તા. ૨૧-૧૧-૨૦૧૧
મહાત્મા મંદિર, ગાંધીનગર
ઘણી વાર અનેક લોકોના મનમાં પ્રશ્ન ઉઠતા હશે અને આપણા સમાજની એક સ્થિતિ એવી છે કે જે નાના એકમો છે એના પ્રત્યે જોવાનો ભાવ કંઈક જુદો હોય છે. હવે સામાન્ય નોકરી કરતા હો, ગુજરાન ચાલે એવું સંતોષકારક કમાતા હો છતાંય ઘણા લોકોને એવું લાગતું હોય કે આના કરતાં બેંકમાં પટાવાળાની નોકરી હોત તો પણ વટ પડતો હોત..! કારણ? સમાજમાં એક વિચિત્ર પ્રકારની માનસિકતા છે. કોઇ ઑટોરિક્શા ચલાવતો હોય, પોતાના ઘરની ત્રણ ઑટોરિક્શા હોય, કોઈ પણ નોકરી કરતાં વધારે કમાતો હોય પણ ઑટોરિક્શા ચલાવે છે એટલે એની તરફ જોવાનો દ્રષ્ટિકોણ જુદો હોય. આ જે સમાજ-જીવનની મન:સ્થિતિ છે એ જ્યાં સુધી આપણે બદલીએ નહીં ત્યાં સુધી ગૌરવભેર, સ્વાભિમાનપૂર્વક દેશના વિકાસ માટેનો ભાવ જાગવો મુશ્કેલ બનતો હોય છે. અને તેથી જરૂરિયાત છે કે દરેક ક્ષેત્રમાં ડિગ્નિટિ કેવી રીતે આવે? એને પ્રતિષ્ઠા કેવી રીતે મળે? અને એકવાર ડિગ્નિટિ મળે, એની સહજ પ્રતિષ્ઠા ઊભી થાય તો સમાજમાં આપોઆપ સ્વીકૃતિ બનતી હોય છે.એક સમય હતો કે આપણે ત્યાં આંગણવાડી એટલે? કંઈ એનું માહાત્મ્ય જ નહીં, એ તો તેડાંગર બહેન આવી હતી, ઘોડિયાઘરવાળી બેન આવી હતી... ઘરે આપણા બાળકને આવે, લઈ જાય, આપણને ખબરેય ન હોય કે આ બેનનું નામ શું છે, કામ શું કરે છે. કારણ? એક એવું વાતાવરણ બની ગયું કે આંગણવાડી ચલાવે એટલે સામાન્ય લોકો. આ સરકારે સમગ્ર આંગણવાડી ક્ષેત્રને મહત્વ પણ આપ્યું, એની ડિગ્નિટિ ઊભી કરી અને આંગણવાડીમાં ઉત્તમ કામ કરનાર જે બહેન હોય એને ‘માતા યશોદા એવૉર્ડ’ આપ્યા અને આપણે દુનિયાને સમઝાવ્યું કે સૌથી પહેલી આંગણવાડી માતા યશોદાએ ચાલુ કરી હતી અને દેવકીના પુત્ર કૃષ્ણને માતા યશોદાએ ઉછેર્યો હતો અને આવો મહાપુરુષ નિર્માણ થયો જેને આજે હજારો વર્ષો સુધી યાદ કરીએ છીએ અને એટલા માટે માતા યશોદાનું મહત્વ છે. આપના સંતાનને આ આંગણવાડીની બહેન જે રીતે ઉછેરે છે, સંસ્કારિત કરે છે, મોટો કરે છે એ કામ માતા યશોદા જેવું કરે છે. એના માટે યુનિફૉર્મ બનાવ્યા, એક ડિગ્નિટિ ઊભી કરી. મિત્રો, એવી જ રીતે આઈ.ટી.આઈ. એટલે જાણે કંઈ છે જ નહીં..! પાંચ-પંદર મિત્રો ક્યાંક ફરવા ગયા હોય અને કોઈ પૂછે કે શું ભણો છો? આઈ.ટી.આઇ, તો આમ બાજુમાં જતા રહે, આઈ.ટી.આઈ.! મારે આ સ્થિતિ બદલવી છે. મારે તેની ડિગ્નિટિ ઊભી કરવી છે. ‘શ્રમ એવ જયતે’ એમ આપણે બધા કહીએ છીએ. શ્રમની પ્રતિષ્ઠા ન થાય, શ્રમ કરીને સમાજનું નિર્માણ કરનાર જે લોકો છે એ તો બ્રહ્માનો અવતાર છે. સૃષ્ટિના નિર્માણમાં જે રોલ બ્રહ્માનો હતો એ જ આઈ.ટી.આઈ.વાળાનો છે. એ નાના પ્રમાણમાં હશે, બ્રહ્માએ વિશાળ, વિશ્વ ફલક પર કામ કર્યું હશે પણ એ નાનકડું કામ પણ આપણે કરી રહ્યા છીએ. જ્યાં સુધી આ પરિવર્તન ન આવે ત્યાં સુધી જે કોઇ એમાં કામ કરતું હોયને... કેટલાક તો એમ જ ત્યાં આઈ.ટી.આઈ.માં દાખલ થયા હોય અને નાના હોય ત્યારે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મમ્મી-પપ્પાએ ઓળખાણ કરાવી હોય કે આ બાબો છે ને એને ડૉક્ટર બનાવવો છે, આ દીકરી છે ને એને એન્જિનિયર બનાવવી છે અથવા એમ કહે કે આ બાબો છે ને એને એન્જિનિયર બનાવવો છે, દીકરી છે એને ડૉક્ટર બનાવવી છે. દરેકના ઘરમાં આ તમે સાંભળ્યું જ હશે. તમે પણ બધા મોટા થયા, તમને પણ કોઇ ને કોઈએ કહ્યું હશે કે આને ડૉક્ટર બનાવવો છે. હવે બન્યા નહીં, આઠમાથી ગાડું આગળ જ ના ગયું. પછી મમ્મી-પપ્પાએ કહી દીધું હશે કે સાહેબ એવા હતા..! કારણો જુદાં જુદાં શોધ્યાં હશે પણ આપણી ગાડી અટકી ગઈ હશે અને પછી માંડ ક્યાંક આઈ.ટી.આઈ. માં મેળ પડ્યો હોય. આપણને પણ એમ લાગ્યા કરે કે મારે તો એન્જિનિયર થવું હતું, આઈ.ટી.આઈ. કર્યું. મારે તો ફલાણું થવું હતું, આઈ.ટી.આઈ. કર્યું. એટલે મન જ ના લાગે. અને જે સાહેબો હોય એ એન્જિનિયરિંગ ભણીને આવેલા હોય, ડિપ્લોમા કરીને આવ્યા હોય એમને પણ એમ લાગે કે આ બધા તો ઠીક હવે..! હું બરાબર ઓળખું છું ને તમને બધાને? તમારા બધા પ્રૉબ્લેમ મને ખબર છે ને? મિત્રો, મારે આ જે ખાઈ છે, એ ખાઈને ખતમ કરવી છે અને એની શરૂઆત કરી છે આપણે. પહેલું કામ કર્યું, આઈ.ટી.આઈ. મોડેલ કેવી રીતે બને? ઉત્તમ પ્રકારની આઈ.ટી.આઈ.ની રચના કેવી રીતે થાય? એનાં મકાનોનો સુધાર કેવી રીતે થાય? એના કોર્સીસમાં આધુનિકતા કેવી રીતે આવે? ડિસિપ્લિન કેવી રીતે આવે? યુનિફૉર્મ કેવી રીતે આવે? એમાં ટેક્નોલૉજીનો ઉપયોગ કેવી રીતે થાય..? એટલે આ બધી શરૂઆત કરી આપણે. અને મને સ્મરણ છે કે પાંચેક વર્ષ પહેલાં ભારત સરકારના આ વિષયના બધા જ સેક્રેટરી અહીં ગુજરાત આવ્યા હતા. ગુજરાત અભ્યાસ કરવા આવ્યા હતા કે તમે આ આઈ.ટી.આઈ.નાં રૂપરંગ બદલ્યાં એટલે શું કર્યું છે? કેવી રીતે કર્યું છે? ક્યાં સુધી લઈ ગયા છો? અને એમને આશ્ચર્ય થયું કે આ રાજ્યમાં આઈ.ટી.આઈ. માટે આ સરકાર આટલી બધી મગજમારી કરે છે! એને તો કોઇ ગણતું જ નહોતું. મિત્રો, એના પછીની સ્થિતિ એ બની કે ગુજરાતે જે પ્રયોગ શરૂ કર્યો એના આધારે ભારત સરકારે યોજના બનાવી કે આઈ.ટી.આઈ. અપગ્રેડ કરવી, આઈ.ટી.આઈ. મોડેલ બનાવવી અને ગુજરાતના મોડેલને આગળ કેમ ધપાવવું આનો વિચાર ભારત સરકારે કર્યો. આપણે એ જ દિશામાં હતા. બીજું કામ આપણે આ કર્યું કે આઈ.ટી.આઈ. માં જે વિદ્યાર્થીઓ ભણે છે. આઠમું ધોરણ ભણીને તેણે આઈ.ટી.આઈ. કર્યું હોય, પણ એને આઠમું જ ગણવાનું. દસમું ધોરણ ભણીને બે વર્ષ આઈ.ટી.આઈ. માં લગાવ્યાં હોય તો પણ એને આઈ.ટી.આઈ. જ ગણવાનું. દસમું ધોરણ પાસ થયો હોય, માંડ પાંત્રીસ ટકા આવ્યા હોય તો પણ એ આઈ.ટી.આઈ. વાળાને ઘૂરકિયાં કરતો હોય કે તું તો આઠમાવાળો છે, તું તો આઠમાવાળો છે..! બારમા ધોરણમાં બે વખત પછી માંડ પરીક્ષા પાસ કરી હોય, અંગ્રેજી-ગણિત લીધાં ન હોય અને છતાંય આઈ.ટી.આઈ.વાળો મળે તો કહે કે, જવા દે યાર, હું બારમું પાસ છું..! આવું જ થતું હતું ને? આપણે સ્થિતિ બદલી. આપણે નક્કી કર્યું, નિર્ણય કર્યો કે આઠમા ધોરણ પછી બે વર્ષ જે આઈ.ટી.આઈ. કરે છે તેને દસમું ધોરણ પાસ ગણવો, દસમા પછી જેણે બે વર્ષ કર્યું છે એને બારમું ધોરણ પાસ ગણવો. મિત્રો, આ મથામણ એટલા માટે છે કે મારે એક ડિગ્નિટિ પેદા કરવી છે.
તમે જોયું હશે કે સેનામાં એક સિપાઈ, સામાન્ય નાનો કર્મચારી, એ જ્યારે સેનામાં કામ કરતો હોય છે ત્યારે ઘણી વાર ત્યાં માળીનું કામ કરતો હોય, કાં તો ત્યાં ખાડા ખોદવાનું કામ કરતો હોય... પરંતુ યુનિફૉર્મ, પરેડ આ બધી બાબતોમાં એની સમાનતા હોય છે અને પરિણામે એ જ્યારે ઘેરથી નીકળે ત્યારે આમ રુઆબદાર લાગે. એનું કૉન્ફિડન્સ લેવલ વધી જતું હોય છે. સામાન્ય સિપાઈ હોય, આર્મિમાં તદ્દન નાનું આપણે ત્યાં પ્યૂન જે કામ કરે છે એના કરતાં પણ કદાચ નાનું કામ કરતો હોય, પણ એની એક ડિગ્નિટિ ઊભી થઈ ગઈ, ઇન્સ્ટિટયૂશનમાં અને સમાજમાં પણ. એ ક્યાંય પણ જાય તો ડિગ્નિટિથી એની તરફ જોવામાં આવે છે. ભાઈઓ-બહેનો, જો આપણી ઇન્સ્ટિટયૂશનનો કોઇ સામાન્ય પટાવાળો હોય તો એને પટાવાળાની નજરથી જોવામાં આવે, પણ આર્મિમાં એ જ કામ કરનારો માણસ હોય, પણ એ ઇન્સ્ટિટયૂશનલ એરેન્જમેન્ટ એવી છે કે એ જ્યારે સમાજના લોકોની વચ્ચે મળે ત્યારે એને ડિગ્નિટિથી જોવામાં આવે છે. આપણને પણ એ જતો હોય તો હાથ મિલાવવાનું મન થાય કે વાહ..! પ્લેટફૉર્મ પર ઉભા હોઇએ તો મનમાં એમ થાય કે ચલો એની જોડે ફોટો પડાવીએ. આ થતું હોય છે. કારણ? એની એક પ્રકારની ટ્રેનિંગ થઈ છે. એના યુનિફૉર્મમાં, એના પહેરવેશમાં, ઉભા રહેવામાં, બોલવામાં, ચાલવામાં એક બદલાવ આવ્યો છે અને એના કારણે એને આ સિદ્ધિ મળી છે. ભાઈઓ-બહેનો, મારી મથામણ આ છે. હું ઇચ્છું છું આવનારા દિવસોમાં કે આઈ.ટી.આઈ.માં તમે કોઇ પણ કોર્સ કરો, તમે ટર્નર હોવ, ફિટર હોવ, વેલ્ડર હોવ, કંઈ પણ હોવ, વાયરમૅનનું કામ કરતા હોવ, ઑટોમોબાઇલનું કામ કરતા હોવ પણ જરૂરી છે કે સાવ જાણે ન ગમતા આવી પડ્યા છીએ આ દુનિયામાં એવું દેખાય, આ દેશને અમારી જરૂર નહોતી અને અમે નવરા પડી ગયા છે એવા દેખાઇએ..? મારે આ મન:સ્થિતિ ભાંગવી છે અને તેથી આવનારા દિવસોમાં હું આઈ.ટી.આઈ. ક્ષેત્રે અમારા બધા જે અધિકારીઓ કામ કરે છે એમને આગ્રહ કરું કે એમને જે પ્રકારનું ટેક્નિકલ નૉલેજ મળે એની સાથે સાથે શૉર્ટ સ્કિલને પણ પંદર દિવસ, મહિનાના કોર્સની સાથે સાથે જોડતા જઇએ. કોઇને મળીએ તો કેવી રીતે હાથ મિલાવવાના? કેવી રીતે વાત કરવાની? બોસ જોડે વાત કરવી હોય તો કેવી રીતે કરવાની? કલીગ જોડે વાત કરવાની... કૉન્ફિડન્સ લેવલ આવે. અને આ જ કામ, શૉર્ટ સ્કિલનું, પણ એટલું જ મહત્વનું છે. તમારી બોલચાલ, તમારો વ્યવહાર... તમે ટેક્નિકલી ગમે તેટલા સાઉન્ડ હોવ પણ તમને તમારી વાત કોમ્યૂનિકેટ કરતા ના આવડતી હોય, એક્સપ્રેસ કરતા ના આવડતી હોય તો તમારું મૂલ્ય કોડીનું થઈ જાય. તો જો તમારી પાસે આવડત હોય તો તમને આ પણ આવડી શકે. તમને વ્યવસ્થિત કેમ રહેવું, પાંચ-પંદર અંગ્રેજી વાક્યો બોલવાની જરૂર પડે તો એ કેવી રીતે, થોડા હિંદીનાં વાક્યો કેવી રીતે બોલતા આવડે, મૅનર કેવી રીતે શિખવાડવી, ટેલિફોન ઉપાડો તો કઇ રીતે વાત કરવી... આ બધી જ બાબતો ટ્રેનિંગથી આવી શકે. અને એક વખત આપણા આઈ.ટી.આઈ.ના આખા કેડરમાં ટેક્નોલૉજી પ્લસ આ ક્વૉલિટીનો ઉમેરો જો આપણે કરીએ તો હું ખાતરીથી કહું છું મિત્રો, મારે જે ડિગ્નિટિ તરફ લઈ જવું છે એ ડિગ્નિટિમાં આ બાબતો એક મહત્વપૂર્ણ પગથિયું બની રહેશે અને આપ સૌની જીંદગી એની એક તાકાત બનશે. તમે જોયું હશે કે કોઇ શેઠિયાને ત્યાં દુકાન હોય, કરિયાણાની દુકાન હોય કે પ્રોવિઝન સ્ટોર હોય જેમાં પાંચ પચાસ ચીજો એકસાથે વેચાતી હોય ત્યાં એક ગુમાસ્તો કામ કરતો હોય. એ ગુમાસ્તો કામ કરે ને પેલો શેઠ કહે એય, આ લાવ, પેલુ લાવ... અલ્યા, ક્યાં ગયો હતો? જોતો નથી ગ્રાહક આવેલ છે? એવું જ ચાલે ને? તમે કોઇ મોટા મૉલમાં જાવ તો ત્યાં કોઇ સરસ મજાનો કોટ-પેન્ટ-ટાઇ પહેરેલો, જાકીટ પહેરેલો, અપ-ટૂ-ડેટ કપડાં પહેરેલો છોકરો કે છોકરી ઊભી હોય. એ તમને શું આપતી હોય છે? એ જ આપતી હોય છે ને? આ વસ્તુ, પેલી વસ્તુ... એ પણ છે તો ગુમાસ્તો જ ને? એ મૉલનો ગુમાસ્તો છે, પેલો દુકાનનો ગુમાસ્તો છે. પણ મૉલમાં કામ કરે એનો પહેરવેશ, એની શૉર્ટ સ્કિલથી એની ડિગ્નિટિ બને છે અને આપણને પણ તે મહત્વનો માણસ લાગે છે. હકીકતમાં જે પેલા નાના પ્રોવિઝન સ્ટોરમાં જે પેલો ગુમાસ્તો કામ કરે છે એ જ કામ કરે છે. કામમાં ફરક નથી પણ મોલ કલ્ચરની અંદર એક ડિગ્નિટિ ઊભી થઈ છે. આ જે બદલાવ આવે છે એ બદલાવ માણસમાં કૉન્ફિડન્સ પેદા કરે છે અને હું માનું છું કે આપણી વિકાસયાત્રાની અંદર આ બાબતના માહાત્મ્યને જોડવાની જરૂરિયાત ઊભી થઈ છે.
મિત્રો, એકવીસમી સદી હિંદુસ્તાનની સદી છે. આપણે બધા સાંભળીએ છીએ, તૈયારી કરી છે? આ પૂરી થવા આવશે! આપણે જન્મદિવસ ઉજવીએ એમ એકવીસમી સદી પણ જતી રહે. જે તૈયારી વીસમી સદીમાં કરવી જોઇતી હતી એ થઈ કે ના થઈ પણ હવે મોડા પડવું પાલવે એમ નથી. જો ભારત એકવીસમી સદી ભારતની સદી બને એમ ઇચ્છતું હોય તો આપણે આપણું ધ્યાન આપણી યુવાશક્તિ પર કેન્દ્રિત કરીએ, યુવાશક્તિ પર કેન્દ્રિત કરીએ. હિંદુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે અને જો આ દુનિયાનો સૌથી યુવાન દેશ હોય જ્યાં ૬૫% કરતાં વધારે જનસંખ્યા યુવાન છે... તમારામાંથી યુરોપ જવાનું કોઇને કદાચ સૌભાગ્ય ન મળ્યું હોય, પણ તમે ટી.વી.પર કોઇ વાર બી.બી.સી. કે કંઈ જોતા હોવ તો તમે જોતા હશો કે તમને લોકો જો દેખાય તો મોટા ભાગના ઘરડા લોકો જ દેખાશે. હાથમાં વૉકિંગ સ્ટિક હોય, ધીરે ધીરે ચાલતા હોય... આમ પચાસ-સો લોકો જાય ત્યારે માંડ એક જવાનિયો દેખાય. આખા યુરોપમાં એવી સ્થિતિ છે. અહીં આપણે ત્યાં, આમ રસ્તે રઝળતા અથડાતા હોઇએ, એટલી બધી યુવાશક્તિ છે. આ યુવાશક્તિને કેવી રીતે આ દેશના નિર્માણના કાર્યમાં લગાવીએ? અને એ જો લગાવવી હશે તો ત્રણ બાબતો છે જેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવાની આવશ્યકતા છે. અને મિત્રો, આ બધી જ બાબતો તમારા માટે પણ ઉપયોગી છે. એકવીસમી સદી જો જ્ઞાનની સદી છે તો આપણો યુવક જ્ઞાનનો ઉપાસક બને. મિત્રો, જ્ઞાનને કોઇ દરવાજા નથી હોતા, જ્ઞાનને કોઇ ફુલસ્ટૉપ નથી હોતું. આઠમું ધોરણ ભણીને ઊઠી ગયા માટે બધું પતી ગયું એવું નથી હોતું. મિત્રો, મેં એક કામ કરાવ્યું હતું આપણી સરકારમાં, ચારેક વર્ષ પહેલાં. મેં એમને કહ્યું કે એક કામ કરો, જે વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ. ભણીને ગયા છે, એમના જીવનની કેરિયરની શરૂઆત આઈ.ટી.આઈ.થી કરી અને સ્વપ્રયત્નથી પોતે જે કંઈ શીખ્યા હતા એને આધારે સ્વયં મોટા ઉદ્યોગકાર બની ગયા. અને આપણે એક પુસ્તક બહાર પાડ્યું તો ધ્યાનમાં આવ્યું કે ગુજરાતમાં અનેક એવા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ હતા કે જેમના ત્યાં પચાસ-પચાસ સો-સો આઈ.ટી.આઈ.ના છોકરાઓ નોકરી કરતા હતા. અને એનું મેં એક પુસ્તક બહાર પાડ્યું છે, એ કદાચ તમારી બધી જ આઈ.ટી.આઈ. ઇન્સ્ટિટયૂટની લાઇબ્રેરિમાં હશે જ. આ શાને માટે કર્યું? એક ડિગ્નિટિ પેદા કરવા માટે, એક કૉન્ફિડન્સ પેદા કરવા માટે કે આઈ.ટી.આઈ.માં આવ્યા છિએ તો જીંદગી અહીં પૂરી નથી થતી, આઈ.ટી.આઈ.માં પણ ઘણું બધું કરી શકાય.
ભાઈઓ-બહેનો, આ આખી ઇન્સ્ટિટયૂશન... મેં જેમ કહ્યું એમ એ જ્ઞાન તરફનું આકર્ષણ રહેવું જોઇએ, નવું નવું જાણવાનું... આજે તમારા મોબાઇલ ફોન પર બધું તમને આવડી ગયું છે, મોબાઇલ ફોન કેવી રીતે વાપરવો એ તમને બધું આવડે છે. અને હું વચ્ચે હમણાં કપરાલા કરીને વલસાડ જિલ્લાનું એક ઇન્ટિરિઅર ગામ છે. આ કપરાલાની અંદર ડેરીના એક ચિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા ગયો હતો. જ્યાં આગળ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બહેનો દૂધ ભરે છે ત્યાં, દૂધ આપવા આવે એમ નાનકડું ચિલિંગ સેન્ટર બન્યું હતું. મારા માટે આશ્ચર્ય એ હતું કે દૂધ ભરવા આવનારી જે બહેનો હતી, એ લોકોએ ત્યાં આજુબાજુના ગામડાંઓમાંથી સો એક બહેનો એકત્ર કરેલી હતી. આદિવાસી બહેનો હતી અને અમે જ્યારે ઉદ્ઘાટનની વિધિ કરતા હતા ત્યારે બધી આદિવાસી બહેનો પોતાના મોબાઇલ ફોનથી અમારો ફોટો પાડતી હતી. આદિવાસી બહેનો, જે માત્ર પશુપાલન કરે છે, દૂધ ભરવા આવી હતી, એવી બહેનો મોબાઇલથી ફોટો પાડતી હતી. એટલે હું એમની પાસે ગયો, મેં કહ્યું કે આ મોબાઇલમાં ફોટો પાડીને શું કરશો? તો એમનો જવાબ હતો, આદિવાસી બહેનોનો જવાબ હતો કે એ તો અમે ડાઉનલોડ કરાવી દઇશું. એનો અર્થ એ થયો કે તમને આ ટેક્નોલૉજી સહજ રીતે હસ્તગત છે. અને જે તમે મોબાઇલ ટેક્નોલૉજી જાણો છો એ જ કોમ્પ્યૂટર ટેક્નોલૉજી છે. જો સહજ રીતે તમે કોમ્પ્યૂટર સેવી બનો, તમારું એડિશનલ ક્વૉલિફિકેશન..! કારણ કે મે કહ્યું છે કે આઈ.ટી.આઈ. મા પણ હવેના દિવસોમાં એક ટર્નરને જૉબવર્ક ઇ-મેલથી જ આવવાનું છે. એ કામ કરતો હશે તો એને જૉબવર્ક ઇ-મેલથી જ આવવાનું છે અને એને જૉબવર્ક પૂરું કરવા માટેની બધી સૂચનાઓ ઇ-મેલથી આવવાની છે. તો જેમ એને શૉર્ટ સ્કિલની જરૂર છે એમ એ આઈ.ટી. સેવી પણ બનવો જોઇએ, એ ટેક્નૉ સેવી પણ બનવો જોઇએ, એ કોમ્પ્યૂટર સેવી બનવો જોઇએ. અને આ વ્યવસ્થા જો આપણે ઊભી કરીએ તો આપણો વિદ્યાર્થી જ્ઞાનની બાબતમાં સમૃદ્ધ થાય.
બીજી મહત્વની આવશ્યકતા છે સ્કિલ, કૌશલ્ય. મિત્રો, વેલ્યૂ એડિશન કરવું પડે. જે વ્યક્તિ પોતાનામાં વેલ્યૂ એડિશન કરે એ સ્થિતિ બદલી શકતો હોય છે. વેલ્યૂ એડિશન કેવી રીતે થતું હોય છે? મારું ગામ, મારું વતન વડનગર. હું એકવાર રેલવેમાં મહેસાણા જતો હતો. તો અમારા ડબામાં એક બૂટપોલિશવાળો છોકરો ચડી ગયો. એ અપંગ હતો, એને ગુજરાતી ભાષા આવડતી નહોતી. મને આજે પણ યાદ છે મારા બચપણની એ ઘટના. એ કર્ણાટકનો હતો, કન્નડ ભાષા જાણતો હતો. અપંગ હોવાના કારણે મારા મનમાં જરા એના પ્રત્યે એક ભાવ જાગ્યો. તો મેં એને પૂછવા માડ્યું. તો ગુજરાતી એને આવડતું નહોતું, તૂટ્યા-ફૂટ્યા અંગ્રેજીમાં કહેતો હતો બધું. મેં કહ્યું તું ત્યાં છોડીને અહીં શું કરવા આવ્યો? આ એવો વિસ્તાર છે કે અહીંયાં જુતા ખરીદ્યાં હોય પણ જુતાને પોલિશ-બોલિશ હોય નહીં અમારા વિસ્તારમાં, અહીંયાં તને ક્યાં કામ મળશે? મને કહે કે સાહેબ, મને તો બહુ કંઈ ખબર નથી, જે ગાડીમાં ચડી ગયો એ ચડી ગયો. મને કહે સાહેબ, તમે મારી પાસે પોલિશ કરાવશો? એ વખતે તો ચાર આનામાં થતી હતી. મેં કહ્યું હા, જરૂર કરાવીશ. તો એણે શું કર્યું? એણે એના થેલામાંથી એ દિવસનું ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પર એણે લખ્યું હતું કે ‘આપનો દિવસ ખૂબ સારો જાય’. અને એણે મને કહ્યું કે સાહેબ, હું પોલિશ કરુંને ત્યાં સુધી તમે છાપું વાંચો. હવે આ એણે વેલ્યૂ એડિશન કરી. પોલિશ કરતો હતો પરંતુ મને એણે છાપું વાંચવા આપ્યું એટલે મને સહેજેય લાલચ થાય કે વગર પૈસે મને તો છાપું વાંચવા મળી ગયું. આપણે તો ‘ગુજરાતી’, ‘સિંગલ ફેર, ડબલ જર્ની’...! પણ આજે પણ એનું ચિત્ર એવું ને એવું મારા મનમાં પડ્યું છે કે એને ખબર હતી કે ગ્રાહકના સંતોષ માટે શું શું કરી શકાય? તો માત્ર સરસ પોલિશ કરીને મને જૂતાં આપે એના કરતાં એણે પ્રોફેશનલ સ્કિલ એટલી ડેવલપ કરી હતી કે એણે મને એનું ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ વાંચવા આપ્યું, બીજા ગ્રાહક પાસે ગયો, પોલિશ કરતો હતો, ફરી એણે એ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ એને આપ્યું. પોલિશ કરે ત્યાં સુધીમાં તમારે હેડલાઇન વાંચી લેવાની. એક નાનકડો સુધારો એક બૂટપોલિશવાળાને પણ આવડતો હોય..! મિત્રો, આ બધી વેલ્યૂ એડિશન સ્કિલ આપણા માહાત્મ્યને વધારતી હોય છે. સ્કિલ બાબતમાં કોઇ કૉમ્પ્રોમાઇઝ ના હોય. જીંદગી જીવવાનો આનંદ તમારી પાસે કેટલો સરસ હુન્નર છે, કેટલા પ્રકારનો હુન્નર છે, એના ઉપર છે.
ત્રીજી વસ્તુ જરૂરી છે, ‘કૅપેસિટી’. તમારી ક્ષમતા જુઓ. જ્ઞાનનો ભંડાર પડ્યો હોય, કૌશલ્ય હોય, પરંતુ ડિલિવર કરવાની ક્ષમતા ના હોય. ઘરની અંદર ગેસ હોય, કુકર હોય, સગડી હોય, લોટ, પાણી, લાકડાં બધું જ હોય પણ રાંધવાની ક્ષમતા જ ના હોય તો લાડુ ક્યાંથી બને, ભાઇ? અને તેથી કૅપેસિટી હોવી બહુ જરૂરી છે. તો જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતા, આ ત્રણે દિશામાં આપણે જો કામ કરીએ તો મને વિશ્વાસ છે મિત્રો કે આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ. અને બીજી વસ્તુ, મિત્રો જ્યારે સપનાં જોતા હોઇએ ત્યારે... હું અહીં બધા જ વિદ્યાર્થી મિત્રોને કહું છું, નવજુવાન મિત્રોને કહું છું કે આઈ.ટી.આઈ. ભણ્યા પછી પણ તમારી જીંદગીનો ક્યાંય પૂર્ણવિરામ નથી, તમે ખૂબ નવી ઊંચાઈઓ પાર કરી શકો છો. હવે તો મિત્રો, કવિઓ પણ ઇન્કમટેક્ષ ભરે છે..! ના મેળ પડ્યો? નહીં તો એ કૌશલ્ય જેને આવડતું હોય, તો પહેલાં પ્રશ્ન ઊઠતો હતો કે એની રોજીરોટીનું શું? કવિ હોય, લેખક હોય તો માંડ કરીને બિચારાનું ગુજરાન ચાલતું હોય. આજે કવિ, લેખકો પણ ઇન્કમટેક્ષ ભરે છે. તો ટેક્નૉલોજીવાળા પાસે તો કેટલી બધી તાકાત હોય છે? ટેક્નૉલોજીવાળા તો કેટલું નવું કરી શકતા હોય છે? મિત્રો, ઘણી વાર મોટો માણસ ઇનોવેશન કરે એના કરતા ટેક્નોલૉજી ફીલ્ડનો નાનો માણસ ઘણું બધું ઇનોવેશન કરી શકતો હોય છે. હું જાણું છું કે રાજકોટની અંદર એક ભાઇ ઘડિયાળ રિપેરિંગનું કામ કરે છે. આજે મને યાદ છે, હું ઓળખું છું અને એમને એવો શોખ કે દુનિયાની કોઇ પણ સારામાં સારી ઘડિયાળ હોય તો રિપેરિંગ કરવા મળે તો એમને ગમે. એક વાર એમને સ્વિસ-મૅડ ઘડિયાળ રિપેરિંગ માટે આવી. એણે રિપેર તો કરી પણ એને સ્વિસ કંપની જોડે કૉરસ્પોન્ડન્સ કર્યું અને એણે કહ્યું કે તમારી આમાં મૅન્યુફેક્ચરિંગ ડીફેક્ટ છે, તમારી ડિઝાઇનમાં જ ડીફેક્ટ છે. અને તેથી તમને આ સમસ્યા હંમેશા આવ્યા કરશે. અને એનું સોલ્યુશન આપ્યું, એના ડાયાગ્રામ બનાવીને એણે સ્વિસ કંપની જોડે પત્રવ્યવહાર પણ કર્યો અને મને આજે પણ ખબર છે કે સ્વિસ કંપનીએ... નહીં તો એ ખાલી ઘડિયાળ રિપેર કરીને, પૈસા લઈને વાત પતી ગઈ હોય. પણ એણે એવું ના કર્યું. એણે એમાં રુચી લીધી અને સ્વિસ કંપનીએ સ્વીકાર કર્યો કે તમે અમને ખૂબ ઉત્તમ સોલ્યુશન આપ્યું છે અને અમારી નવી જે પ્રોડક્ટ આવશે એ નવી પ્રોડક્ટની અંદર અમે આ ડીફેક્ટ સુધારીને પ્રોડક્ટ કરીશું અને એને ઇનામ મોકલ્યું, એનું એપ્રીશિએશન કર્યું. આજે પણ એ ઘડિયાળીની દુકાનમાં એનો એપ્રીશિએશન લેટર એમને એમ પડેલો છે. એનો અર્થ એ કે મિત્રો, નાનું કામ પણ જો ઇનોવેટીવ નેચર હોય તો કેટલું પરિવર્તન લાવી શકે છે, કેટલી પ્રતિષ્ઠા ઊભી કરી શકાય છે. અને તેથી નિરંતર... અને ટેક્નિકલ ફીલ્ડનો માણસ, તમે ટેક્નિકલ લોકો, તમારા માં-બાપ તમારું વર્ણન કરતા હશે અને એમ કહેતા હશે કે આ નાનો હતો ત્યારે કોઇ પણ રમકડું લાવો ત્યારે સાંજ સુધીમાં એને તોડી જ નાખ્યું હોય અને પછી જાતે જ બીજી વાર એ ફીટ કરતો હોય. આ તમારી પ્રકૃતિમાં પડ્યું જ હશે, મિત્રો. તમારા સ્વભાવમાં પડ્યું જ હશે. આ જે ઈશ્વરે તમને તાકાત આપી છે એ અકલ્પનીય તાકાત છે, મિત્રો. તમે ભાગ્યશાળી છો કે ઈશ્વરે તમને આ શક્તિ આપી છે. આ શક્તિનો ઉપયોગ તમારા વિકાસ માટેની ઊર્જા તરીકે કામ કરી શકે એમ છે, એક પાવર જનરેટર તરીકે કામ કરી શકે એમ છે. આ વૃત્તિ છે એ વૃત્તિને તમારે ઓળખવાની છે. અને એ વૃત્તિને જો તમે ઓળખો, એ વૃત્તિને ક્ષમતામાં કન્વર્ટ કરી દો તો તમારા જીવન માટે અનેક દ્વાર ખૂલી શકે એવી સંભાવનાઓ પડી છે. અને એનો વિચાર વિદ્યાર્થી આલમે અને ટેક્નિકલ ફીલ્ડના લોકોને કરવાનો છે.બીજી બાબત છે, ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, ગુજરાતમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે... ઔદ્યોગિક વિકાસની અંદર સૌથી પહેલી જરૂરિયાત હોય છે ટેક્નિકલ સ્કિલ્ડ મેન-પાવર. જેટલા પ્રમાણમાં સ્કિલ્ડ મેન-પાવર વધારે હોય એટલા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસની સંભાવના વધતી હોય છે. આપણે ૨૦૦૩ થી ગુજરાતમાં જે ‘વાઇબ્રન્ટ સમિટ’ કરીએ છીએ. ‘૦૩ માં કરી, ‘૦૫ માં કરી, ‘૦૭ માં કરી, ‘૦૯ મા કરી, ‘૧૧ માં કરી... એનું પરિણામ એ છે કે ગુજરાતમાં મૅક્સિમમ રોજગારી મળી રહી છે. ભારત સરકારના આંકડા પણ કહે છે કે આખા હિંદુસ્તાનમાં જેટલા રોજગાર મળે છે એમાં સર્વાધિક રોજગાર ક્યાંય મળતા હોય તો તે ગુજરાતમાં મળે છે. અને એનું કારણ આ ટેક્નિકલ વર્ક. પણ એમાં આપણે બીજું કરીશું કે જે આ નવી નવી કંપનીઓ આવે છે એને આપણી આઈ.ટી.આઈ.ની સંસ્થાઓને, આપણી એન્જિનિઅરિંગ કૉલેજીસને, ટેક્નિકલ યુનિવર્સિટીઝને, અન્ય યુનિવર્સિટીઝને... ‘વાઇબ્રન્ટ સમિટ’ થયા પછી આપણે મીટિંગ કરતા હોઇએ છીએ અને એમને પૂછતા હોઇએ છીએ કે તમે જે પ્રકારનો ઉદ્યોગ લાવવાના છો એ ઉદ્યોગની અંદર તમને કેવા પ્રકારના સ્કિલ્ડ મેન-પાવરની જરૂર છે એનું જો તમે અત્યારથી અમને કહો તો અમે એ પ્રકારના સ્કિલ્ડ મેન-પાવર તૈયાર કરવા માટેના સિલેબસ શરૂ કરીએ. અને આપણે ગુજરાતમાં નીડ બેઝ્ડ સિલેબસોની તરફ આગ્રહ રાખવાનો અને એના કારણે જેવો બાળક આપણે ત્યાં ભણીને નીકળે... મોરબી હોય તો એ બાજુ સિરૅમિકનું ભણવાનું થાય, માંડવી હોય, મુંદ્રા હોય તો પૉર્ટનું ભણાવો, શિપિંગનું ભણાવો, અંકલેશ્વર બાજુ હોય તો કેમિકલનું ભણાવો... તો નીડ બેઝ્ડ ભણાવવાનું ચાલુ કર્યું જેથી કરીને લોકલ બાળકોને તરત જ રોજગાર મળી શકે એવું આપણે આયોજન કર્યું અને એટલા મોટા સ્કેલ પર કર્યું છે. અને મિત્રો, ગુજરાત જે પ્રગતિ કરવા માંગે છે એના મુખ્ય ત્રણ આધાર છે. ત્રણ આધારે ગુજરાત આગળ વધવા માંગે છે. જ્યા સુધી યુવા શક્તિનો સવાલ છે એના સંદર્ભમાં. એક, સ્કેલ. ખૂબ મોટો સ્કેલ બનાવેલો છે. અને આ મહાત્મા મંદિર જોઇને તમને એવું લાગ્યું હશે કે હા, આનું નામ મોટો સ્કેલ કહેવાય. નહીં તો પહેલાં દસ બાય દસનો રૂમ બનાવે... મોટા સ્કેલ પર, દરેક ચીજ મોટા સ્કેલ પર. બીજું, સ્કિલ. મલ્ટિપલ સ્કિલ સાથે ગુજરાતનો યૂથ પાવર કેમ તૈયાર થાય? એક યૂથને કેટલી બધી ચીજો આવડતી હોય, ટૅકનિકલી કેટલો સાઉન્ડ હોય! સ્કેલ, સ્કિલ અને ત્રીજી મહત્વની બાબત, સ્પીડ. આ થ્રી એસ. એને પકડીને આપણે ગુજરાતને આગળ વધારવા માંગીએ છીએ.
ભાઈઓ-બહેનો, આજે લગભગ ૨૬૦૦ કરતાં વધારે નવજુવાનોને નોકરી માટેના ઑર્ડરો મળી રહ્યા છે. ગયા દસ જ વર્ષમાં આ સરકારે સરકારમાં અઢી લાખ લોકોને રોજગાર આપ્યો છે, અઢી લાખ લોકોને..! અને આ વર્ષે સાંઇઠ હજાર નવા લોકોને રોજગાર માટેની પ્રોસેસ ચાલી રહી છે. પહેલાં શું થતું હતું? જાહેરાત બહાર પડે, પછી અરજીઓ આવે, અરજી આવે અને સરકાર તરફથી કંઈ પત્ર આવે, બે મહિના, છ મહિના કે બાર મહિનાનો ટાઇમ હોય એટલે જેણે અરજી કરી હોય એ શું કરે, એક ચેનલ શોધે, જેક શોધે અને વચ્ચે કોઇ મળી પણ જાય અને કહે કે એમ, તેં અરજી આપી છે? લાવ, ગોઠવી આપીશ, પણ જો આટલું આપવું પડશે મને..! વચ્ચે ટાઇમ ટેબલ બનાવે, બધું ગોઠવતા ફાવેને! પછી ઇન્ટરવ્યૂ માટેનો કૉલ આવે, એમાંય બે મહિનાનો વચ્ચે ગાળો હોય, એટલે ઇન્ટરવ્યૂ લેટર લઈને પેલો નાચતો હોય કે વાહ, મારે ઇન્ટરવ્યૂ લેટર આવ્યો. પછી શોધતો હોય, કોઇ ખાદીના ઝભ્ભાવાળો જડી જાય તો એનો ઝભ્ભો પકડી લઉં. ઇન્ટરવ્યૂ છે સાહેબ, કંઈક કરી આપોને! એનાથી આગળ એ કંઈક ગોઠવી આપે, એમાં કંઈક પાછી ગોઠવણ થઈ જાય. પેલો બિચારો ગરીબનો છોકરો હોય, વિધવા મા નો દીકરો હોય, મા પાસે એકાદ નાનું ઘરેણું હોય તો એ ગીરવે મૂકીને કે વેચીને પછી કંઈક ગોઠવે બિચારો..! ત્યારે માંડ કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચે. ઇન્ટરવ્યૂમાં પહોંચ્યા પછી પાછું આગલી સીડી પર ચઢવા માટે બીજા ત્રણ મહિના. એ ત્રણ મહિનામાં ત્રીજા ઉપલી કેડરના લોકો ગોઠવણી કરવા આવે. બધી વ્યવસ્થાઓ હોય..! મેં આ બધું જ કાઢી નાખ્યું, એક ઝાટકે બધું સાફ! અનેક વિધવા માતાઓ છે કે જેને પોતાના દીકરાને નોકરી મળશે કે નહીં મળે એની ચિંતા હશે, આજે એનો દીકરો હાથમાં નોકરીનો પત્ર લઈને ઘેર જશે ત્યારે એની માને હાશ થશે. એક કોડીના ભ્રષ્ટાચાર વગર, એક પાઈના ભ્રષ્ટાચાર વગર. શું આ દેશના નવજવાનોને રોજગાર ના મળે? શું રોજગાર માટે એને વલખાં મારવા પડે? એણે પગચંપીઓ કરવી પડે? ભાઈઓ-બહેનો, આ મને મંજૂર નથી. સન્માનભેર, આ રાજ્યનો યુવાન સન્માનભેર જીવતો થાય, આંખમાં આંખ મિલાવીને વાત કરે, અન્યાય સાંભળે તો ઉભા થવાની તૈયારી હોય. ઑન-લાઇન, બધી જ પ્રોસીજર ટ્રાન્સ્પૅરન્ટ, ઑન-લાઇન.
૨૬૦૦ કરતાં વધારે લોકોને આજે નોકરી મળી જશે. પણ જેમને નોકરી મળી છે એમને મારે કહેવું છે અને જેમને ભવિષ્યમાં નોકરી મળવાની છે એમને પણ. મિત્રો, તમને નોકરી એટલા માટે નથી મળી, તમને આ પગાર એટલા માટે નથી મળતો કે તમે કંઈ ડિપ્લોમાની ડિગ્રી ધારણ કરી છે કે તમે કોઇ ડિગ્રી કોર્સ પૂરો કર્યો છે, તમારી પાસે એન્જિનિયરિંગના કોઇ વિશેષ પ્રકારના સર્ટિફિકેટ છે એટલા પૂરતું નથી. છે, પરંતુ આના કરતાં વધારે તમે જે કંઈ છો એમાં સમાજનું મોટું ઋણ છે, મિત્રો. તમે બસો, પાંચસો, હજાર રૂપિયાની ફીમાં ભણ્યા હશો. મિત્રો, એક મહિનામાં ચા પાવાની ટેવ હોય તો પણ બિલ આનાથી વધારે બને, એના કરતા ઓછા પૈસામાં ભણ્યા છીએ. કોઇ ડૉક્ટર થાય, વકીલ થાય તો ગરીબના પેટમાંથી કાઢીને સમાજે એને ભણાવ્યો હોય છે. સરકાર એટલે સમાજ. અનેક લોકોના યોગદાનને કારણે તમને આ શિક્ષણ મળ્યું છે. અનેક લોકોએ યોગદાન કર્યું છે ત્યારે તમે આ પ્રાપ્ત કર્યુ છે. એ સમાજને કંઈક પાછું આપવાનું મનમાં ક્યારેય ભૂલીએ નહીં. આજે એક નવજુવાને, હજુ તો એની નોકરીને આજે પહેલો દિવસ શરૂ થવાનો છે, પરંતુ એણે પાંચ હજાર રૂપિયા કન્યા કેળવણીમાં આપ્યા. મારે મન એ કદાચ એકાવન રૂપિયા હોત તો પણ એટલા જ મહત્વના હતા. કારણ? કે મનમાં વિચાર આવ્યો કે ભાઇ, હું જે છું એ સમાજને કારણે છું. મને ઈશ્વરે એવી તક આપી છે તો મારે સમાજને પાછું આપવું જોઇએ. કારણકે હું જે કાંઈ શીખ્યો છું, જે કાંઈ છું મિત્રો, એ સમાજને કારણે છું. આ સમાજનું ઋણ ચૂકવવાનું ક્યારેય આપણે ચૂકીએ નહીં અને આજે જ્યારે અત્યંત ટ્રાન્સ્પૅરન્ટ પદ્ધતિથી, ઑન લાઇન એક્ઝામ લઈને આટલા ટૂંકા સમયમાં... અને નહીં તો પછી નોકરીનું તો એવું છે કે પંદર તો કોર્ટ કેસ ચાલે, એક બીજી દુકાન એની ચાલે પાછી..! કોઇએ પી.આઈ.એલ. ઠોકી જ દીધી હોય. ભરતી જ બંધ થઈ જાય. પેલા બિચારાને ઘરે ઑર્ડર આવ્યો હોય તોય મૂકી ના શકાય. સદનસીબે આ ટ્રાન્સ્પૅરન્સિને કારણે કોર્ટમાં કોઇ વાદવિવાદ નથી થયા, આજે હેમખેમ આ નવજુવાનોને નોકરી મળી ગઈ છે.
મિત્રો, તમારા જીવનનું સપનું હોય, જેમને નોકરી મળે છે, કે તમારા હાથ નીચે તૈયાર થનારા જે જુવાનિયા છે, બેન-દીકરીઓ છે એ એમના જીવનમાં નવી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે એ જ તમારા જીવનનો સંતોષ હોય અને રાષ્ટ્રની સેવા કરવાનો એ જ માર્ગ હોય એવી એક ભૂમિકા સાથે આપ સૌ મિત્રો ખૂબ પ્રગતિ કરો, ખૂબ વિકાસ કરો અને ઉમંગ ઉત્સાહ સાથે આગળ ધપો. મિત્રો, આ રાજ્યમાં અનેક એવાં ક્ષેત્રો છે, ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, આપ કલ્પના કરો ભાઈ, નહીં તો પહેલાં પેલો ઑટોમોબાઇલનું ભણે તો ગેરેજમાં નોકરી કરે. આ જ દિવસો હતા ને? એ નૂર પડખા ખોલ દે, એવું જ હતું ને? પેલો સ્કૂટર રિપેરિંગવાળો એમ કહે એ નૂરીઆ, જરા પડખા ખોલ દે..! આવી જ જીંદગી જતી હતીને, ભાઇ? બધી આખી ટર્મિનૉલોજિ જ જુદી. આ ઑટોમોબાઇલ ક્ષેત્રમાં એક એક સ્પેરપાર્ટનાં જુદાં જ નામો હોય. ઢીંકણું કાઢ, ફલાણું કાઢ... મિત્રો, આજે સમગ્ર એશિયાનું સૌથી મોટું ઑટોમોબાઇલ હબ ગુજરાત બની રહ્યું છે. ટેક્નિકલ માણસોની ખૂબ જરૂર પડવાની છે. આવનારા દિવસોમાં ગુજરાત શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં જવા માંગે છે, સામુદ્રિક જહાજો બનાવવાના. સામુદ્રિક જહાજો બનાવવામાં વેલ્ડરનું કામ સૌથી મોટું હોય અને ત્યાંનું વેલ્ડિંગ એટલે પર્ફેક્ટ વેલ્ડિંગ જોઇએ. શીપ બનાવવાની અંદર પર્ફેક્ટ વેલ્ડિંગ જોઇએ કારણકે એને પચાસ વર્ષ સુધી સમુદ્રની અંદર પાણીમાં જીંદગી ગુજારવાની હોય છે અને એમાં વેલ્ડિંગમાં કચાશ હોય તો બધું જ ગયું..! આપ વિચાર કરો વેલ્ડર જેવું નાનકડું એ કામ જેની સૌથી મોટી પ્રતિષ્ઠા શીપ જ્યારે બનાવવાનું થશે એમાં થવાની છે.
મિત્રો, ગુજરાતની અંદર વિકાસનાં એટલાં બધા ક્ષેત્રો પડ્યાં છે, તમે જેટલી વધુ સ્કિલ જાણશો, તમારા માટે આસમાનની ઊંચાઈઓ પાર કરવી ડાબા હાથનો ખેલ હશે, મિત્રો. આપ સૌને અંત:કરણ પૂર્વક ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને મને વિશ્વાસ છે કે આપના જીવનના સપનાં પૂરાં કરવા માટે નવી દિશા મળી છે. નવજુવાન મિત્રો, આપણે ૧૫૦ મી વિવેકાનંદ જયંતી ઊજવવાના છીએ, એ યુવાશક્તિ વર્ષ તરીકે મનાવવાના છીએ. એમાં પણ એ જ મુખ્ય કામ કરવાના છીએ. કૌશલ્યની પ્રતિષ્ઠા, હુન્નર. એની તરફ આખું વર્ષ ગુજરાત કામ કરવાનું છે. આપ કલ્પના કરી શકો છો કે આપના માટે કેટલો મોટો અવકાશ છે. પૂરી તાકાતથી મારી જોડે બોલો,
ભારતમાતા કી જય..!
થૅંક યૂ, દોસ્તો..!