મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ ગુજરાત રક્ષાશક્તિ ઉત્સવનું શાનદાર સમાપન કરતાં આજે આણંદમાં જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બની ગયું છે. માત્ર સમાજની સુરક્ષા ભૌતિક દ્રષ્ટિએ જ નહીં, સામાજિક સુરક્ષા અને આર્થિક સુરક્ષિતતાના ક્ષેત્રોમાં દેશને અનેક દિશાદર્શક સફળ આયામો આપ્યા છે.
‘‘ગુજરાત પાસે જે અપાર શક્તિ અને સપના છે તેને જોડીને આપણે હરેક ક્ષેત્રમાં ગુજરાતની શક્તિ અને સામર્થ્યના દર્શન દુનિયાને કરાવીએ'' એવું પ્રેરક આહ્વાન તેમણે કર્યું હતું.
ગુજરાતની પ0 વર્ષની સ્વર્ણિમ વિકાસયાત્રાની ઉજવણીના સમાપન અવસરના ભાગરૂપે પંચામૃત શક્તિ આધારિત સ્વર્ણિમ ગુજરાત રક્ષાશક્તિ મહોત્સવ આજે આણંદમાં યોજાયો હતો. અમદાવાદ, ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાઓમાંથી રક્ષાશક્તિના આન, બાન, શાનની પ્રતીતિ કરાવતી વિરાટ માનવશક્તિનું દર્શન આ ઉત્સવમાં થયું હતું.
આ ઉત્સવમાં રક્ષાશક્તિના અદ્દભુત અને રોમાંચક નિદર્શનો નિહાળીને અત્યંત પ્રભાવિત બનેલી વિરાટ માનવશક્તિને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતની આવતીકાલની, હરેક ક્ષેત્રમાં શક્તિ અને સામર્થ્યના દર્શન કરાવીને, દુનિયામાં નવી ઓળખ આપવી છે.
ગુજરાતની સ્વર્ણિમ જયંતિનું વર્ષ હિન્દુસ્તાનના રાજ્યોના ઇતિહાસમાં જે રીતે છ કરોડ નાગરિકોની ભાગીદારી સુનિヘતિ બનાવીને આવતીકાલની લક્ષિત મંઝીલ સુધી પુરૂષાર્થપૂર્વક પહોંચવાનો આ અવસરરૂપે ઐતિહાસિક સિદ્ધિઓનું વિક્રમજનક વર્ષ બની ગયું છે. સમગ્ર સરકારી વહીવટીતંત્રએ પૂરી તાકાત કામે લગાડીને 36પ દિવસમાં જનસેવાના લક્ષ્યાંકો પાર પાડવા એડીચોટીનું જોર લગાવ્યું છે. આનો લાભ આગામી પચાસ વર્ષ સુધી ગુજરાતને મળવાનો છે એમ તેમણે પંચશક્તિ આધારિત પાંચ પ્રાદેશિક ઉત્સવોની ભૂમિકા આપી હતી.જીવનરક્ષાના પ્રત્યેક ક્ષેત્રોમાં આ ગુજરાત સરકારે દેશને નવા રક્ષાશક્તિના પ્રયોગો આપ્યા છે. આરોગ્ય રક્ષાશક્તિના નવા આયામરૂપે કુપોષણ સામે બાલભોગ યોજનાનો જંગ છેડીને સગર્ભા માતા અને ગર્ભસ્થ શિશુની જીવનરક્ષા કરી છે. ચિરંજીવી યોજના દ્વારા ગરીબ માતા અને નવજાત શિશુ માટે સુરક્ષિત પ્રસુતિની રક્ષાશક્તિ પૂરી પાડી છે અને હજારો માતા-શિશુની જીંદગી બચાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
દુનિયાના સમૃદ્ધ અને વિકસીત દેશો પાસે છે, તેવા આપત્તિ વ્યવસ્થાપનના અતિઆધુનિક સંશાધનો સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને અબજો રૂપિયા ખર્ચીને આપ્યા છે, તેના ઉપયોગ માટે પ્રશિક્ષણ કરાવ્યું છે અને ઔદ્યોગિક ક્ષેત્રે સુરક્ષા માટે પણ અનેક પગલાં લીધાં છે.
તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશ છેલ્લા ચાર વર્ષથી સુરક્ષા ક્ષેત્રે જે યાતનાઓ ભોગવી રહ્યો છે તેવા સમયે ગુજરાતના સુરક્ષાદળોના જવાનોએ સેવા, સમર્પણ, ત્યાગ, બલિદાનના ઉચ્ચ આદર્શો પ્રસ્થાપિત કરીને સમગ્ર દેશને નવો રાહ બતાવ્યો છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં લગભગ પ1ર કિ.મી. જેટલી પાકિસ્તાનની સરહદી બોર્ડર લાગે છે ત્યાં પણ આપણા જવાનો ઉમદા કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ જવાનોને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રના 3પ રાજ્યો પૈકી માત્ર મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊંટ ઉપર સવારી કરી તેઓને મળ્યા હતા. કારગીલ વિજય બાદ 18 હજાર ફૂટ ઊંચાઇ પર વિજય પતાકા લહેરાવનાર જવાનોને પણ મુખ્ય મંત્રીશ્રીએ રૂબરૂ મળી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અંતર્ગત યોજાયેલ સ્વર્ણિમ ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા ખંભાતની શેખ રૂકસાનાબાનુને પ્રથમ ઇનામ પેટે રૂા. 10 હજાર, ઉમરેઠની કુ. સ્નેહા ચૌહાણને રૂા. 1પ,000, શ્રી દર્શન ભટ્ટને રૂા. 10,000 તથા વેબસાઇટ-પેમ્ફલેટની સ્પર્ધામાં ડી.ડી.આઇ.ટી.ની બે ટીમોને રૂા. 1પ,000ના રોકડ પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
પોલીસ તથા સુરક્ષાદળના જવાનોએ હેરતઅંગેઝ મોટરબાઇકના, આકર્ષક પી.ટી. તથા અંગ કસરતના દિલધડક નિદર્શન કર્યા હતા. અશ્વદળના પ્રયોગોએ જાહેર જનતાના મનમોહી લીધા હતા.
અંતમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે માર્ગ-મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, યોગેશ પટેલ, મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઇ, નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિત, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી બલવંતસિંઘ, કલેકટર શ્રીમતી અવંતિકાસિંહ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.