રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે સી.એન.જી. ગેસના ભાવમાં થયેલા વધારા માટે કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુ.પી.એ. સરકારની સી.એન.જી. ગેસની ફાળવણી અને ભાવો બાબતમાં ગુજરાતની ભાજપા સરકારને હળાહળ અન્યાય કરતી બેધારી નીતિને સીધી જવાબદાર ગણાવી છે અને જણાવ્યું છે કે સી.એન.જી.ના ભાવવધારા માટે માત્રને માત્ર કેન્દ્રની કોંગ્રેસશાસિત સરકાર જ જવાબદાર છે અને ગુજરાત સરકારની કોઇ જ નિયંત્રણ કે ભૂમિકા નથી તેમ છતાં કોંગ્રેસ તેની કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારને બચાવવા ઢાંકપિછોડો કરવા હળાહળ જૂઠાણું ફેલાવી રહી છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે કેન્દ્રની આઇઓસી (IOC), બી.પી.એલ. (BPL) અને એચ.પી.સી.એલ.(HPCL) પેટ્રોલ કંપનીઓએ ઓઇલ માર્કેટીંગ કંપનીઓના નામે CNG ગેસના ભાવમાં કીલોગ્રામ દીઠ રૂા. ૧.૧પના ભાવમાંથી રૂા. ૧.૭૮ ભાવ વધારો કર્યો છે જે ભાવ વધારાની સીધી અસર CNG ગેસ વાપરનારા ગુજરાતના વાહન ચાલકો ઉપર થતા બોજ વધ્યો છે. આ ભાવવધારો તેના વિતરકોના કમિશન માટે જ કરવામાં આવ્યો છે. હકિકતમાં કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે છેલ્લા ૧૯ મહિનામાં ૧૯ વખત CNG ગેસના ભાવો ઉત્તરોત્તર વધારી દીધા છે જે આ સાથેના કોઠામાંથી પૂરવાર થાય છે.
CNG ગેસની ફાળવણીમાં એકમાત્ર ગુજરાતને સરાસર અન્યાય કરતી કેન્દ્ર સરકારને ભાવવધારા માટે દોષિત ઠેરવતા પ્રવકતા મંત્રીશ્રીઓને એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારની કંપની પેટ્રોનેટ માત્ર ગુજરાત સરકારને ભારતનો CNG ગેસ ફાળવવાને બદલે આયાતી ગેસ ફાળવે છે જેની પણ ભાવવધારા ઉપર સીધી અસર થાય છે. ગુજરાતને કેન્દ્રની પેટ્રોનેટ LNGનો આયાતી ગેસ મોંઘા ભાવે શા માટે લેવાની ફરજ પાડવામાં આવે છે?
આ ઉપરાંત કેન્દ્ર સરકાર મુંબઇ-મહારાષ્ટ્ર અને દિલ્હીની કોંગ્રેસ શાસિત સરકારોને APM ફોર્મ્યુલાના સસ્તા ભાવે CNG ગેસ આપે છે તેમ ગુજરાત સરકારને કેમ આપવા તૈયાર નથી? તેવો વેધક પ્રશ્ન પણ પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે જો કેન્દ્ર સરકાર ગુજરાતને પણ મુંબઇ અને દિલ્હીની સરકારોને એડમિનિસ્ટ્રેટીવ પ્રાઇઝ મિકેનિઝમ (APM) ફોર્મ્યુલા તથા કે.જી. બેસિનની ફોર્મ્યુલાથી CNG ગેસના ભાવે ફાળવણી કરે તો ગુજરાત સરકાર CNGના પ્રવર્તમાન ભાવોમાં આજે પણ ૩૦ ટકા ઘટાડો કરવા તત્પર છે.
ગુજરાતના કોંગ્રેસના આગેવાનોનું કેન્દ્રની પોતાના જ પક્ષની સરકારમાં કાંઇ જ ઉપજતું નથી ત્યારે કોંગ્રેસના આગેવાનો ખોટા અને હળાહળ જૂઠાણાની નિવેદનબાજી કરવાને બદલે ગુજરાતના CNG ગેસ વાપરનારા વાહનચાલકોના હિતમાં કેન્દ્ર સમક્ષ સાચી હકિકતો રજૂ કરવાની હિમ્મત દાખવે અને રાજકીય રોટલા શેકવાની માનસિકતા છોડે તો પણ ગુજરાતના હિતમાં ગણાશે.