મુખ્યમંત્રીશ્રી પૂણેમાં રક્તદાન, ચક્ષુદાન અને દેહદાનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુની સેવા ઉત્તમ માનવ સેવા - મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહારાષ્ટ્રના પૂણેમાં પૂણે બ્લાઇન્ડમેન્સ એસોસિએશન સંચાલિત એચ.વી. દેસાઇ આંખની હોસ્પિટલ અને ડાયમંડ જ્યુબિલી મહોત્સવના અતિથિ વિશેષ તરીકે જણાવ્યું હતું કે, રક્તદાન, નેત્રચક્ષુદાન અને દેહદાનના ક્ષેત્રે ગુજરાત આખા દેશમાં ગૌરવભર્યુ પ્રથમ સ્થાન ધરાવે છે અને આ ત્રણેય માનવ સેવાનું વિરાટ જન આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે. અંધાપો નિવારવા માટે કુપોષણની પીડાનું નિવારણ કરવા તેમણે ભાર મૂક્યો છે.
પૂણે બ્લાઇન્ડમેન્સ એસોસિએશન વર્લ્ડક્લાસ આઇકેર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એન્ડ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજ્ઞાચક્ષુ પદ્મશ્રી નિરંજનભાઇ પંડ્યાની પ્રજ્ઞાચક્ષુઓને સ્વમાનભેર જીવવા માટેના અવસરની પ્રતિબદ્ધતાને પ્રેરણાસ્ત્રોત ગણાવી હતી. સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ માટેની સેવાઓનું નિરીક્ષણ કરીને મુખ્ય મંત્રીશ્રીએ આંખની સારવાર લઇ રહેલા દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કર્યું હતું. લાખો પ્રજ્ઞાચક્ષુઓને શસ્ત્રક્રિયા પછી નવી દ્રષ્ટિ આપનારી આ સંસ્થાની માનવ સેવા ભાવનાની તેમણે ભરપૂર પ્રશંસા કરી હતી અને દાતાઓનું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજ્ઞાચક્ષુની સેવા એ ઉત્તમ માનવસેવા છે એમ જણાવી સામાન્ય પરિવારના આંખના દર્દીઓને માટે ચેરીટેબલ સામાજિક સેવા સંસ્થા એક આશીર્વાદ સમાન છે. ગુજરાત સહિત દેશમાં સમાજ શક્તિ દ્વારા સેવાના ઉત્તમ કાર્ય અવિરત ચાલે છે, પરંતુ તેની પ્રસિદ્ધિની ખેવના વગર સેવા પ્રવૃત્તિમાં જીવન ખપાવી દેનારા સહુ સેવાવ્રતિઓ અભિનંદનને પાત્ર છે. મુખ્યમંત્રીશ્રીએ માનવીની આંખના મોતીયાના ઓપરેશનની માનવ સેવા સાથે આખી દુનિયામાં એક માત્ર ગુજરાત પશુઓના મોતીયાના ઓપરેશન અને દંતચિકિત્સાની સંવેદનશીલ સેવા કરીને જીવદયાની મિશાલ ઊભી કરી છે, તેની ભૂમિકા આપી હતી.