મુખ્યમંત્રીશ્રીએ શ્રમ અને રોજગાર વિભાગને યુવાનોનાં કૌશલ્યવર્ધન માટેની અનોખી સિધ્ધી બદલ અભિનંદન પાઠવ્યા
રાજ્યનાં ૩૩૫ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં ૪,૮૨,૩૩૪ મહિલાઓ સહિત કુલ ૮,૦૭,૬૯૯ ગ્રામીણ યુવાનોને તાલીમ આપવામાં આવી
રાજ્યની યુવાશક્તિને હુન્નર-કૌશલ્યમાં પારંગત કરીને તેમના સશક્તિકરણ માટેનાં ગુજરાતનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Òકૌશલ્ય વર્ધન કેન્દ્રÓ (કેવીકે)ને વડાપ્રધાનનો વર્ષ ૨૦૧૧-૧૨ માટેનો Òએક્સેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશનÓ (શ્રેષ્ઠ જાહેર વહીવટ) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતનાં રોજગાર અને તાલીમ વિભાગનાં નિયામક સુશ્રી સોનલ મિશ્રાએ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘનાં હસ્તે નવી દિલ્હી ખાતે સિવિલ સર્વિસ ડે નાં અવસરે આ એવોર્ડ ગ્રહણ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમ અને રોજગાર વિભાગને યુવાનોનાં કૌશલ્ય વર્ધન માટેની આ અનોખી સિધ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતા.ÒકેવીકેÓ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ યુવાનો અને તરુણીઓ તથા ગૃહિણીઓને રોજગારલક્ષી હુન્નર-કૌશલ્યની તાલીમ પુરી પાડવાનો છે. મહિલાઓને તેમની પસંદગીના હુન્નર અંગેની તાલીમ તેમના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે. પરિણામે આવી તાલીમ લેનાર યુવાનો અને મહિલાઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ઓગષ્ટ ૨૦૧૦ માં આ પ્રોજેક્ટનો પ્રારંભ થયા બાદ માર્ચ ૨૦૧૩ સુધીમાં રાજ્યનાં ૩૩૫ જેટલા કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં કુલ ૮,૦૭,૬૯૯ ગ્રામીણ યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેમાં મહિલા તાલીમીઓની સંખ્યા ૪,૮૨,૩૩૪ છે.
કૌશલ્ય વર્ધન કેન્દ્રોનાં અભ્યાસક્રમો ગ્રામીણ યુવાનોની ક્ષમતાઓ અને જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રોની સફળતાને પગલે હવે વિવિધ કૌશલ્ય-હુન્નર અંગેની તાલીમ મેળવવા બાબતે શહેરો અને ગામડાઓ વચ્ચે મોટો તફાવત રહ્યો નથી. ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક તાલીમ અને હુન્નર-કૌશલ્યનાં શિક્ષણની સુવિધા મળી રહેવાથી ગ્રામીણ લોકોનાં જીવનધોરણમાં મોટો સુધાર આવ્યો છે.
ગુજરાત સરકાર વતી આ એવોર્ડ ગ્રહણ કરતા સુશ્રી સોનલ મિશ્રાએ જણાવ્યું હતું કે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના અંગેનો વિચાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શનમાં વર્ષ ૨૦૦૯ની ચિંતન શિબિર દરમ્યાન રજુ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦-૧૧ માં પ્રથમ ચરણમાં ૧૫૦ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા અને બીજા ચરણમાં અન્ય ૧૫૦ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ૩૦ જેટલા નવા કૌશલ્ય વર્ધન કેન્દ્રો આદિજાતિ વિસ્તારોમાં અને પાંચ નવા કેન્દ્રો વિકલાંગ લોકો માટે સ્થાપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
ગ્રામીણ યુવાનો સ્વરોજગાર દ્વારા આર્થિક ઉન્નતિ કરે અને તેમને સ્થાનિક વિસ્તારોમાં જ રોજગારીની તકો મળી રહે તેવા ઉદ્દેશ્યથી તાલીમ અભ્યાસક્રમોની રચના કરવામાં આવી છે. આ કેન્દ્રો ગામ અને તાલુકા પંચાયતના ભવનોમાં તથા ડીટીએચની સુવિધા ધરાવતી અન્ય જગ્યાઓએ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમોની રચના ‘WISH’ ની પરિકલ્પના (W - વુમેન ઓરિએન્ટેડ કોર્સીસ, I - ઈન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ કોર્સીસ, S - સોફ્ટ સ્કીલ ઓરિએન્ટેડ કોર્સીસ અને H - હાર્ડકોર ટ્રેડીશનલ કોર્સીસ) અનુસાર કરવામાં આવી છે.
આ યોજનાનાં અમલીકરણ માટે રાજ્ય કક્ષાની આઈટીઆઈને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને આઈટીઆઈનાં વડા આ કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપનાથી લઈને તેની તાલીમ પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખે છે. ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ દ્વારા તાલીમ-પ્રાપ્ત યુવાનોને સર્ટિફિકેટ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, બીપીએલ, મહિલા અને વિકલાંગ ઉમેદવારોને નિશુલ્ક તાલીમ જ્યારે સામાન્ય વર્ગનાં ઉમેદવારો માટે રૂપિયા ૫૦ ની નજીવી ફી રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં કેવીકે માટે રૂપિયા ૧૮૬ કરોડની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી છે.