ઉત્તર ગુજરાતનો સોલારપાર્ક કલાઇમેટ ચેન્જના પડકાર સામે સૂર્યશક્તિના વિકાસમાં વિનિયોગનો મહિમા અંકિત કરશે
ગુજરાતનું સમગ્ર માનવજાતને સૌર ઊર્જા ક્ષેત્રે પથદર્શક નેતૃત્વઃ મુખ્ય મંત્રીશ્રી
સોલાર પાર્કના ડેવલપર્સ ફોરમ સાથે મુખ્ય મંત્રીશ્રીની ફળદાયી ચર્ચા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે વિશ્વના સૌથી મોટા એવા રણકાંઠાના ચારણકા ગામે વિકસી રહેલા સોલાર પાર્કના સહભાગી ડેવલપર્સ ફોરમના વિકાસકારોના પ્રતિનિધિમંડળે મુલાકાત લઇને ગુજરાત વિશ્વની સૌર ઊર્જાની રાજધાનીનું ગૌરવ મેળવે તે ઉદ્દેશથી આ સોલાર પાર્કનો મહિમા અંકિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ સોલાર પાર્કમાં હાલ ૧પ જેટલા સોલાર એનર્જી ડેવલપર્સ મળીને ૬પ૦ મેગાવોટ સોલાર એનર્જીથી વીજ ઉત્પાદનનો પ્રોજેકટ દેશને ચરણે ગુજરાત સરકારના પ્રોએકટીવ ગવર્નન્સના કારણે માત્ર ૧૬ જ મહિનામાં કાર્યાન્વિત કરી શકયા છે એ માટે રાજ્ય સરકારના પ્રોત્સાહક સહયોગ બદલ ડેવલપર્સ ફોરમે મુખ્ય મંત્રીશ્રીને અભિનંદન આપ્યા હતા.મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સોલાર એનર્જી દ્વારા ગ્લોબલ વોર્મંિગ અને કલાઇમેટ ચેન્જના પડકારો સામે માનવજાતને ગુજરાત નેતૃત્વ પુરંુ પાડી શકે એવું સામર્થ્ય ધરાવે છે. આ સંદર્ભમાં ગુજરાત માત્ર સૌર ઊર્જાના પ્રોજેકટ માટે ગૌરવ લેતું નથી પરંતુ ગુજરાતની ભૂમિ ઉપર સૂર્યશક્તિની ઊર્જા સમસ્ત માનવજાતની સુખાકારીની દિશા બતાવશે. તેમણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે ગુજરાત સરકાર રૂફટોપ સોલર પોલીસી તૈયાર કરી રહી છે. મુખ્ય મંત્રીશ્રીએ ભારતપાકિસ્તાનના સીમાવર્તી ક્ષેત્રમાં સીમા સુરક્ષા દળ દ્વારા સોલાર એનર્જી સીસ્ટમ ઉભી કરવાથી સૂર્યશક્તિથી વીજળી ઉપરાંત ૧પ૦૦ કિ.મી.ની સરહદી સુરક્ષાનો પડકાર પણ ઝીલી શકાશે એવી વડાપ્રધાનશ્રીને દરખાસ્ત કરી હોવાની ભૂમિકા આપી હતી. બિનપરંપરાગત ઊર્જા વિકાસ અને સંશોધન માટે ગુજરાત સરકારે પ્રોત્સાહક અભિગમ અપનાવ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીના સૌર ઊર્જાના દ્રષ્ટિવંત વિકાસવ્યૂહને ડેવલપર્સ ફોરમે પથદર્શક ગણાવ્યો હતો. આ પ્રસંગે ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન પણ ઉપસ્થિત હતા.