મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૧મી સદીને જ્ઞાનની સદી ગણાવતા જ્ઞાનસંપદાના ઉપાસક એવા શિક્ષકની સદી બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ર૧મી સદી જ્ઞાનની સદી છે અને ભારતની સાંસ્કૃતિક ધરોહરનો ઇતિહાસ સાક્ષી છે કે જ્ઞાનયુગમાં હિન્દુસ્તાન જ વિશ્વનું નેતૃત્વ કરે છે અને કરશે.
પ્રાંસલામાં શિક્ષક ચિન્તન શિબિરમાં શિક્ષકના કર્તવ્યધર્મ પ્રત્યે આદરભાવ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર દુનિયામાં લાખોની સંખ્યામાં ઉત્તમ શિક્ષકોની જરૂર છે અને ઉત્તમ શિક્ષકના નિર્માણ માટે ગુજરાતે પહેલ કરી છે.
સ્વામી ધર્મબન્ધુના વેદિક મિશન ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટ જિલ્લાના પ્રાંસલામાં યોજાઇ રહેલી શિક્ષક ચિન્તન શિબિરમાં ગણમાન્ય શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં પ્રેરક સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીવન ચારિત્ર્યના ધડતર અને જીવનની પ્રગતિમાં માતા અને શિક્ષકનો મહિમા વિશ્વસ્વીકૃત બનેલો છે.
સાંસ્કૃતિક માનવ ઇતિહાસની ધરોહરમાં ચાણકય જેવા મહાપુરૂષ, જેણે યુગ બદલાવવામાં પોતાનું સ્થાન અંકિત કર્યું તે પોતાને "શિક્ષક' તરીકે ઓળખાવવાનું ગૌરવ લેતા હતા. જો શિક્ષકનો આટલો મહિમા હોય તો ર૧મી સદી જે હિન્દુસ્તાનની સદી બનવાની છે તેમાં સાંસકૃતિક વિરાસતનો ઇતિહાસ સાક્ષી છે કે જ્ઞાનયુગનું વિશ્વમાં નેતૃત્વ હિન્દુસ્તાને જ કરેલું છે અને જ્ઞાનની ધરોહરના જ્ઞાનના ઉપાસક શિક્ષકોની જ આ જ્ઞાનની સદી રહેવાની છે.
હિન્દુસ્તાનને વિશ્વગુરૂ બનાવવામાં શિક્ષકની નિર્ણાયક ભૂમિકાને પુરસ્કૃત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે શિક્ષક આજીવન આવતીકાલનો ભાગ્ય ધડતર નિર્માતા બની રહે છે.
ગુણાત્મક શિક્ષણ વિશેના ચિન્તનને સંસ્થાગત વ્યવસ્થારૂપે સંવર્ધિત કરવાની જરૂર ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હજારો સાલથી સંયુકત કુટુંબ સંસ્થાએ સમાજને પ્રગતિપથ ઉપર ટકાવી રાખ્યો છે. યુગ બદલાયો છે, શિક્ષણની પધ્ધતિ બદલાઇ છે, જ્ઞાન-ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે ત્યારે આધુનિક શિક્ષણની વ્યવસ્થા સાથે શિક્ષણના મૂળ આત્મા-સત્વને અકબંધ રાખીને માનવ સંસાધનને સશકત બનાવવાની જરૂર છે-પરિવારની સંયુકત કુટુંબ પ્રથા આ સંદર્ભમાં એક યુનિવર્સિટી હતી, પરંતુ હવે કુટુંબનો વિભકત થતા બાળકના સશકિતકરણ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીની જરૂર ઉભી થઇ છે અને દુનિયામાં પણ ગુજરાતે જ આ બાળ સશકિતકરણના વૈજ્ઞાનિક બાળશિક્ષણ માટેના વિશ્વવિઘાલય સ્થાપવાની પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
જેમ કંપની કોર્પોરેટ સેકટરમાં IIM-IITના કુશળ માનવસંપદાની પ્રતિષ્ઠા છે એમ ગુજરાતમાં IITE જેવી ટિચર્સ યુનિવર્સિટી શરૂ કરીને ઉત્તમ શિક્ષકના નિર્માણથી આખી દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત પૂરી પાડે તેવું તેમનું સપનું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ભારત પાસે જે વિશાળ યુવા માનવ સંપદા છે તેનું ઉત્તમ શિક્ષક રૂપે ધડતર કરીને દુનિયાને સંસ્કાર વિરાસતના શિક્ષકો આપવાની ક્ષમતા હિન્દુસ્તાન ધરાવે છે તે પૂરવાર કરવાનું આહ્્વાન તેમણે આપ્યું હતું.
ગુજરાત, સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરવા પ્રતિબધ્ધ છે અને આગામી ઊર્જાશકિતમાં એનર્જી પેટ્રોલિયમ સેકટર કુશળ માનવ સંસાધન શકિતના નિર્માણમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા વૈજ્ઞાનિક પશુઉછેર-પશુસંવર્ધન ક્ષેત્રે માનવશકિત પ્રશિક્ષણનું વિશ્વકક્ષાનું અધ્યયન વ્યવસ્થાપન ઉભૂં કરવાની ગુજરાત સરકારની નેમ વ્યકત કરી હતી.
ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપનાની વિશિષ્ઠ ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે ભારતમાં પહેલીવાર ગૂના સંશોધન ક્ષેત્રે અને સુરક્ષાના ક્ષેત્રે આધુનિક કુશળ માનવશકિતને પ્રશિક્ષિત કરવાની શરૂઆત ગુજરાતે જ કરી છે.
એન.સી.ઇ.આર.ટી.ના પૂર્વ અધ્યક્ષશ્રી જે. એસ. રાજપૂતે કહ્યું હતું કે આ દેશમાં બે પ્રકારના લોકો છે. એક નિરાશાવાદી, બીજા આશાવાદી. આશાવાદી વ્યકિત વિકાસ પરત્વે આગળ વધે છે. ગુજરાતનું નેતૃત્વ આશાવાદી હોવાથી અહીં વિકાસ થયો છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પણ ધણા નવપ્રવર્તક પગલાં લેવામાં આવ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ધણા સુધારા થયા છે. આજના યુવાનો માટે શ્રી નરેન્દ્રભાઇ મોદી આદર્શરૂપ છે.
શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, અધ્યાપક યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ આશાવાદી નેતૃત્વનું પરિણામ છે જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે.
પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સાફો તથા શાલ ઓઢાડીને વૈજ્ઞાનિકો શ્રી આભાષ મિત્રા, શ્રી એસ. એસ. રાવ અને શ્રી અરવિંદભાઇએ સન્માન કર્યું હતું. સંસ્થામાં વિવિધ સેવા આપનાર વ્યકિત વિશેષોનું મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિકો ડો. આભાષ મિત્રા, શ્રી રાવ, શિક્ષણવિદ શ્રી ર્ડા. જી. રવિન્દ્ર, ર્ડા. રાજેન્દ્ર દિક્ષિતનું મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ સન્માન કર્યું હતું.
આચાર્ય આદિત્ય સ્વામી અને સ્વામી શ્રી સુરેન્દ્રાનંદજીનું પણ મુખ્યમંત્રીશ્રીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માંકડીયા, કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી નલીન ઉપાધ્યાય, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. ડી. બગડા, શિબીરાર્થી શિક્ષક ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે આભારદર્શન શ્રી રાજેન્દ્ર દિક્ષિતે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વામી શ્રી ધર્મબંધુજી મહારાજે કર્યું હતું.
કાર્યક્રમ પૂર્વે પંજાબ રાજ્યના મહિલા અને બાળકલ્યાણ મંત્રી સુશ્રી લક્ષ્મીકાંતા ચાવલાએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.