ગુજરાત ભાજપની સર્જનાત્મક જાહેરાત નેતૃત્વ વિનાની કોંગ્રેસનું આબેહુબ વિવરણ કરે છે
તમે ક્યારેય એન્જિન વિનાની ટ્રેન વિશે સાંભળ્યુ છે? તો પછી કોઈ સબળ નેતા વિનાની પાર્ટી ગુજરાતને આગળ લઈ જશે એવી કલ્પના કેવી રીતે કરી શકાય? આ જ સવાલ ગુજરાત ભાજપની જાહેરાતમાં કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપે ઘણી સર્જનાત્મક જાહેરાતો તૈયાર કરી છે,જે સીધી અને સ્પષ્ટ રીતે લોકોને ઘણો સૂચક સંદેશ આપે છે. આમાથી એક જાહેરાત કોંગ્રેસમાં નેતૃત્વનાં અભાવ વિશે તીખો કટાક્ષ કરે છે.
કોંગ્રેસની પરિસ્થિતિ દિશાહિન અને નેતૃત્વહિન છે. જ્યારે તેનાથી તદ્દન વિરુધ્ધ સામે ભાજપનાં એક સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સાતત્યપૂર્ણ વિકાસ સાધ્યો છે, રાજ્યમાં સુમેળનું વાતાવરણ ઉભુ થયું છે અને રાજ્યએ વિકાસની નવી ઉંચાઈઓ સિધ્ધ કરી છે. આ બાબતને જાહેરાતમાં બે ટ્રેનનાં માધ્યમથી સુંદર રીતે રજુ કરવામાં આવી છે.
જાહેરાતમાં એક એવી ટ્રેન બતાવવામાં આવી છે જે કાયમી બંધ પડેલી હોય એવી દેખાય છે. તેની અંદરનાં મુસાફરો કંટાળી ગયા છે, તેમનો મિજાજ બગડવા માંડ્યો છે. એક બાળક રોઈ રહ્યુ છે અને તેની માતા તેને શાંત પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. ટ્રેનની અંદર અને બહારની દિવાલો પર ‘ભ્રષ્ટાચાર’, ‘મોંઘવારી’, ‘કૌભાંડો’ વગેરે જેવી બાબતો જોઈ શકાય છે.
અચાનક બધાનું ધ્યાન અન્ય એક ટ્રેનનાં અવાજ ઉપર જાય છે જે પુર ઝડપથી ચાલી રહી છે. મોટેરાઓથી લઈને રડતા બાળક સુધી સૌનું ધ્યાન તરત તેની તરફ ખેંચાય છે, બધા એ ટ્રેન સામે દેખતા રહી જાય છે.
એ ટ્રેન પસાર થયા બાદ સ્થિતિ ફરી પહેલા જેવી થઈ જાય છે. એ જ નિરાશા ફરી વ્યાપી જાય છે. ટ્રેન જોઈને જે બાળક ચકિત થઈ ગયું હતું ફરી રડવા લાગે છે. ત્યારે એ બાળકનો મોટો ભાઈ પૂછે છે, “મમ્મી આપણી ટ્રેન ક્યારે ઉપડશે?”, આ સવાલનો જવાબ કોઈની પાસે નથી.
પછી બતાવવામાં આવે છે કે એ ટ્રેનને એન્જિન જ નથી. અને એન્જિન વિના ટ્રેન કેવી રીતે ચાલી શકે?
બે વિરોધી દિશા, બે વિરોધી અભિગમ
જાહેરાત શું બતાવવા માંગે છે એ સાવ સ્પષ્ટ છે. એક બાજુ આપણા દેશની ટ્રેન છે જેને નેતા, નીતિ અને નિયત વિનાની પાર્ટી ચલાવી રહી છે અને આ ટ્રેન હજી પ્લેટફોર્મ ઉપરથી આગળ વધી નથી. આપણને સાંભળવા મળે છે તો બસ કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મોંઘવારીની વાતો. આ ટ્રેનનાં મુસાફરોની સ્થિતિ ઘણી ખરાબ છે, તેઓ દુ:ખી છે.
જ્યારે બીજી બાજુ, ગુજરાતની વિકાસરૂપી ટ્રેન પુર ઝડપથી આગળને આગળ વધી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નાં મંત્ર દ્વારા સમાજનાં દરેક વર્ગનાં લોકો આ ટ્રેનમાં સાથે આગળ વધી રહ્યા છે.
આમ, ગુજરાતનાં લોકો માટે પસંદગી બિલકુલ આસાન છે. શું આપણે એક દિશાહિન અને નેતૃત્વહિન પાર્ટી જોઈએ છે કે જેની પાસે કોઈ જ વિઝન નથી અને જે ગુજરાતને બે દાયકા પાછળ ધકેલી દેશે, કે આપણે એક દુરંદેશી, ડાયનેમિક અને વાઈબ્રન્ટ નેતા જોઈએ છે?
શું આપણે કેન્દ્રનાં કૌભાંડો અને મોંઘવારીની દિશા પકડવી છે કે પછી ગુજરાતની દિશા પકડવી છે કે જેમાં કોઈનું તુષ્ટિકરણ કર્યા વિના સૌના વિકાસની ફિકર કરવામાં આવે છે.
જવાબ આસાન છે. એકમત ગુજરાત, બને ભાજપ સરકાર!