ગુજરાત પોલીસ અકાદમીઃ કરાઇ
સામાન્ય નાગરિકની સેવા-સુરક્ષા-સહાય માટેનું ઉત્તમ દાયિત્વ નિભાવીએ
લોકરક્ષક પોલીસ સંવર્ગ તાલીમાર્થીઓનો શાનદાર દિક્ષાંત સમારોહ
મુખ્યમંત્રીશ્રીએ લોકરક્ષક પોલીસ પાસીંગની પરેડનું સલામી નિરીક્ષણ કર્યું
રાષ્ટ્રપતિશ્રીના પ્રસંશનિય પોલીસ સેવા મેડલ વિજેતા પોલીસ અધિકારીઓને ચન્દ્રક અલંકરણ કરી સન્માનિત કરતા નરેન્દ્રભાઇ મોદી
લોકરક્ષક સંવર્ગમાં ૪૭૩ પ્રશિક્ષિત તાલીમાર્થીઓમાં ૧પ૦ કન્યાઓ અને ૧૬૦ સ્નાતકો તથા પ૭ અનુસ્નાતકોની સામર્થ્યવાન શકિતને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
હિન્દુસ્તાનમાં સૌથી યુવા ટેકનોસેવી પોલીસદળનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે પોલીસ દળના આધુનિકરણ સાથે પોલીસ તાલીમનું પ્રોફેશનલ
ગુણાત્મક માળખુ ઉભૂં કરતું ગુજરાત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પોલીસ અકાદમી-કરાઇમાં નવપ્રશિક્ષિત એવા ૪૭૩ લોકરક્ષક પોલીસ સંવર્ગના તાલીમાર્થીઓની શાનદાર દિક્ષાન્ત પરેડનું સલામી નિરીક્ષણ કરતાં ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે ગુજરાત પોલીસદળ આજે દેશનું સૌથી સુશિક્ષિત ટેકનોસેવી યુવા પોલીસદળ બની ગયું છે.
તેમણે સામાન્ય નાગરિકની સેવા-સુરક્ષા-સહાય માટેનું ઉત્તમ દાયિત્વ નિભાવવાનું ઓજ અને તેજ પ્રગટ કરવાનું આહ્્વાન આપ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રપતિશ્રીના પ્રસંશનિય સેવા પોલીસ ચન્દ્રક વિજેતા ૩૦ પોલીસ અફસરો જેમાં રાજ્યના પોલીસ વડાથી લઇને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે તેમને સેવા ચન્દ્રકોથી અલંકૃત કરીને અભિનંદન આપ્યા હતા.
ગુજરાત પોલીસ દળમાં ટેકનોસેવી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ યુવાશકિત છેક પાયાની કેડરમાં જોડાઇ છે જે પોલીસની ભવિષ્યની બધી જ કેડરો માટે નવી તાકાત અને સામ્થર્ય પૂરવાર કરશે.
ગુજરાત પોલીસ દળના આધુનિકરણ સાથે પોલીસ તાલીમનું સર્વગ્રાહી માળખું આધુનિકત્તમ અને પ્રોફેશનલ બનાવી દીધું છે અને જૂની પરંપરાગત પોલીસ તાલીમના વ્યવસ્થાપનને તેજ ગતિથી બદલાતા કાયદો અને વ્યવસથાને જાળવવા તથા સામાન્ય જનની સુરક્ષાના પડકારો સામે સુસજ્જ વર્દીધારી પોલીસ દળનું માનવ વિકાસ વ્યવસ્થાપન કર્યું છે તેની સવિસ્તર રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં પોલીસ તાલીમમાં સ્થગિતતા નહીં પણ નવા પ્રશિક્ષણના આયામો ઉમેર્યા છે. ચાર પોલીસ તાલીમ સંસ્થાઓને ગુણાત્મક પરિવર્તન કરીને આધુનિક પોલીસ તાલીમના ઉત્કૃષ્ઠ કેન્દ્રો તરીકે તેને નવા પરિમાણો આપ્યા છે એટલું જ નહીં, હવે તો જિલ્લે-જિલ્લે પોલીસ તાલીમની આધુનિક સુવિધા કરવામાં આવી છે જેમાં વરિષ્ઠ અનુભવ સિધ્ધ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં ગુજરાત પોલીસ દળની બધી જ કેડરો માટે ઉત્તમ ટ્રેઇનીંગનું સંસ્થાગત માળખું ઉભું થઇ જશે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસની તેજ ગતિના ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે સેવા નોકરીની ખૂબ વ્યાપક તકો અને માંગ હોવા છતાં રાજયના પોલીસ દળમાં ગુજરાતની કન્યાઓ સહિત જવાનો સુશિક્ષિત બનીને જોડાઇ રહ્યા છે તેનાથી પોલીસ દળ અને શાસન વ્યવસ્થાને નવી શકિત મળશે એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે વર્દીની શાન સાથે મહિલાશકિત પણ પોતાના સામર્થ્ય સાથે સુરક્ષા સેવામાં ઝડપથી પોતાનું કૌશલ્ય પૂરવાર કરી રહી છે.
ભૂતકાળમાં પોલીસદળમાં ભરતી ખૂબ મર્યાદિત હતી પણ તેમ છતાં તેની પ્રક્રિયામાં ભ્રષ્ટ રીતિનીતિની અનેક ફરિયાદો અને શોષણની વાતો સૌને ખબર છે પરંતુ આ સરકારે સાત વર્ષમાં પોલીસમાં ર૬૦૦૦ જેટલી જુદી જુદી કેડરોની ભરતી કરી એમાં માત્રને માત્ર સંપૂર્ણ પારદર્શિતા અને યોગ્યતા-ગૂણવત્તાના ધોરણે જ કરી છે. સામાન્ય પરિવારોના યુવાનો મળીને કુલ દશ વર્ષમાં ત્રણ લાખ યુવાનોને આ પારદર્શિ પધ્ધતિથી સરકારી નોકરી મળી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળની બધી જ કેડરોને શારીરિક સૌષ્ઠવ સજ્જતા, ફીઝીકલ ફીટનેસ માટે યોગ-પ્રાણાયમ ઉપર ખાસ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે સ્વસ્થ મન અને સ્વસ્થ તન માટેની કાળજી લેવામાં કોઇ સમાધાન હોવું જોઇએ નહીં.
લોકરક્ષક પોલીસદળમાં સુશિક્ષિત યુવાનો અને મહિલાઓને સંવિધાન અને ત્રિરંગા રાષ્ટ્રધ્વજની નવી શકિત બનવા તેમણે આહવાન કર્યું હતું.
પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીએ તાલીમાર્થીઓને સંવિધાન અને ફરજોના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, ગૃહ અધિક મુખ્ય સચિવશ્રી વરેશ સિન્હા, પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજનસિંહ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાલીમપૂર્ણ કરનારા પોલીસ લોકરક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલીસ અકાદમી ઇનચાર્જ નિયામકશ્રી ટી. એસ. બિસ્તે સ્વાગત પ્રવચન કર્યું હતું. સંયુકત નિયામકશ્રી અતુલ કરવાલે આભારદર્શન કર્યું હતું.