વરિષ્ઠ ટેકનોક્રેટ-મેનેજમેન્ટ તજજ્ઞ શ્રી નારાયણમૂર્તિએ i-create ના સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળીઃ વિડિયો કોન્ફરન્સથી યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું
૯/૧૧/૨૦૧૧ - ગુજરાતની ધરતી ઉપર નવી ઐતિહાસિક પહેલ
વિશ્વ કક્ષાના આઇ-ક્રિએટ સેન્ટરનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી
યુવાશકિતને પ્રેરક આહવાન
હિન્દુસ્તાનની યુવાશકિતના સર્જનાત્મક સામર્થ્યને વિશ્વ સમક્ષ મુકવા માટેની સ્વર્ણિમ તકો પૂરી પાડવા ગુજરાત સરકારે પહેલ કરી છે
૯/૧૧/૧૮૯૩ - સ્વામી વિવેકાનંદે ૧૧૮ વર્ષ પહેલાં અમેરિકાની ધરતી ઉપરથી વિશ્વને જોડવાનો માનવ કલ્યાણનો માર્ગ બતાવેલો
૯/૧૧/૨૦૦૧ - અમેરિકાની ધરતીને આતંકવાદી માવતાવિરોધી બળોએ રક્તરંજિત કરી
૯/૧૧/૨૦૧૧ - મહાત્મા મંદિર ગાંધીનગર-ગુજરાતની ધરતી ઉપર વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે યુવાશકિતના વિચાર-સામર્થ્યના સપના સાકાર કરવા i-create નો પ્રારંભ
પ્રત્યેક યુવાન અહ્મબ્રહમાસ્મીની ભારતીય વિરાસતની પ્રેરણા લઇ સર્જનાત્મક સામર્થ્ય બતાવે
આઇ-ક્રિએટનો સ્મોલ આઇ એટલે વ્યકિતમાં અહ્મનો અભાવ અને કેપિટલ-આઇ એટલે આઇ- એ ઇન્ડિયાનું સામર્થ્ય
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોના નવતર શોધ સંશાધનો અને પહેલ કરનારા વિચારોને વિશ્વ સમક્ષ સાકાર કરવાનો અવસર આપતા, ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ i-create (આઇ-ક્રિએટ)નો પ્રારંભ કરતા હિન્દુસ્તાનની યુવાશકિતને સર્જનશકિતમાં સામર્થ્યવાન બનાવવાનું પ્રેરક આહ્વાન આપ્યું હતું.
વિશ્વભરમાં આજના 9/11 ના ઐતિહાસિક દિવસની ભૂમિકા અને તેના સંદર્ભમાં મહાત્મા મંદિર ગાંધીનગરના વિશાળ સભાકક્ષમાં ઉપસ્થિત રહેલા હજારો યુવાનોને i-create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપિ્રનિયોરશીપ એન્ડ ટેકનોલોજી)ની વેબસાઇટ લોન્ચ કરીને અને યુવા સંમેલન યોજીને પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વ જે સમસ્યાઓનું સમાધાન ઇચ્છે છે તે માટેના વિચાર સંશોધનનું સામર્થ્ય રાખનાર કોઇપણ યુવાનના સપના i-create દ્વારા સાકાર થાય તેવી ક્ષમતા સાથેના આ વિશ્વસ્તરના કેન્દ્રને વરિષ્ઠ ટેકનોક્રેટ એન્ડ મેનેજમેન્ટ તજજ્ઞ શ્રી નારાયણ મૂર્તિનું પ્રેરક નેતૃત્વ મળ્યું છે, જે દેશના અનેક હોનહાર યુવાનોને તેમના સપના સંજોરવાનું અને સાકાર કરવાનું માર્ગદર્શક બનશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર તો દુનિયાની શ્રેષ્ઠ સર્જનશકિતઓને જોડવા પણ પ્રતિબધ્ધ છે.
૯-૧૧ના દિવસની ઐતિહાસિક ભૂમિકા સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, “૧૧૮ વર્ષ પહેલા ભારતના હોનહાર યુવાસન્યાસી સ્વામી વિવેકાનંદે અમેરિકાની ધરતી ઉપર સમગ્ર વિશ્વને જોડવાનો આધ્યાત્મિક સંદેશ આપીને હિન્દુસ્તાનની માનવકલ્યાણની સાંસ્કૃતિક તાકાતનો પરિચય કરાવેલો એ જ અમેરિકામાં આજથી દસ વર્ષ પહેલા સને ૨૦૦૧ના ૯-૧૧ના રોજ માનવતાવિરોધી આતંકવાદે રક્તરંજિત માનસિકતાથી વિશ્વને આઘાત આપેલો. આજે ગુજરાતની આ ધરતી ઉપરથી i–createનો ૯-૧૧ના દિવસે પ્રારંભ, એ હિન્દુસ્તાનની યુવાશક્તિ વિશ્વની સમસ્યાઓના સમાધાન માટેની નવી પહેલનું બીજારોપણ કરે છે તે ઈતિહાસની સ્વર્ણિમ પૃષ્ઠ સમાન ઘટના છે.”
નોલેજ બેઝ આઈ.ક્રિએટના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ નવી પેઢીના નાગરિકોના વિશાળ યુવાસમુહને ઉદબોધન કરતા જણાવ્યું કે, “યુવાનો એ છે કે જે પોતે નવા આઈડિયા વિચારી શકે, નવા વિચારોને જન્મ આપી શકે, એને સાકાર સ્વરુપ આપી શકે. મને સપનાં આવે છે એને સાકાર કરવાનો ખ્યાલ પણ આવે છે અને એ સપનાં સાકાર ન થાય ત્યાં સુધી મન બેચેન બની જાય છે. યુવાનો માટે એમણે વિચારેલા અનોખા વિચારો અને તેમણે જોયેલા સપનાં સાકાર કરવા માટે એક અનોખો પ્રકલ્પ કરવાનો મને વિચાર આવ્યો. મેં ઘણા મહિનાથી એક સપનું જોયું હતું. એ સપનું મને બેચેન બનાવી મૂકતું હતું. એ સપનાને સાકાર કરવા મને યોગ્ય વ્યક્તિની તલાશ પણ હતી અને એ સમયગાળામાં આપણને ક્રિએટિવિટી અને ઈનોવેશનના પ્રણેતા એવા એન.આર. નારાયણ મૂર્તિ પણ મળી ગયા. તેમના સહકારથી યુવાનો માટે ૩૪ એકરના કેમ્પસમાં આખી સંસ્થા સાકાર થઈ રહી છે.”
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ પણ જણાવ્યું કે “તમને બધાને ખબર છે કે મેં માત્ર એક રૂપિયાનો એસ.એમ.એસ. કર્યો હતો અને ટાટા નેનો કંપનીનો કાર પ્લાન્ટ ગુજરાતમાં આવી ગયો. શ્રી નારાયણ મૂર્તિ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે મેં માત્ર પાંચ મિનિટ એમની સાથે વાત કરી હતી અને મારા સપનાંની વાત અંગે એમને વાત કરી હતી. એમનો સમય ખુબ કિમતી છે પરંતુ તેઓએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો અને આજે આ સંસ્થા સપનામાંથી હકીકતમાં આપણી સામે છે. ભવિષ્ય ઉજ્જવળ છે એનો મને વિશ્વાસ છે. મારા મનમાં આજના નવયુવાનો માટે એમનાં સપનાં સાકાર કરવા માટે કંઈક કરવાનું મન હતું. મારા મનમાં જે દૃઢ વિશ્વાસ હતો એને આજે સંસ્થાનું સ્વરૂપ મળ્યું છે.”
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, “આજનો ૯-૧૧નો દિવસ પસંદ કરવાનું પણ એક ખાસ કારણ છે. ૧૧૮ વર્ષ પહેલાં જે દિવસે સ્વામી વિવેકાનંદે જે અમેરિકામાં ભારતના નામનો જયઘોષ કર્યો હતો.એમની ઈચ્છાશક્તિનું દૃષ્ટાન્ત આપણી સામે છે. આપણે આપણા એ હિન્દુસ્તાનના મહાન વારસાની તાકાત ઉપર નિર્ભર છીએ. સમગ્ર વિશ્વને ઝિરો-શૂન્યની ભેટ પણ ભારતે જ દુનિયાને આપી છે. આ ઈનોવેશન એ નવા વિચારનું નજરાણું છે, જે ભારતભૂમિ જ કરી શકે છે. ભારતે આઈ.ટી.ક્ષેત્રે જે પ્રગતિ અને વિકાસ કર્યો છે એ જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. આજે ભારતમાં ૬૦ ટકા વસતી યુવાનોની છે જ્યારે પશ્ચિમના દેશોમાં સૌથી વધુ વસતી વૃદ્ધોની છે. મારો કહેવાનો અર્થ એટલો જ કે દુનિયાને બદલી નાખવાનું સામર્થ્ય ભારતના આપ સહુ યુવાનોમાં છે. તમારા સૌ પાસે ઉત્તમ વિચારો અને ઉત્તમ ભવિષ્યની શક્યતા છે. મારે એ વાત પણ કરવી છે કે તમારા સહુ યુવાનોમાં મને વિશેષ શ્રદ્ધા છે. કારણ કે આપણા ગુજરાતની એ તાસીર છે કે ગુજરાતીઓના ડી.એન.એ.માં જ સાહસ અને શૌર્યવૃત્તિ પડેલાં છે. આપણા ગુજરાતીઓ પોતાની સાહસવૃત્તિ માટે એથી જ દુનિયાભરમાં જાણીતાં છે. આપણા પૂર્વજો માંડવીથી નાવ લઈને સદીઓ પહેલાં દુનિયા ખુંદવા નીકળ્યા હતા. આ ગુજરાતીઓનાં અને સાહસની શક્તિ છે.”
મુખ્ય મંત્રીશ્રીએ ઉપસ્થિત યુવાવર્ગને પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે “કોઈ પણ વિચાર વાંઝિયો હોતો નથી મને આપ સહુ ઉપર અને સમગ્ર યુવાનો ઉપર પૂર્ણ શ્રદ્ધા અને ભરોસો છે કે યુવાનો આવનારી પેઢી મારે પોતાના ઈનોવેટિવ આઈડિયા અને ઉત્સાહ-લગનથી કંઈક કરી બતાવશે. યુવાનોના વિચારોને સાકાર કરવા અને કંઈક કરી બતાવવા માટેનું પ્લેટફોર્મ આ ઈ-ક્રિએટ પૂરું પાડશે.”
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, “બ્રહ્મા એટલે ક્રિએટર. જે સર્જન કરે છે, જે નવું કરે છે તે બ્રહ્મા. આપણા વેદોમાં પણ કહેવાયું છે કે, અહં બ્રહ્માસ્મિ. એટલે કે હું જ બ્રહ્મા છું. મતલબ કે જે કોઈ સર્જન કરે છે તે તમામ બ્રહ્મા જ છે. ભારત પાસે કરોડો યુવાનો છે, એ બધા જ નવા નવા વિચારો અને કંઈક નવું સર્જનાત્મક કરવાનો સ્વભાવ ધરાવે છે. એ તમામ બ્રહ્મા છે. તમે બધા જ ક્રિએટર એટલે કે બ્રહ્મા છો. તમારા સહુમાં નવા વિચારો, નવો વિકાસ અને નવા ક્રિએશનની અપેક્ષા રાખવામાં આવે એ સ્વાભાવિક છે. આપણે માત્ર ભારતમાં જ છવાઈ જવાનું નથી. કંઈક નવું કરીને સમગ્ર દુનિયાને બતાવી આપવાનું છે. ભારતની વૈદિક પરંપરા પારિવારિક સમુહભાવનામાં માનનારી છે. આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પરંપરા એક અભિનવ ઓળખ બની રહી છે. જ્યારે તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો જણાશે કે અમેરિકાની દરેક પ્રેશિડેન્શિઅલ ઈલેક્શનમાં દરેક પાર્ટીના ઉમેદવારે એવું વચન આપવું પડે છે કે અમારી પાર્ટી સત્તા ઉપર આવશે તો અમે ફેમિલીવેલ્યૂ અને ફેમિલી-મોરલ ઉપર વધુ ભાર મૂકીશું. અમેરિકાએ તો આવું વચન આપવું પડે છે. પરંતુ ભારતની તો સદીઓથી પારિવારિક મૂલ્યો અને સંસ્કારોની એક પરંપરા રહી છે. આઈ-ક્રિએટ નામમાં તમે ધ્યાનથી જોશો તો અમે આઈ સ્મોલ રાખ્યો છે. કેમ કે આઈ કેપિટલમાં અહમ્ ભાવ રહેલો છે. જ્યારે વ્યક્તિ પોતાનો અહમભાવ મોટો રાખે તો એ આપોઆપ પોતાનું પતન નોંતરે છે. આપણે તો સ્મોલ આઈ સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં છવાઈ જવાનું છે. નાના આઈથી મોટા આઈ (આઈ-ઈન્ડિયા) સુધીની સફરની આ વાત છે. આપણી ઈચ્છાશક્તિ અને દૃઢ નિર્ધાર સાથે નવી દુનિયા અને નવી ઊંચાઈઓને સર કરવાની છે. આજે તમારા સૌ માટે અહીં જેમ ખેતરમાં ખેડ કરવામાં આવે એ જ પ્રકારે તમારા માનસપટલની શુષ્ક ધરા ઉપર વિચારપ્રક્રિયા દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડવાની આ કવાયત છે. કારણ કે ખેતરમાં ખેડ ના થાય તો ગમે તેટલા ખાતર કે ઉત્તમ બિયારણ હોય તેનો કશો જ અર્થ નથી. એ જ પ્રમાણે ઉત્તમ બિલ્ડિંગ અને ઉત્તમ ફેકલ્ટી હોય તો પણ યુવાનોમાં સ્વયં ઈચ્છાશક્તિ અને આપસૂઝ ન હોય તો બધું જ નકામું છે. આ માટે રાજય સરકારે પ્રયાસો કર્યા છે.”
શ્રી નારાયણ મૂર્તિઃ-
વિડિયો કોન્ફરન્સ માધ્યથી સંબોધન કરતાં શ્રી નારાયણ મૂર્તિએ i-create ના સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકેના મુખ્યમંત્રીશ્રીના આમંત્રણનો સ્વીકાર કરતાં આજના વૈશ્વિક સ્પર્ધાના યુગમાં સફળ યુવા ઉઘોગ સાહસિક બનવા માટેના જે ગુણો વિકસાવવા જરૂરી છે તેનું તલસ્પર્શી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી નારાયણ મૂર્તિએ ભારત જે રીતે વૈશ્વિક અર્થતંત્રમાં પ્રભાવક શકિત તરીકે આગળ વધી રહ્યું છે તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મહત્તમ રોજગાર-સર્જન કરીને અને વિશ્વના બજારોમાં પોતાની ઉઘમશીલતાની પહેલ અને સિધ્ધિઓને સર્વસ્વીકૃત બનાવીને જ ભારત જેવા દેશમાંથી ગરીબી દૂર કરી શકાશે.
i-create ની સંકલ્પના સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત અને ગતિશીલ અભિગમને શ્રી નારાયણ મૂર્તિએ અદ્ભૂત ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ સંપાનદ કરીને જ સફળ નેતૃત્વ ગણામાન્ય બને છે.
શ્રી નારાયણ મૂર્તિએ નવોજોશી ઉઘોગ સાહકિસકોને વૈશ્વિક અર્થતંત્ર અને બજારોના બેન્ચમાર્ક કેન્દ્રસ્થાને રાખીને પોતાના ઉત્પાદન-ઉપકરણ અનેનવીનતમ શોધ-સંશોધનને ગુણવત્તાસભર રાખવાની પ્રેરણા પૂરી પાડી હતી.
નિરમા યુનિવર્સિટીના ડિરેકટર જનરલ શ્રી ડો. એન.આર.વસાણીએ i-create ના ઉદ્દેશ અને કાર્યશૈલી તથા તેની વિશેષતાઓની રૂપરેખા આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, હરેક ક્ષેત્રમાં કંઇક આગવું -અનોખું કરવાની હંમેશા પહેલ કરતા રહ્યા છે અને ૩૪ એકર જમીનમાં સ્થપાનારૂ i-create સંકલ, તેના સ્થાપક, તજજ્ઞો અને વરિષ્ઠ સલાહકારોના પરામર્શમાં રહીને સ્વાયત વિશ્વકક્ષાનું ઇનોવેશન માટેનું ઇન્કયુબેટર સેન્ટર બની રહેશે જે દ્વારા ગુજરાત વિશ્વને પથદર્શક બનશે.
મુખ્યમંત્રીશ્રી સચિવશ્રી એ.કે.જોતિએ આવકાર પ્રવચન અને ગુજરાત ખનીજ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેકટર શ્રી વી.એસ.ગઢવીએ આભારદર્શન કયુ હતું.
ઉદ્ધાટન સત્ર પછીના i-create ના પેનલ ડિસ્કશનના ત્રણ સત્રો સંપન્ન થયા હતા અને સમાપન ઉર્જા અને રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે કયુ હતું.
ગુજરાત માટે સેટેલાઈટનો વધુ ઉપયોગ કરવા મોદીનો વડાપ્રધાનને પત્ર
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, “હું તો વડાપ્રધાનશ્રીને અવારનવાર પત્રો લખતો રહેતો હોઉં છું. હું રાજ્યના વડા તરીકે દેશના વડાને પત્ર ના લખું તો કોને લખું.? મેં એમને હમણાં જ પત્ર લખ્યો હતો કે, ગુજરાતના અત્યંત ગતિશીલ વિકાસ માટે સેટેલાઈટનો વધુને વધુ ઉપયોગ કરવા દેવામાં આવે. ગુજરાત માટે સેટેલાઈટનો વધુ વપરાશ ગુજરાતના વિકાસ માટે અને વિકાસકાર્યો માટે ઉપકારક બની રહે એ માટે મેં વડાપ્રધાનશ્રીને વિગતવાર પત્ર લખ્યો હતો.”