મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલનાં સમાજની પ્રાણશકિતરૂપે જીવનદીક્ષા અને જીવનશિક્ષાની કેળવણી ઉપર ભાર મુકયો છે. ઉત્ત્મ શિક્ષકો દ્વારા સમાજમાં સંસ્કાર અને શિક્ષણની સાચી દિશા મળશે એમ તેમણે આજે ગિરનારના સાનિધ્યમાં વિસાવદર તાલુકાનાં ચાંપરડામાં બ્રહ્માનંદ વિદ્યાધામના દશાબ્દિ મહોત્સવમાં વિશેષ અતિથિરૂપે સંબોધતાં જણાવ્યું હતું.
ઉત્ત્મ શિક્ષકોના નિર્માણ માટે ગુજરાતે હિન્દુસ્તાનમાં પહેલ કરીને ટીચર્સ એજયુકેશન યુનિવર્સિટી શરૂ કરી છે. તેવી ભુમિકા તેમણે આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણા દેશમાં પશ્વિમી વિચારોના ઉછેરના કારણે દેશનુ સત્વ-તત્વ શું છે તેના તરફ્ કોઇનું ધ્યાનજ જતુ નથી દરેક ચીજ પશ્વિમી નજરે જોવાની ટેવ પડી ગઇ છે. જેથી સંસ્કૃત સમાજની સાચી ઓળખમાં આપણે ઉણા ઉતર્યા છીએ. વર્ષોની આપણી ઋષી પરંપરાના નીર્માણમાં ઋષી, સંતો, મહંતો, ભગવંતો અને આચાર્યોની ભુમીકા છે. સંત જયાં બેઠા છે તેના આંગણે બીજાની ચિંતાનો જ ભાવ હોય છે. કાઠીયાવાડના ખૂણે ખૂણે સંતો બેઠા છે. સમાજ જીવનમાં પરીવર્તન લાવવુ હશે તો પાયામાં શિક્ષણ અને સંસ્કાર આવશ્યક છે. દરેક મા-બાપ પોતાના દિકરા દિકરીને ડોક્ટર ,એન્જીનીયર કે સારા હોદ્દા માટે સારા સંસ્કારનું સિંચન કરવા ઇચ્છે છે તેમ જણાવ્યું હતું.
સારો શિક્ષક આખા ગામનું જીવન પલટાવી શકે છે. શિક્ષક જીવન દ્યડતરનું પહેલુ પગથીયુ છે.વકીલો ર્ડોક્ટરો તૈયાર કરવા પાંચ સાત વર્ષના અભ્યાસક્રમો છે. તો શિક્ષકો તૈયાર કરવા માટે કેમ નહી તેવો પ્રશ્ન ઉઠાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર ટીચર્સ એજયુકેશન યુનીવર્સીટી શરૂ કરનાર છે. જેમાં ઉત્ત્મ શિક્ષકો તૈયાર થશે.
સંસ્કાર, શિક્ષણ અને જીવનનાં ઉત્ત્મ ગોલ હોય તો જીવનની પ્રગતી કોઇ રોકી શકે નહી. સાધના અને તપશ્યા એ ગુજરાતની મૂડી છે. સાધુ સંતો મહંતોનું સામર્થ્ય ગુજરાતને સાંપડ્યુ છે. ત્યારે આવતી કાલના ગુજરાતને વધુ ગૌરવશાળી અને સંસ્કારી બનાવશે જ તેવી ભાવના વ્યકત કરી વંદન ભાવથી બ્રહ્માનંદ ધામને મુખ્યમંત્રીશ્રીએ શૈક્ષણીક સંકુલને શુભ કામનાઓ પાઠવી હતી.
રાજયસભાના સભ્ય શ્રી પરસોતમ રૂપાલાએ મુક્તાનંદબાપુની સેવાને બીરદાવી તેમણે શિક્ષણની અગ્રતા આપી ગ્રામ્યસ્તરે સેવાની ધૂણી ધખાવી એક ક્રાંતી સર્જી છે તેમ જણાવી બ્રહ્માનંદધામની પ્રવૃતીને પથ દર્શક દર્શાવી હતી.
બ્રહ્માનંદધામના મહંત શ્રી મુકતાનંદ બાપુએ જણાવ્યું હતું કે, મારો મુળ ધ્યેય ધર્મના માધ્યમથી ગ્રામ્ય લોકોનું જીવન સ્તર ઉંચુ આવે તેમજ શિક્ષણ સર્વલક્ષી અને હેતુલક્ષી બને તેમજ હકારાત્મક વિચારધારાથી તંદુરસ્ત સમાજ નિર્માણ થાય તેવા અમારા પ્રયાસો છે. સંસ્થાના ચેરમેન અને જાણીતા શિક્ષણવિદ શ્રી ગીજુભાઇ ભરાડે સ્વાગત પ્રવચન કરી સંસ્થાનો પરિચય અને ઉદેશો સ્પષ્ટ કર્યા હતા. આ પ્રસંગે, કૃષિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, પૂર્વ કેન્દ્રીયમંત્રી શ્રીમતી ભાવનાબેન ચીખલીયા, મહંત ગોપાલાનંદજી, સત્ત્ાધાર મહંતશ્રી જીવરાજ ભગત, બરવાળા મહંતશ્રી વિશ્વાસુ બાપુ, શ્રી અચ્ચુતાબાપુ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી જતીનભાઇ ભરાડે કર્યુ હતું.