ગુજરાતના વિકાસની આગવી વિશેષતા અને ગતિશીલતાને કેન્દ્રસ્થાને રાખી બેન્કીંગ સેવાઓની ભૂમિકા ઉપર ભાર મુકતા નરેન્દ્રભાઈ મોદી
મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની બેન્કર્સ કમિટીની (SLBC) ફળદાયી બેઠક સંપન્ન
ગુજરાતના અનેક બેન્કીંગ સેવા ક્ષેત્રોના વિકાસની રૂપરેખા આપતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યકક્ષાની બેન્કર્સ કમિટીના અધ્યક્ષસ્થાનેથી ગુજરાતની વિકાસયાત્રાની વિશેષતા, ગતિ અને સર્વદેશિક વિકાસના મોડેલને ધ્યાનમાં રાખીને બેન્કીંગ સેવાઓની અગ્રીમતા સુનિヘતિ કરવા અને વિકાસમાં સહભાગી થવાનું આહ્વાન કર્યું હતું.
ગુજરાતની બેન્કીંગ ક્ષેત્રની બેન્કોની બનેલી આ રાજ્યકક્ષાની બેન્કર્સ સમિટીના સંયોજક તરીકે દેનાબેન્ક છે અને આ ૧૩રમી બેઠક ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના અર્થતંત્રમાં બેન્કીંગ અને ફાઇનાન્સ સેકટરના નિર્ણાયક યોગદાન અને ભૂમિકા સંદર્ભમાં ફળદાયી રહી હતી. નાણા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેટ લેવલ બેન્કીંગ કમિટીએ તેના બેન્કીંગ સર્વિસીઝના એકશન પ્લાન માટેની સમયબદ્ધ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. ગુજરાતની વિકાસયાત્રાની ગતિ જોતાં, બેન્કીંગ સેવાઓના દેશના યોગદાન માટેના સામાન્ય પેરામીટર્સથી અલગ ઊંચા ધોરણોના આધાર ઉપર મૂલવવાની જરૂર ઉપર ભાર મુકતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસના મોડેલની વિશેષતા, સંભાવના, દિશા, બધાનો સર્વગ્રાહી અભ્યાસ કરી બેન્કીંગ સેવાઓની ગુજરાતમાં આગવી ભૂમિકા અપનાવવી પડશે.
ગુજરાતના વિકાસનું મેપીંગ કરવાની આવશ્યકતા બેન્કીંગ સંસ્થાઓએ નક્કી કરવી પડશે તેનું દ્રષ્ટાંત આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, તાલુકા સરકારના અભિગમને ધ્યાનમાં રાખીને તાલુકાવાર બેન્કીંગ સર્વિસ વિકાસ માટે ભાગીદાર બને એ જરૂરી છે.
ગુજરાતમાં કૌલગી સમિતિના અહેવાલને ધ્યાનમાં લઇ ૩૭ પછાત તાલુકાને વિકસીત હરોળમાં લાવવા માટે બેન્કો પણ રાજ્ય સરકારના વ્યૂહમાં સહભાગી બને તેવો અનુરોધ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
ઉમરગામથી અંબાજીના સમગ્ર પૂર્વપટ્ટાના વનવાસી ક્ષેત્રના વિકાસમાં જે પરિવર્તનની ચેતના અને આર્થિક પ્રવૃત્ત્િાઓની નવી ઊર્જા જાગી છે તેને ધ્યાનમાં લઇને બેન્કો આદિવાસી કિસાનો માટેના ધિરાણની નવી વ્યૂહ રચના અપનાવે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ સાગરકાંઠાના પ્રદેશોના વિકાસની સંભાવનાઓ, પ્રવાસન ક્ષેત્રની ઝડપી પ્રગતિ અને કચ્છ જેવા રેગીસ્તાનમાં કૃષિક્રાંતિ તથા હસ્તકલા કારીગરીની ઉત્કૃષ્ઠતા તથા વૈશ્વિક પ્રતિષ્ઠા જેવી ""એરિયા સ્પેસિફિક બેન્કીંગ સર્વિસ''નો એકશન પ્લાન ધડી કાઢવાની પણ હિમાયત કરી હતી. ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના રાજ્યવ્યાપી નેટવર્કની વિશેષ સુવિધાનો ઉપયોગ જોતાં બેન્કીંગ સેવાને જોડીને સામાન્ય માનવીને તેનો મહત્તમ લાભ મળે તે માટેનું આહ્વાન તેમણે આપ્યું હતું.
ગુજરાતે કૃષિ વિકાસમાં ક્રાંતિ કરી છે અને કૃષિ મહોત્સવની સફળતાથી જે ગૌરવ મેળવ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૪ર.૦૯ લાખ કૃષિ ખાતેદારોની ડેટાબેન્ક છે તો કિસાન ક્રેડીટ કાર્ડ વિતરણનું અભિયાન ગતિશીલતાથી પૂરું કરવું જોઇએ. રાજ્ય સરકાર એગ્રોટેકમાં ખૂબ જ આગળ છે ત્યારે અને પ્રગતિશીલ કિસાનો જ નહીં સામાન્ય ખેડૂત પણ મૂલ્યવર્ધી ખેતી તરફ પ્રેરિત થયો છે ત્યારે બેન્કો ખેતીવાડીમાં વેલ્યુએડિશન માટે વિશેષ ધિરાણ આપે, કોલ્ટ સ્ટોરેજ-વેરહાઉસ નેટવર્ક જેવા એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રો ટેકનોલોજી અને એગ્રો હ્યુમન રિસોર્સ ક્ષેત્રમાં બેન્કોએ નવી દિશા અપનાવવી પડશે.
સખીમંડળોની નારીશક્તિને આર્થિક પ્રવૃત્ત્િાઓને નવી ઊંચાઇ ઉપર પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ૦૦૦ કરોડનો કારોબાર પહોંચાડવા પ્રતિબદ્ધ છે તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ બેન્કો ગ્રામ્ય નારી સશક્તિકરણમાં અને ગ્રામીણ અર્થતંત્રને સંગીન બનાવવામાં સામાજિક દાયિત્વ નિભાવે એવી હાર્દિક અપીલ મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.
શૈક્ષણિક બેન્કીંગ ધિરાણ માટે ગુજરાતની ૪૩ યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા મુખ્ય મંત્રીશ્રીએ પ્રેરક સૂચનો કર્યા હતા.
બેન્કો માટે સુરક્ષા-સલામતીના સીસીટીવી કેમેરા બેન્કોની શાખા બહાર રોડ સાઇડ મુકે તો નવી બેન્કીંગ સિકયોરીટી વધુ સંગીન બનશે, એમ તેમણે જણાવ્યું હતું.
દેના બેન્કના ચેરપર્સન-મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નૂપૂર મિત્રાએ સ્વાગત પ્રવચનમાં બેન્કર્સ કમિટીના એજન્ડાની રૂપરેખા આપી હતી.
ઇન્ડીયન બેન્કર્સ એસોસિયેશનના ચેરમેન અને બેન્ક ઓફ બરોડાના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેકટર શ્રી એમ. ડી. માલ્યાએ ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કીંગ ધિરાણ સેવાઓ તથા મહિલા બચત મંડળોને સખીમંડળ અન્વયે અપાતી લોન-સહાયના સારા પરિણામો આદર્શ મોડેલ પુરવાર થયાં છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
નાણા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના કન્વીનર શ્રી સુરેશ પટેલે સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે નાબાર્ડના ચીફ જનરલ મેનેજર શ્રી દવે, રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ક્ષેત્રીય નિયામક શ્રી સુદર્શન સેન તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, દેના બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા સહિતની અગ્રણી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, નાણા અધિક મુખ્ય સચિવ શ્રી શ્રીવાસ્તવ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી મિલીન્દ તોરવણેએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.