ગુજરાત સરકારે ખેતીવાડી, પીવાના પાણી, ધાસચારો, રોજગારી અને દુષ્કાળ રાહતના આયોજનના પ્રાથમિક અંદાજ માટે રૂા ૧૪૬૭૩ કરોડની જરૂરિયાત રજૂ કરી
૭-૮ ઓગસ્ટે કેન્દ્રીય સમિતિની મળનારી બેઠકમાં ગુજરાત સરકાર વિગતવાર દુષ્કાળ રાહતની કેન્દ્રીય સહાય માટેનું મેમોરેન્ડમ રજૂ કરશે
કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શરદ પવારના નેતૃત્વમાં ગુજરાતની દુષ્કાળની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા આવેલી ભારત સરકારની સમિતિ સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની કેન્દ્રીય સહાય માટે અસરકારક રજૂઆતો
ગુજરાતમાં દુષ્કાળના ગંભીર પડકારને પહોંચી વળવા માટેના કેન્દ્રીય સહાયના ધોરણોની વાસ્તવિક પૂનવિચારણા થવી જોઇએ
મુખ્યમંત્રીશ્રીના પ્રભાવક સૂચનો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારે, કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શરદ પવારની અધ્યક્ષતામાં, ગુજરાતની પ્રવર્તમાન દુષ્કાળની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવેલી ભારત સરકારની કેન્દ્રીય સમિતિ સમક્ષ, રાજ્યમાં તદ્દન અપૂરતા વરસાદ અને ચોમાસાની અનિヘતિતાને ધ્યાનમાં લઇને દુષ્કાળના ગંભીર પડકારને પહોંચી વળવાની પ્રતિબધ્ધતા સાથે ખેતીવાડી, પીવાનું પાણી, ધાસચારો, ગ્રામ-રોજગારીના રાહતકામો અને આનુસંગિક જરૂરિયાતોના સંદર્ભમાં તત્કાલ કેન્દ્રીય સહાય માટે અસરકારક રજૂઆતો કરી હતી. કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી સાથે ભારત સરકારના ગ્રામવિકાસ મંત્રીશ્રી જયરામ રમેશ અને વિવિધ કેન્દ્રીય સચિવો તથા ગુજરાતના નાણાંમંત્રીશ્રી વજૂભાઇ વાળા, મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, જળસંપત્ત્િામંત્રીશ્રી નીતિનભાઇ પટેલ કૃષિમંત્રીશ્રી દિલીપ સંધાણી, ઊર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, જળસંપત્ત્િા સલાહકારશ્રી બી. એન. નવલાવાલા અને તમામ સચિવોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકારે પ્રવર્તમાન દુષ્કાળના પડકારનો સામનો કરવા ર૬ જિલ્લાઓનો મોન્સુન કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકયો છે અને વરસાદના અભાવે ખેતીવાડીને થઇ રહેલા નુકશાન, પીવાના પાણીની અછત, પશુધન માટે ધાસચારાનો પૂરવઠો તથા ગ્રામીણ રોજગારી સહિતના સંલગ્ન દુષ્કાળ રાહતની કાર્યયોજનાના તાત્કાલિક ટૂંકાગાળા અને લાંબાગાળાના આયોજનની પ્રાથમિક જરૂરિયાતો માટે રૂા. ૧૪૬૭૩ કરોડનો અંદાજ રજૂ કર્યો હતો.આ સંદર્ભમાં, કેન્દ્રીય કૃષિમંત્રીશ્રીએ આગામી ૭ મી ઓગસ્ટે કેન્દ્રીય સમિતિની ગુજરાતમાં દુષ્કાળને પહોંચી વળવા માટે કેન્દ્રીય સહાયની વિચારણા માટે બેઠક યોજાવાની છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર તે અગાઉ કેન્દ્રીય સહાય માટેનું સર્વાંગીણ પાસાંઓને આવરી લેતું આવેદનપત્ર રજૂ કરશે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી શરદ પવાર અને શ્રી જયરામ રમેશ સહિત કેન્દ્રીય સમિતિ સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી સારા ચોમાસાના કારણે ખેતી, પીવાના પાણી, ધાસચારો અને ગ્રામવિકાસ સહિત રાજ્યના આર્થિક-સામાજિક જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવેલું છે અને ઉત્પાદકીય અસ્કયામતોને જાળવવા, માટે તથા દુષ્કાળના પડકારની અસરો લાંબાગાળાની હોવાથી કેન્દ્રના સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (SDRF) અને નેચરલ કેલેમિટી રિલીફ ફંડની કેન્દ્રીય સહાયના ધોરણો વિશે પૂનઃવિચારણા કરવાની જરૂર છે. તત્કાલ દુષ્કાળ રાહતના પ્રવર્તમાન કેન્દ્રીય માપદંડોને આધારે કેન્દ્ર સરકારની રાહત પેકેજની પધ્ધતિમાં પણ આમૂલ બદલાવ અનિવાર્ય બની ગયો છે. ગુજરાત દશ વર્ષ પછી, વિનાશક ભૂકંપની આફતને અવસરમાં પલ્ટાવીને સાતત્યપૂર્ણ વિકાસ કરી શકયું છે અને દશ વર્ષ પછી અત્યારે સર્જાયેલા દુષ્કાળના સંકટની આપત્ત્િાને પણ અવસરમાં બદલવા પ્રતિબધ્ધ છે ત્યારે તેની ક્ષમતાને બળવત્તર બનાવે તેવા કેન્દ્રીય સહાયના ધોરણોથી ગુજરાતને મદદરૂપ થવું જોઇએ જે સરવાળે ભારત માટે પણ લાભકારક બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર નર્મદા બંધના દરવાજા મૂકવાના નિર્ણયમાં કેન્દ્રીય મંજૂરીમાં અસહ્ય વિલંબથી નર્મદાના પાણી અને વિજળીના પૂરેપૂરા લાભો ગુજરાત સહિત ચારેય ભાગીદાર રાજ્યોને મળતા નથી અને નર્મદાનું પાણી વેડફાઇ જાય છે તે હકિકત પ્રત્યે ધ્યાન દોર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વીજળી ક્ષેત્રે દેશનું એકમાત્ર પુરાંતવાળું "પાવર સરપ્લસ સ્ટેટ' છે અને ભારત સરકાર જો ગેસ આધારિત વીજમથકોના ઇંધણ માટે ગેસનો પૂરતો પૂરવઠો આ દુષ્કાળના એક વર્ષ માટે આપે તો ર૦૦૦ મેગાવોટ વીજળી પૂરવઠો દેશના વીજળીની ખેચવાળા રાજ્યો અને વિસ્તારોને મળી શકે એમ છે. રાષ્ટ્રીયહિતમાં કેન્દ્ર સરકારે આનો નિર્ણય કરવાની જરૂર છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાંથી દુધનું ઉત્પાદન ૯૮ લાખ મેટ્રીક ટન થતું રહ્યું છે અને અબોલ પશુધન માટે દુષ્કાળમાં ધાસચારાની જરૂરિયાત ગુજરાતને પૂરતા પ્રમાણમાં મળે તો જ દેશને દૂધ પુરૂં પાડતા ગુજરાતને કેન્દ્રીય સહાય દ્વારા દુધનો સાતત્યપૂર્ણ પૂરવઠો ઉપલબ્ધ થશે. ધાસચારા માટેની કેન્દ્રીય સહાયના ધોરણમાં આ દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને રાખવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાતમાં અપૂરતા વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે જૂન-ર૦૧ર થી જ સમયસૂચકતા વાપરી, સજ્જ બનીને વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉચ્ચ સત્તાધિકાર સમિતિને કાર્યરત કરી હતી તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કચ્છ-સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેથી રાજ્યમાં સરેરાશ ઓછા વરસાદની ગણતરીની પધ્ધતિ કારગત નિવડશે નહીં. અગિયાર જિલ્લાઓ તીવ્ર અસરગ્રસ્ત છે જ, પણ બાકીના ૧પ જિલ્લાઓ પણ દુષ્કાળની વ્યાપક અસરોથી બાકાત નથી.
મુખ્યમંત્રીશ્રીએ નરેગા દ્વારા ઉત્પાદકીય રાહતકામો દ્વારા રોજગારી માટેના હાલના ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી સહિત ગુણાત્મક સુધારા કરીને નરેગા દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રોજગારીની વાસ્તવિક જરૂરિયાતો ધ્યાનમાં લેવા અનુરોધ કર્યો હતો. પશુપાલન અને દૂધ ઉત્પાદનને ખેતીવાડી જેટલું જ મહત્વ ગુજરાતમાં અપાય છે તે રીતે ગ્રામીણ અર્થતંત્રને દુષ્કાળમાં ટકાવવા માટેની શકિતનો અહેસાસ કેન્દ્રીય સહાયમાં કરાવવા તેમણે માંગણી કરી હતી.
છેલ્લા દશ વર્ષના ગુજરાતના વરસાદની તુલના જોતાં કચ્છ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ૭૯ ટકા અને ઉત્તર ગુજરાત પ૮ ટકા વરસાદની અછત છે. ગુજરાત સરકારે ખેડુતોનો વાવેતરનો ઉભો પાક બચાવવા અને ખરીફ-રવિ પાકો માટે કૃષિવિષયક વીજજોડાણો એક લાખ જેટલા યુધ્ધના ધોરણે આપવા અને પીવાના પાણી માટે નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન નેટવર્કના ખૂટતી કડીના તમામ કામો પૂરાં કરવા માટેની ઝૂંબેશ ઉપાડી છે અને, ધાસચારાના વાવેતર માટે ગૌશાળા-પાંજરાપોળોને સરકારી ખરાબાની જમીન દુષ્કાળના સમયમાં આપવાની યોજના હાથ ધરી છે એટલું જ નહીં, વ્યાપક ધોરણે ધાસચારો ઉત્પાદન કરવાનો પ્રોજેકટ ઉપાડયો છે તેની રૂપરેખા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તેમણે દેશમાં દુષ્કાળનું સંકટ ધ્યાનમાં રાખી વડાપ્રધાન સમક્ષ મોટા ગ્રાસલેન્ડ વિકસાવવાની જરૂર સમજાવી હતી. જેના માટે જરૂરી સરકારી પડતર જમીનો, ધાસનું બિયારણ, આર્થિક સહાય, ધાસનું પરિવહન વગેરેની કેન્દ્રીય સહાયની પ્રોત્સાહક નીતિ ધડવી જોઇએ. ધાસચારા માટે રેલ્વે પરિવહન ફ્રેઇટ-નૂરમાં માફી આપવી જોઇએ એવી માંગ તેમણે કરી હતી.
કેન્દ્રીય સહાયની અછત રાહત પેકેજની નીતિઓ આમૂલ ફેરફાર માંગી લે છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચોમાસાની નિષ્ફળતા પછી પણ દુષ્કાળની અસરો ખૂબ લાંબાસમય સુધી રહેતી હોવાથી SDRFમાં પીવાના પાણી, કેટલકેમ્પ, ખેતી માટે રેઇન ફેડ એરિયામાં હેકટર દીઠ રૂા. ૩૦૦૦ની સહાય જેવા જૂના અને નજીવા ધોરણો તાત્કાલિક નવેસરથી ધડવા જોઇએ. SDRFમાંથી ૩૦ ટકા રકમ કેન્દ્ર સરકારે રાજ્યોને તેના વિવેકાધિન ધોરણે ખર્ચ કરવાની છૂટ આપવી જોઇએ એવી માંગ કરી હતી.
અછત રાહત પેકેજના તત્કાલ સહાયની કેન્દ્રીય જાહેરાતોમાં, મૂળભૂત રીતે જ કેન્દ્ર સરકાર રેગ્યુલર બજેટની જોગવાઇની ફાળવણી કરે છે અને રાજ્યોને મળવાપાત્ર હકકની, હપ્તાની રકમ એડવાન્સ છૂટી કરે છે તે પર્યાપ્ત નથી, એટલું જ નહીં કેન્દ્ર સરકારના ધોરણો એવા હોય છે કે નાણાં ઉપલબ્ધ હોવા છતાં ખર્ચ કરવાનો માર્ગ રહેતો નથી. આથી આવા કેન્દ્રીય રાહત સહાય પેકેજોમાં બજેટની મૂળ યોજનાને બદલે અલગ દુષ્કાળ રાહતની ફાળવણી થાય અને રાજ્યોને તેની સ્થાનિક જરૂર પ્રમાણે ખર્ચ કરવાની મંજૂરી મળે તે આવશ્યક છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખાઘતેલની આયાત માટે રાજ્ય સરકારની એજન્સીને પણ છૂટ આપવાની માંગણી મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. ગુજરાતે જળવ્યવસ્થાપન માટેની આંતરમાળખાકીય સુવિધાઓનું જનભાગીદારીથી જે નેટવર્ક વિકસાવ્યું છે અને દુષ્કાળના સમયમાં તેની ઉપયોગીતા જોતાં કેન્દ્રીય સહાય આપવા તેમજ આજે કૃષિવિષયક વીજળી પૂરવઠો ૧૮ મીલીયન યુનિટથી વધીને પ૯ મીલીયન યુનિટ ઉપર પહોંચ્યો છે ત્યારે દુષ્કાળ રાહત માટેની કેન્દ્રીય સહાયના ધોરણોમાં ગુજરાતની દુષ્કાળના પડકારને પહોંચી વળવાની ક્ષમતા ધ્યાનમાં લેવાવી જોઇએ એમ સ્પષ્ટપણે તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શરદ પવાર અને કેન્દ્રીય ગ્રામવિકાસ મંત્રીશ્રી જયરામ રમેશે ગુજરાત સરકારના દુષ્કાળના પડકારને પહોંચી વળવાના વ્યવસ્થાપનને આવકારતા જણાવ્યું કે કેન્દ્રીય સમિતિને ભારત સરકારે જે મેન્ડેટ આપેલો છે તેમા તત્કાલ જરૂરિયાતોને પહોંચી વળવા કેન્દ્રીય મદદ અંગે વિચારણામાં લેવાશે. આગામી તા.૭-૮ ઓગસ્ટે આ કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે તેને અનુલક્ષીને ગુજરાત સરકાર તેનું મેમોરેન્ડમ કેન્દ્રીય સહાય માટે આપે એવું સૂચન તેમણે કરતા મુખ્યમંત્રીશ્રીએ તેનો સ્વીકાર કર્યો હતો. લાંબાગાળાના તથા ટૂંકાગાળાના આયોજનની કેન્દ્રીય સહાય અંગે વખતોવખત રાજ્ય સરકારના સૂચનો મેળવીને કેન્દ્રીય સમિતિ યોગ્ય વિચારણા જરૂર કરશે એમ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી જયરામ રમેશે રૂરલ ડ્રીન્કીંગ વોટર સપ્લાય માટે રૂા. ૪રપ કરોડ તત્કાળ છૂટા કરવાની ખાતરી આપી હતી અને નરેગામાં ૧૦૦ દિવસના ગેરંટેડ રોજગાર વ્યકિતદીઠ નહી, પણ પરિવારના આધારે અપાશે જેમાં ૧૦૦ દિવસના બદલે ૧પ૦ દિવસ કરવાની વિચારણા થઇ રહી છે એમ જણાવ્યું હતું.