મિત્રો,
આપણે સહુ જાણીએ છીએ કે રાષ્ટ્રના ઉજજવળ ભવિષ્યનો પાયો ઉત્તમ શિક્ષણમાં રહેલ છે. આવતી કાલના ગુજરાતને ઘડવા માટે શિક્ષણની ‘આજ’ મહત્વની છે. સરકારો ભલે શાળાઓ બનાવતી હશે, પરંતુ ભવિષ્ય તો શાળાઓ જ બનાવી શકે.
ગુજરાતની આવતી કાલ ઘડવાની અત્યંત મહત્વની જવાબદારી શાળાઓ પાસે છે. એકવીસમી સદીનો આ પ્રથમ દશકો શિક્ષણમાં તેમાંય પ્રાથમિક શિક્ષણ માટે મહત્વનો રહ્યો. શિક્ષકોની ભરતી હોય, શાળાના ઓરડાઓનું નિર્માણ હોય, કોમ્પ્યુટર લેબ હોય, શાળાકીય સુવિધાઓ હોય, બાળકોની શાળામાં ભરતી હોય કે ડ્રોપ આઉટમાં ઘટાડો કરવાનું અભિયાન હોય.. આ બધી બાબતોમાં અભૂતપૂર્વ સિદ્ધિ મળી છે. પરંતુ આટલેથી કામ પૂર્ણ થતું નથી.
શિક્ષણનો આત્મા તો છે ગુણવત્તાસભર શિક્ષણ.. અને તેથી જ રાજય સરકારે ગુણોત્સવનું અભિયાન હાથ ધર્યું છે. આ પ્રયાસ શિક્ષકો અને શિક્ષણ વિભાગના ભરોસે પણ કરી શકાય, પરંતુ સમગ્ર બાબતે રાજયની ઉચ્ચ પ્રાથમિકતાનો અહેસાસ થાય તેમજ આ અવસરને શિક્ષણ જગતના સહુને માટે પ્રતિષ્ઠાભર્યાં બને તે હેતુથી રાજયની પૂરી શકિત તેમાં કામે લગાડી છે. મુખ્યમંત્રી હોય કે મુખ્ય સચિવ, સરકારના પ્રથમ અને બીજા વર્ગના ૩૦૦૦ કરતાં વધુ અધિકારીઓ ગુજરાતની પ્રાથમિક શાળાઓ ખૂંદી વળશે. અનેક પાસાંઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
હું એવું માનું છું કે, કુમળી કળી જેવા જે બાળકને ખીલવાની તક નથી મળી તે પણ અન્ય બાળકોથી જરા પણ ઉતરતી કક્ષામાં નથી. પ્રભુએ એનામાં પૂરતી ક્ષમતા અને શકિત મૂકેલ છે. જરૂરિયાત છે, એ ગુણોને પોષવાની. એક કુશળ બાગવાન માળી જે આવા છોડવાનું કાળજીપૂર્વક સંવર્ધન કરે. એેનું એવું માર્ગદર્શન કરે કે, આગળના માર્ગમાં એ કયાંય ભૂલુ ન પડે કે ભટકી ન જાય. આ માટે જરૂર છે શિક્ષણનો એવો માહોલ રચવાની જેમાં શિક્ષકમાં એવી સંવેદના જાગે જેવી એક ફુલવાડીના બાગબાનમાં હોય.
શિક્ષકોને જૂની ઘરેડ અને પુરાણા વિચારોમાંથી બહાર કાઢવાનું પ્રેરક કાર્ય કરવાનું છે. આપણો આ ગુણોત્સવ આ પ્રકારના શિક્ષણસવર્ધક વાતાવરણના નિર્માણ માટે છે. ગુણોત્સવ આવું એક વિશેષ અભિયાન છે. કંઇક વધુ સારુ થાય એવી પ્રેરણા આપનારું બને. તમે જોયું હશે કે કેમેરાનો ફોકસ સામે આવે ત્યારે આપણે સારી છબી આવે એ માટે કેવા સચેત બની જઇએ છીએ ? કેમેરા કંઇ તમારું મૂલ્યાંકન નથી કરવાનો, છતાં તમારામાં પડેલા સર્વોત્તમને દર્શાવવા માટે તમે કેમેરા સામે સજજ થઇ જાવ છો કે નહીં ? એવું જ કંઇક છે આ ગુણોત્સવનું !! એનો ઉદેશ્ય એ જ છે કે, શિક્ષકોમાં, વિદ્યાર્થીઓમાં જે કંઇ ઉત્તમ છે અને રાજયની શિક્ષણ પદ્ધતિમાં ઉત્તમોત્તમ આપી શકવાની ક્ષમતા છે, તેને બહાર લાવવી બસ. આ એક આગળ ડગલું છે, જેને અનુસરીને આગળ વધવુ છે.
મિત્રો, ગત વર્ષોનાં ગુણોત્સવે આપણને કેટલાક પ્રોત્સાહક પરિણામો આપ્યાં છે. ઉત્સાહિત થવાય તેવું એક નાનકડું ઉદાહરણ આપને ધ્યાને રાખું છું. મિત્રો, ગયા વખતના ગુણોત્સવનાં પરિણામો ખૂબજ ઉત્સાહર્ધક રહ્યાં છે. એક નાનકડું ઉદાહરણ આપના ધ્યાને મૂકું છું. ગયા ગુણોત્સવમાં ૧૨ લાખ બાળકો તદૂન નબળા જણાયાં હતાં. શિક્ષક મિત્રોએ ત્રણ મહિના સુધી વધારાનો સમય ફાળવી ‘ઉપચાર વર્ગો’ લીધા. ત્યારબાદ યુનિસેફ દ્વારા આ બાળકોનું ફરીથી મૂલ્યાંકન કર્યું તો ૮૫% બાળકો ખૂબ સારી સ્થિતિએ પહોંચી ગયાં. આવાં તો અનેક ઉદાહરણો છે.
આવો આપણે બધા ગુણોત્સવમાં ભાગીદાર બનીએ. વાલી તરીકે થોડોક સમય આપણા બાળકના વિકાસ માટે આપીએ. મિત્રો, હવે સમય ટીચીંગને બદલે લર્નિંગનો છે..
આ સંદર્ભમાં અહીં એક નાનકડી વિડિયો કલીપ નિહાળી જોજો..
મારી જેમ તમને પણ ગમશે.....
આપનો,