે. શાળામાં બાળકના નામાંકનમાં તેની માતાનું નામ ફરજિયાત બનાવ્યું છે અનેક નવા નિયમો, પગલાથી ગુજરાતની માતૃશક્તિ નારીશક્તિને સમાજશક્તિમાં પરિવર્તિત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
માતાશિશુ મૃત્યુદર ઘટાડવા માટે આરોગ્યની યોજનાઓ અને કૌશલ્યવર્ધનની તાલીમ દ્વારા કન્યાઓયુવતિઓના હુન્નરકૌશલ્યનું ફલક મોટા પાયે વિકસાવ્યા છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, બે લાખ સખીમંડળોનની ૨૫ લાખ માતૃશક્તિના હાથમાં આર્થિક ક્રાંતિરૂપે રૂા.૧૬૦૦ કરોડનો કારોબાર સોંપ્યો છે જે ૫૦૦૦ કરોડ સુધી પહોંચશે. મુખ્યમંત્રીશ્રીએ કુપોષણ સામેનો જંગ જીતવા માતૃશક્તિને બાળકના ગર્ભથી ૧૦૦૦ દિવસ સુધી બાળજન્મ અને બાળઉછેર માટેની કાળજી લેવાનો સંકલ્પ કરે, તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં કુપોષણ સામેના જંગના આરંભાયેલા કાર્યક્રમોને પરિણામે આજે બાળકોની તંદુરસ્તીમાં સુધારો જોવા મળી રાો છે. ડાંગ જિલ્લામાં પૂરકપોષણ માટેના ૯૬ શક્તિકેન્દ્રો ભૂલકાંઓને તંદુરસ્ત અને સશક્ત બનાવશે. મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરપર્સન શ્રીમતી સીતાબેન નાયકે જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષથી મુખ્યમંત્રીશ્રી દ્વારા બાળકો અને મહિલાઓ માટે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં આવા કાર્યક્રમો કરવામાં આવે છે જે દેશમાં દિશાસૂચક બાબત બની છે. શ્રીમતી નાયકે મહિલાઓને અવગણતી ચાર ચોટલાવાળી કહેવતને બદલીને વર્તમાન સમયમાં નારીશક્તિ વિકાસનું અનિવાર્ય અંગ બનતા રોટલા ઊભા કરનાર અને કાર્યકુશળ તરીકે સરાહના કરી હતી. ડાંગની મહિલાશક્તિને નાગલીની ખાદ્ય બનાવટો સહિત ડાંગી ચોખા પ્રોસેસિંગની તાલીમ આપી આર્થિક પ્રવાહમાં જોડવામાં આવી છે, એમ ઉમેર્યું હતું.