વડોદરા, ૨૮ ઓગસ્ટ, (રવિવાર) મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દઢ નિર્ધારપૂર્વક આજે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની સેવા કરવાના એકમાત્ર સંકલ્પ સાથે તેઓ સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્ર સાથે વિકાસયાત્રા અવિરત આગળ ધપાવી રહયા છે. એના કારણે તેમને ગમે એટલું સહન કરવાનું આવે પણ જનતાની એકેએક સમસ્યાનું સમાધાન કરીને ગુજરાતના વિકાસને દુનિયામાં ગૂંજતો કરવો છે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ સ્વર્ણિમ જયંતી યોજના અન્વયે વડોદરાની જનતાને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રૂા. ૪૦.૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે રેલવે ઓવરબિ્રજ જેતલપુર સ્વામિવિવેકાનંદ રેલ્વે ઓવર બ્રીજ અને ફિલ્ડ માર્શલ શામ માણેકશા નવાયાર્ડ ઓવરબિ્રજ સમર્પિત કર્યા હતા. આ ઉપરાંત શહેરની આધુનિક માર્ગ પરિવહન સુવિધાના આયોજનરૂપે અમીતનગર ઊર્મિ સ્કૂલ - સમા અને હરિનગર ગોત્રીના ફલાય ઓવરબિ્રજના તથા સયાજીપુરા ઓવરહેડ પાણીની ટાંકીના કામોના ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા હતા. આમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વડોદરાના નગરજનોને રૂા. ૧૪૦ કરોડની કુલ વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે.
ભૂતકાળના શાસકોમાં વિકાસ કોને કહેવાય તેની કલ્પના જ નહોતી ને સ્સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સગાવાદ હતો એ આખી સ્થિતિ બદલીનાખીને ગુજરાતમાં ૨૧મી સદીનો પ્રથમ આખો દશકો વિકાસથી ધમધમી રહયો છે. એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૧ પહેલા તો શહેરી ગરીબીની સ્થિતિની સમજ જ નહોતી અને શહેરી ગરીબોની આરોગ્યની દુર્દશા વિશે કોઇએ વિચાર્યું હતું પણ નહોતું આ સરકારે અગાઉ આઝાદી પછીના ૫૦ વર્ષોમાં જેટલા આવાસો ગરીબોને નથી મળ્યા એના કરતા પણ વધારે, સવાલાખ પાકા આવાસો શહેરી ગરીબોને આપી દીધા. બીજા ૬૦ હજાર તૈયાર થઇ રહયા છે. શહેરી ગરીબ પરિવારોના યુવાનોને કૌશલ્ય નિર્માણની તાલીમ આપીને સવા લાખ ગરીબ યુવાનોને ઉમ્મિદ કાર્યક્રમ દ્વારા રોજી મેળવતા કરી દીધા, અને આઇટીઆઇમાં તાલીમ મેળવેલા ૧૨૯ યુવાનો તો વિદેશમાં રોજગાર મેળવી સ્થાયી થયા છે. એમ તેમણે જાણાવ્યું હતું.
આજે ગુજરાતના હરેક ખૂણા અને દિશામાં ૨૫ કિ.મી.ના પરીધમાં વિકાસનું કોઇ ને કોઇ કામ ચાલતું હશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આટલા વિકાસ કામોનો ધોધ વહી રહયો છે ત્યારે તેના નાણાં રૂપિયા આવે છે કયાંથી તેની ગામડાનો માનવી પણ સમજે છે કે કટકી કંપની બંધ થઇ ગઇ છે. પણ હું રાજયની તિજોરી ઉપર ચોકીદાર બનીને બેઠો છું અને તેના ઉપર કોઇનો પંજો પડે નહી તેવા દ્દઢ નિર્ધાર સાથે આગળ વધી રહયો છું. સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રોને લઇને નીકળ્યો છું અને ચારે તરફ જય જય ગરવી ગુજરાતનો નાદ દુનિયામાં ગૂંજતો થાય એ દિશામાં આ સરકાર આગળ વધી રહી છે તેની જ કેટલાક ને મોટી મુશ્કેલીઓ છે. પણ આ માટે મને જનતાના આશીર્વાદ મળી રહેવાના છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સાથોસાથ આઠ લાખ હેકટર ખેતી લાયક વાવેતર વિસ્તાર વધારીને દુનિયામાં જોટો નહીં જડે એવો ઉઘોગોની સાથે કૃષિનો વિકાસ કરનારું દુનિયામાં એકમાત્ર ગુજરાત છે. પરંતુ આ ખેડૂતોને વરસાદ ન પડે તેવા દુઃખી જોવાની માનસિકતા ધરાવનારાને જ તકલીફ થવાની છે. પણ આપણે વિકાસ કરીએ, એવા લોકો વિનાશની માળા ભલે જપે.
હિન્દુસ્તાનની સરકાર ગુજરાત સાથે વિકાસને સ્પર્ધા કરવાનો પડકાર ઝીલી લેવા તૈયાર નથી એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જનતાની સેવા કરીને જનતા જનાર્દનનું ઋણ ચૂકવવાનો પણ નિર્ધાર વ્યકત કર્યો હતો.
શહેરી વિકાસમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસના રૂા. ૭૦૦ કરોડના બજેટ ઉપરાંત સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના દ્વારા રૂા. સાત હજાર કરોડ ફાળવીને ગુજરાતના શહેરોને સુવિધાજનક અને ભવ્ય બનાવવાનું આયોજન કર્યું છે. તેમણે સાર્વત્રિક વરસાદથી ગુજરાતના વિકાસને નવો વેગ મળવાનો આનંદ વ્યકત કરવાની સાથે રાજય સરકારના રૂા. ૨૦૦ કરોડના અનુદાનમાંથી વિકાસ કામોના આયોજન અને અમલીકરણ માટે ટીમ વડોદરાને અભિનંદન પાઠવ્યા હતા.
મહાનગર સેવા સદનના મેયર ડૉ. જયોતિ પંડયાએ સ્વાગત કરવાની સાથે અંદાજે રૂા. ૧૩૦ કરોડની કિંમતના થયેલા ને થનારા વિકાસ કામોની રૂપરેખા આપી હતી.
વિકાસના આ લોકોત્સવમાં પ્રવાસન રાજય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા, સાંસદ બાળકૃષ્ણ શુકલ, સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, ઉપેન્દ્રસિંહજી ગોહિલ, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ, શ્રી ભરતભાઇ ડાંગર, નાયબ મેયરશ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટૃ સહિત પદાધિકારીઓ, નગરસેવકો, ભારતના પ્રથમ મહિલા તસ્વીરકાર વયોવૃદ્ધ હોમાઇજી વ્યારાવાલા, અગ્રણીઓ, સેવા સદનના આયુકતશ્રી અશ્વિનીકુમાર, ડીઆરએમશ્રી એ.કે.શ્રીવાસ્તવ, કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાકેશ શંકર તેમજ વિશાળ જનસમુદાય જોડાયો હતો.