૬૬મા આઝાદી પર્વની ઉજવણી
સોમનાથઃ સાગરખેડૂ સંમેલન
સોમનાથઃ સાગરખેડૂઓનો વિરાટ માનવસાગર છલકાયો
શ્રાવણી સોમવારના પવિત્ર પર્વમાં ભગવાન સોમનાથના ભક્તિભાવથી પૂજા-દર્શન કરી સાગરખેડૂ સમાજની
શક્તિનું અભિવાદન કરતા નરેન્દ્રભાઈ મોદી
સાગરખેડૂ સમાજોના વિકાસ અને સશક્તિકરણ માટે મહત્વની જાહેરાતો કરતા મુખ્ય મંત્રીશ્રી
નવો જિલ્લો રચાશેઃ ગીર-સોમનાથ જિલ્લો
રૂા. ર૦૦ કરોડની માછીમારોની બોટ માટે ડીઝલ સબસીડી
પાક જેલોમાં ગુજરાતના માછીમાર કેદીઓના કુટુંબોને હવે મળશે રૂા. પ૦ ને બદલે ત્રણ ગણું રૂા. ૧પ૦નું દૈનિક ભથ્થું
નવું સૂત્રાપાડા ફીશરીઝ પોર્ટ બનશે
માછીમાર મહિલાઓ માટે સી-વિડ પ્રોજેકટ
કોંગ્રેસ સરકારોમાં ગુજરાતનો દરિયાકાંઠો દાણચોરોનો સ્વર્ગ-અડ્ડો બની ગયેલો- અમે દશ વર્ષમાં ગુજરાતના
સમુદ્રકાંઠાને હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યો છે
જહાજવાડા-વહાણવટાના ઉઘોગોથી ગુજરાતનો સમુદ્રકાંઠો ધમધમશે
સૌરાષ્ટ્રના સાગરકાંઠે
વેરાવળ મત્સ્યબંદર ફેઇઝ-ર
માંગરોળ ફેઇઝ થ્રી
પોરબંદર મત્સ્ય બંદર-ર
જાફરાબાદ-ઓખા-ભડેલી મત્સ્ય બંદરોના વિકાસ મંજૂર
ગાંધીનગરઃ સોમવારઃ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સોમનાથમાં વિરાટ સાગરખેડૂ સંમેલનમાં સાગરકાંઠે વસતા ૬૦ લાખ સાગરખેડૂ પરિવારોના સર્વાંગી સશક્તિકરણ અને વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી હતી. જે આ પ્રમાણે છે. સોમનાથ સાગરખેડૂ સંમેલનમાં મુખ્ય મંત્રીશ્રીએ કરેલી મહત્વની જાહેરાતોમાં ગીર-સોમનાથ નવો જિલ્લો પ્રમુખ છે તે સાથે માછીમારોની યાંત્રિક બોટોમાં વપરાતા ડીઝલ ઉપર વેટની સબસીડી વર્ષે રૂા. ર૦૦ કરોડ ચુકવશે. ૧૧,૦૦૦ બોટો માટે રૂા. ર૦૦ કરોડની માછીમારોને ડીઝલ સબસીડીરૂપે રાહત રાજ્ય સરકાર સંપૂર્ણ બોજ ઉઠાવશે, તે પણ મહત્વની છે.ઉપરાંત પાકિસ્તાની જેલમાં કેદી તરીકે પકડાતા ગુજરાતના માછીમારોના કુટુંબને હાલ મળતા દૈનિક નિર્વાહ ભથ્થાની રૂા. પ૦ની રકમ ત્રણ ગણી વધારીને દૈનિક રૂા. ૧પ૦નું ભથ્થુ ચુકવાશે તથા સાગરખેડૂ માછીમાર કુટુંબોની બહેનો-માતાઓને પણ આર્થિક ઉપાર્જન પ્રવૃત્ત્િામાં જોડવા માટે મિશન મંગલમ્ પ્રોજેકટ હેઠળ સી-વિડ માં જોડાશે. આ માટે સાગરખેડૂ મહિલાઓના સખીમંડળો પ૦૦૦ જેટલા બનાવાશે. સી-વિડ માટે આ સખીમંડળોને તાલીમ અપાશે. બેન્ક લિન્કેજની વ્યવસ્થા કરાશે.
મત્સ્યોઘોગ વિકાસ માટે નવું સુત્રાપાડા ફિશરીઝ હાર્બર પોર્ટનું નિર્માણ થશે અને ગુજરાત સરકારના મરીન પોલીસ ફોર્સની ભરતી માટે સાગરખેડૂ નવજવાનોને તાલીમ સુવિધા આપી ભરતીમાં અગ્રીમતા અપાશે. જે સાગર ખેડૂઓએ ગગનભેદી નારા સાથે વધાવી હતી.
પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ઐતિહાસિક સોમનાથ તીર્થમાં આ સાગરખેડૂ સંમેલનમાં વિરાટ માનવસાગર ઉમટયો હતો. ભગવાન સોમનાથના દર્શન કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સાગરખેડૂ મહેરામણની શક્તિનું અભિવાદન કર્યું હતું. સાગરખેડૂ યોજના અંતર્ગત વિવિધ સાધન સહાયનું વિતરણ તેમણે કર્યું હતું. દશ વર્ષ પહેલાં ગુજરાતનો દરિયાકાંઠો કોંગ્રેસ સરકારોના શાસનમાં દાણચોરોનું સ્વર્ગ બનાવી દીધેલો જયારે અમે દશ વર્ષમાં ગુજરાતના સાગરકિનારાને હિન્દુસ્તાનની સમૃદ્ધિનું ભાગ્ય પ્રવેશદ્વાર બનાવી દીધો છે. વિકાસ કોને કહેવાય એની સાગરકાંઠે વસતા સાગરખેડૂ સમાજોને અનુભૂતિ થઇ છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સાગરખેડૂ માછીમારો અંગે કેન્દ્રની સરકારની નબળી દુર્બળ માનસિકતાની આકરી ટીકા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતમાં આતંકવાદીઓ સામે લડવાની કે પાકિસ્તાનના આતંકવાદી આકા કે કસાબને સજા ફરમાવી શકતી નથી પરંતુ આ દેશના ગુજરાતના માછીમારોને પાકિસ્તાન જેલમાં કેદી બનાવે છે તેને છોડાવવાની કે તેમની બોટ પાકિસ્તાનથી પાછી લાવવાની કેન્દ્ર સરકારની કોઇ જ તાકાત નથી ત્યારે ગુજરાત સરકાર આ સાગરખેડૂ સમાજોની પડખે ઉભી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.ગુજરાત સરકારે ૧૩ સાગરકાંઠાના જિલ્લાઓના ૩૦૦૦ ગામોમાં ૬૦ લાખ સાગરખેડૂ સમાજો માટે પહેલા પાંચ વર્ષમાં રૂા. ૧૧,૦૦૦ કરોડની સાગરખેડૂ વિકાસ યોજના પૂરી કરી અને હવે રૂા. ર૧,૦૦૦ કરોડની બીજી મોટી સાગરખેડૂ યોજના શરૂ કરી દીધી છે.સમુદ્રતટના ગામો માટે આ યોજના અંતર્ગત નર્મદાનું પીવાનું પાણી પહોંચાડયું છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ સાગરખેડૂ સમાજોના જીવનમાં આર્થિક-સામાજિક પરિવર્તન આવે તેવી નેમ સાથે સાગરખેડૂ સમાજના સામર્થ્ય માટેની જાહેરાતોની ભૂમિકા આપી હતી.
જહાજવાડા-વહાણવટાના ઉઘોગોથી ગુજરાતના સાગરકાંઠાની જાહોજલાલી લાવવાની નેમ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સાગરખેડૂ પરિવારોની માતાઓ-બહેનો માટે પ૦૦૦ સખીમંડળો રચીને સમુદ્રમાં ખારાપાટમાં સી-વિડની ખેતીનો આર્થિક નવો પ્રોજેકટ હાથ ધરાશે. મિશન મંગલમ્ યોજના હેઠળ આ સી-વિડની ખેતી માટે સાગરખેડૂ બહેનોને તાલીમ અપાશે. માત્ર ગુજરાતના માછીમારોના ગરીબ કુટુંબોને મળતા કેરોસીનના જથ્થામાંથી કેન્દ્ર સરકારે ૩૦ ટકા ધટાડો કરી દીધો એની આકરી ટીકા કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ડીઝલની સબસીડી ગુજરાત સરકારે રૂા. ર૦૦ કરોડ આપવાનું નક્કી કર્યું છે.
ગુજરાત મરીન પોલીસદળમાં સાગરખેડૂ જવાનો મોટાપાયે ભરતી થઇ શકે અને દરિયાઇ સુરક્ષા દ્વારા હિન્દુસ્તાનની સુરક્ષા માટે તાલીમબદ્ધ રહે તે માટે મરીન પોલીસ ભરતીમાં પ્રાથમિકતા અપાશે.જૂનાગઢ જિલ્લાના વેરાવળ-કોડીનાર-ઉના નગરો માટે ભૂગર્ભ ગટર યોજના અને પાણી પુરવઠા યોજનાના ભૂમિપૂજનોના ચાર પ્રોજેકટ માટે રૂા. રર૮ કરોડના ખર્ચે કરવામાં આવ્યા હતા.
મુખ્ય સચિવના નેતૃત્વમાં નવા ગીર-સોમનાથ જિલ્લાની રચના માટે ઉચ્ચ સમિતિ રચાશે અને ર૬મી જાન્યુઆરી, ર૦૧૩માં નવો જિલ્લો કાર્યરત થશે. સોમનાથ અને સમુદ્રકાંઠાની સાંસ્કૃતિક અસ્મિતાની જાહોજલાલીથી પણ વધુ ભવ્ય સાગરકિનારાનો વિકાસ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
૬૬મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવી રહી છે જે અંતર્ગત સાગરખેડૂ સર્વાંગી વિકાસ માટે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ ગ્રાઉન્ડ ખાતે સાગરખેડૂ સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્ય મંત્રીશ્રીએ રૂા. ર૪૪ કરોડના વિકાસ કામો વેરાવળ, ઉના અને સુત્રાપાડાના પ્રજાજનોને અર્પણ કર્યા હતા.
વિવિધ માછીમારી સમાજ દ્વારા મુખ્ય મંત્રીશ્રીનું વહાણની પ્રતિકૃતિ આપીને સન્માન થયું હતું. ખારવા સમાજ દ્વારા રૂા. ર લાખ પ૧ હજારનો ચેક તથા બોટ એસોસિયેશન દ્વારા રૂા. 1 લાખ ૧૧ હજારનો ચેક કન્યા કેળવણી માટે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરાયો હતો.
માછીમારી જૂથ વિમા યોજના અન્વયે દેવીબેન, ક્રિષ્નાબહેન અને રીટાબહેનને રૂા. એક-એક લાખના ચેકનું વિતરણ મત્સ્ય વેચાણ કરતા હસીનાબેન અને જુલુબેનને ઇસ્યુલેટેડ બોકસ અને માછીમારોને લાઇફ સેવિંગ જેકેટનું વિતરણ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.
આ સમારોહમાં કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોઘોગ મંત્રી શ્રી દિલીપ સંધાણી, સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણી, ધારાસભ્યો સર્વ શ્રી રાજસીભાઈ જોટવા, વંદનાબેન મકવાણા, કાલુભાઈ રાઠોડ, ભગવાનજીભાઈ કરગટિયા, નગરપાલિકા, વેરાવળના પ્રમુખ શ્રી મંજુબેન ગોહેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંજુબેન રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માધાભાઇ બોરીચા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મોહન દક્ષિણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભાવનાબેન ચીખલીયા, વેરાવળ ખારવા સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ, અખિલ ગુજરાત માછીમારી એસોસિયેશનના મંત્રી શ્રી તુલસીભાઈ ગોહિલ, સી ફુડ એકસપો એસોસિયેશનના મંત્રી શ્રી જગદીશભાઈ ફોફંડી, અગ્ર સચિવ શ્રી કૈલાસનાનથ, પ્રભારી સચિવ શ્રી વિપુલ મિત્રા, મત્સ્યોઘોગ સચિવ ર્ડા. દિનેશ બ્રહ્મભટ્ટ, મત્સ્યોઘોગ કમિશનર શ્રી દરબાર, જિલ્લા કલેકટર શ્રી મનિષ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિલીપ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.