મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ૫૧મા વર્ષમાં પદાર્પણના મંગળ પ્રભાતે આજે મહાગુજરાતના પ્રણેતા સ્વ.ઇન્દુચાચાની પ્રતિમાને ભાવસભર શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યાર બાદ ભદ્રના શહીદ સ્મારક ખાતે મહાગુજરાતની રચના માટે પ્રાણોની આહૂતિ આપનારા શહીદોને ઉદયની ઉષ્મા અને ઉર્મિઓના આદરથી શ્રધ્ધાંજલિ સાથે ભાવવંદના કરી હતી. તેમની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા તેમજ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સહિત મંત્રી મંડળના તમામ સદસ્યોએ પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે અત્યંત સંવદનશીલ અને ઉષ્માસભર વાતાવરણમાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયે શહીદો અમર રહોના ગગનભેદી નારાઓ દ્વારા મહાગુજરાતના શહીદોની આદરવંદના કરી હતી અને પોલીસ બેન્ડ વાદક વૃંદે શહીદ સલામી ધૂન પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તા.૧ લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપનાની ગૌરવવંતી ભૂમિકા આપતાં જણાવ્યું કે, મહાગુજરાતની ચળવળ અને અનેક લોકોની શહાદતને પગલે એક ધણા મોટા આંદોલન પછી આપણા મહાપુરૂષોએ ગુજરાતની સ્વતંત્ર વિકાસયાત્રા શરૂ કરી હતી. આ સ્થળે શહીદ સ્મારક બનાવવા માટે એક લાંબા સમય સુધી પણ લોકઆંદોલન કરવું પડયું હતું અને તેના પગલે તત્કાલીન કોંગ્રેસ સરકારને શહીદ સ્મારક અંગેની જનલાગણીને મુકસંમત્ત્િા આપવાની ફરજ પડી હતી. આ એ જ જગ્યા છે જ્યાં મહાગુજરાતની માંગણી કરનારા આંદોલનકારીઓ ઉપર કોંગ્રેસ હાઉસમાંથી ગોળીઓ વરસી હતી અને નિર્દોષ વિઘાર્થીઓને ગોળીએ દેવામાં આવ્યા હતા. ગુજરાતની માંગણી કરનારાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને તેમના પર ભયંકર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. અમે આ વીર શહીદોને આજના દિવસે શ્રધ્ધાસુમન આપવાની પરંપરા સ્થાપી શક્યા છીએ એવો સંતોષ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ""આપણા સૌના લાડીલા ઇન્દુચાચાને તેમજ ગુજરાતની સ્વતંત્ર વિકાસયાત્રા માટે અને ગુજરાતની અસ્મિતા માટે જેમણે જેમણે પોતાનું જીવન ખપાવી દઇને બલિદાન આપ્યું છે તે સૌને આજે વંદન કરુ છું.''
ગુજરાતનું સ્વર્ણિમ જયંતી વર્ષ જનશકિતના સાક્ષાત્કારનું પર્વ બની ગયું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાને વધુ તેજ ગતિએ આગળ ધપાવવા હું પ્રતિબધ્ધ છું. મારી સરકાર વિકાસયાત્રાનો લાભ ગામે ગામ ગરીબોના ધરો સુધી પહોંચાડવા સંકલ્પબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.
વિશ્વમાં વસતા ગુજરાત વાસીઓને અને ગુજરાત પ્રેમીઓને શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ મા ભારતીની સેવા કરવા માટે ગુજરાતની સેવા કરવા, મા ભારતીના કલ્યાણ માટે ગુજરાતનું કલ્યાણ કરવા અને મા ભારતીને વિશ્વગુરૂ બનાવવા માટે ગુજરાતને સુખી અજે સમૃધ્ધ બનાવવાનું આહ્વાન કર્યું હતું અને માત્રને માત્ર વિકાસના મંત્ર સાથે રાજ્યની વિકાસયાત્રામાં સૌને સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી અસિત વોરા, નાયબ મેયર દર્શનાબેન વાધેલા, સાંસદો, ધારાસભ્યશ્રીઓ, રાજ્ય મુખ્યસચિવશ્રી એ.કે.જોતી, સમાજજીવનના અગ્રણીઓ, મહાગુજરાતના શહીદોના કુટુંબીજનો, સહિત રાજ્ય શાસનના ઉચ્ચ અધિકારીઓએ શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા.