હોંગકોંગમાં સેન્ટર ફોર ગ્લોબલ લિબર્ટી એન્ડ પ્રોસ્પેરીટી દ્વારા ભારતના રાજ્યોમાં આર્થિક સ્વતંત્રતા અહેવાલ પ્રસિધ્ધ
દેશના અન્ય કોંગ્રેસી રાજ્યો ખૂબ પાછળ
ભાજપા પ્રદેશ અગ્રણીઓના મુખ્યમંત્રીશ્રીને અભિનંદન
દેશના ગણમાન્ય અર્થશાસ્ત્રી વિશ્લેષકોનો અહેવાલ
સમગ્ર ભારતના રાજ્યોમાં આર્થિક સ્વાતંત્ર્યનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ગુજરાતને ઘોષિત કરવામાં આવ્યું છે. હોંગકોંગમાં સેન્ટર ફોર ગ્લોબલ લિબર્ટી એન્ડ પ્રોસ્પેરિટી કેટો ઇન્સ્ટીટયુટ દર વર્ષે ભારતના રાજ્યોમાં આર્થિક આઝાદીનો આવો મૂલ્યાંકન અહેવાલ બહાર પાડે છે અને ર૦૧૧ના વર્ષમાં સમગ્ર દેશમાં ગુજરાત જ આર્થિક સ્વાતંત્ર્યનું સર્વોત્તમ રાજ્ય જાહેર થયું છે.
હોંગકોંગની કેટો ઇન્સ્ટીટયુટે ફ્રેડરીક નૌમાન સ્ટીફટુંગના સહયોગમાં રહીને ધ ઇકોનોમિક ફ્રિડમ ઓફ ધ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા ર૦૧ર રિપોર્ટ બહાર પાડયો છે જે ભારતના ગણમાન્ય અર્થશાસ્ત્રીઓ સર્વશ્રી બિબેક ઓબેરોય, લવીશ ભંડારી, સ્વામિનાથન, એસ. અંકલેશ્વરિયા ઐયર અને ભારત સરકારના કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટના શ્રી અશોક ગુલાટીએ તૈયાર કર્યો હતો. દેશના પ્રમુખ ર૦ રાજ્યોમાં આર્થિક સ્વાતંત્ર્ય અંગે આ અહેવાલમાં વર્તમાન ગુજરાત સરકારની પ્રસંશા કરતા જણાવવામાં આવ્યું છે કે સને ર૦૦૦ પછી ગુજરાતની વિકાસની સાફલ્ય ગાથા જગજાહેર છે. ખાસ કરીને કૃષિ, સામાજિક ઉત્કર્ષના કાર્યક્રમો અને જળસંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રની કાર્યસિધ્ધિઓ તો સીમાચિન્હ છે.
ગુજરાત સરકારના કદમાં કોઇ વધારો કર્યા સિવાય આ સિધ્ધિ મેળવવામાં આવી છે. ગુજરાતે કોમી રમખાણો અને વિનાશમાંથી બહાર આવીને દુસ્વપ્નરૂપે ભૂતકાળ છોડી દીધો અને વિકાસ કર્યો છે. જ્યારે, અન્ય રાજ્યો જાનમાલની જીવનરક્ષા અને સુરક્ષા ક્ષેત્રે કોઇ સુધારો લાવવામાં સફળ રહયા નથી. આ અહેવાલમાં ગુજરાતની આર્થિક સ્વતંત્રતા માટેની રાજ્ય સરકારની નીતિઓ અને વેપાર ઉદ્યોગમાં ઊંચા સૂચકાંક જાળવવા માટે પ્રસંશા થઇ છે. આ ર૦૧૧ના વર્ષનો આર્થિક સ્વતંત્રતાના મૂલ્યાંકન અહેવાલમાં પ્રથમસ્થાને ગુજરાત, બીજા સ્થાને તામીલનાડુ અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ રાજ્યો છે ત્યારબાદ હરિયાણા અને હિમાચલ પ્રદેશ અનુક્રમે આવે છે જ્યારે બિહાર, ઝારખંડ અને વેસ્ટ બેંગાલ સૌથી નીચેના ત્રણ ક્રમે આવેલા છે.
વિશેષ ગૌરવની વાત એ પણ છે કે, આન્ધ્રપ્રદશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા કોંગ્રેસી રાજ્યો તેમના અગાઉના વર્ષના ક્રમ કરતાં પણ પાછળ રહી ગયા છે, જ્યારે ગુજરાતનો ઇકોનોમિક ફ્રીડમનો ઇન્ડેક્ષ ઉંચો છે જેને અન્ય કોંગ્રેસી રાજ્યો પહોંચી શકે એમ નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ અને અન્ય તમામ વરિષ્ઠ પદાધિકારીઓએ આ શિરમોર ગૌરવસિધ્ધિ મેળવવા માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા છે.