મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં આકાર લઇ રહેલા મહાત્મા મંદિરના પાયામાં ઐતિહાસિક સ્મૃતિ મંજૂષા-કાળસંદૂકનું સ્થાપન કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે વિશ્વમાનવ મહાત્મા ગાંધીજીના જીવનમાંથી યુગોપર્યંત પ્રેરણા મળતી રહે એવા ઇતિહાસની મજબૂત નીંવ અહી ઉતારવામાં આવી છે.
મહાત્મા મંદિરના નિર્માણમાં ગુજરાતના ગામેગામ, નગરો અને મહાનગરો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો અને દુનિયાના દેશોની ધરતીની માટીની મહેંક અને જળના અભિષેક સાથેના કળશ પણ પધરાવવામાં આવ્યા છે. સ્મૃતિમંજૂષાની ટાઇમ કેપ્સુલ ધરતીના પેટાળમાં ઉતારવાની વિધિ મુખ્યમંત્રીશ્રીએ સંપૂર્ણ શાસ્ત્રોકત વેદઋચાના ગાન સાથે સંપન્ન કરી હતી.
તેમણે જણાવ્યું કે ઇન્દ્રદેવતાના આજે અમી છાંટણા થઇ રહ્યા છે ત્યારે ગુજરાતની સ્વર્ણિમ આવતીકાલના નિર્માણમાં મહાત્મા મંદિર એક વિશ્વવન્દનીય વિભૂતિના પરિપ્રેક્ષ્યમાં બનવાનું છે. ઇતિહાસની રચના શાસક નહીં પરંતુ સમાજશકિત કરે છે એવો અજોડ અને ઐતિહાસિક આ અવસર છે એમ તેમણે જણાવ્યું હતું.
ગાંધીનગરની ગુજરાતની રાજધાનીની આ ધરતીએ મહાત્મા મંદિરનું નિર્માણ સમાજશકિતના જળ-માટીના યોગદાનથી કરીને આવનારી પેઢીઓને એવો સંદેશ આપ્યો છે જે ગાંધીજીના સપનાને સામાન્ય માનવીના આશા-અરમાનોને મૂર્તિમંત કરવાનું પ્રેરણા કેન્દ્ર બની રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ મહાત્મા મંદિરનું એવા સ્થાને નિર્માણ થવાનું છે જેની સીધી રેખામાં શાસકો અને પ્રશાસકોની નિરંતર નજર રહેવાની છે જેમાં મહાત્મા ગાંધીજીની પ્રેરણા મળતી રહેશે.
મહાત્મા મંદિરના પાયામાં સ્મૃતિમંજૂષા મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉતારવામાં આવી ત્યારે સમગ્ર મંત્રીમંડળ, સંસદસભ્યો, ધારાસભ્યો, જનપ્રતિનિધિશ્રીઓ, સામાજિક આગેવાનો અને સરપંચો સહિત નગર/મહાનગરોના મેયરો પદાધિકારીઓ અને નાગરિકોના વિશાળ સમૂદાયે હાજરી આપી હતી.
આજે બપોરે ૧ર.૧૯ મિનિટે ૯૦ કિલોગ્રામ વજનની ઉચ્ચ કવોલિટીના સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલી ૬ ફૂટ લાંબી ટાઇમ કેપ્સ્યુઅલ મહાત્મા મંદિરના પાયામાં ધરતીના પેટાળમાં ઉતારી હતી.
આ ટાઇમ ટેપ્સ્યુઅલમાં મહાત્મા મંદિરની પરિકલ્પના, પાયામાં સિંચાયેલા પવિત્ર જળ-માટીના કુંભ લાવનારાઓના નામ, સ્વર્ણિમ ગુજરાત મહોત્સવની ઊજવણીની તવારીખ, ૧લી મે,૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના વખતે પૂ.શ્રી રવિશંકર મહારાજે કરેલું અક્ષરશઃ પ્રવચન, ૧લી જાન્યુઆરી-ર૦૧૦ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહના વિશેષ સત્રમાં પસાર કરાયેલો પ્રસ્તાવ ઉપરાંત સ્વર્ણિમ ગુજરાત ઉજવણીના કાર્યક્રમોની સી.ડી. સહિતનું સાહિત્ય ગુજરાતી સહિત હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતિ ભાષામાં લખીને મૂકવામાં આવ્યું છે.
વેદ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોકત વિધિથી પૃથ્વીના પેટાળમાં પધરાવાયેલી ૧ ફૂટની ગોળાઇ અને ૬ ફૂટની લંબાઇ ધરાવતી સ્ટેનલેસ સ્ટીલની ટાઇમ કેપ્સ્યુઅલમાં ર૯ જેટલી સી.ડી. ઉપરાંત ૩ ફૂટ પહોળા અને ૧૦૦ ફૂટ લાંબા સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાયેલા વિશિષ્ટ પત્ર પર વિગતો લખીને મુકવામાં આવી છે. આવનારા ૧૦૦૦ વર્ષ સુધી આ ટાઇમ કેપ્સ્યુલને કોઇ નુકશાન ન થાય એવું સારામાં સારી ગુણવત્તાવાળું સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવ્યું છે.