રાજ્ય માં ૨૧ દિવસ સુધી ચાલનારા પાંચમાં કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતનો કૃષિ વિકાસ ખૂબ ઝડપથી થયો છે અને ગુજરાતના ખેડુતોના પ્રગતિશીલ પરિશ્રમને કારણે ગુજરાત બીજી હરિતક્રાંતિનું નેતૃત્વ લેવા સક્ષમ બન્યુ છે.
ઉત્તર ગુજરાતની ધરતી પરથી શરૂ થયેલાં આ મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યના ૨૨૫ તાલુકાઓને સાંકળીને ખેડુતો તથા ગ્રામ્ય નારીશક્તિ સહિત યુવા ખેડૂતો માટે કૃષિ મેળાવડા, પરિસંવાદો, કૃષિ ક્રાંતિ લાવવા નવિન ટેકનોલોજીનો ઉપયોગ, જળ સંચય તથા પશુ સંવંર્ધન સાથે મૂલ્ય વર્ધિત કૃષિ માટેનાં કાર્યક્રમો હાથ ધરાશે.
આ પ્રસંગે શ્રી મોદીએ કૃષિ વિકાસ માટે સંલગ્ન વિવિધ મહત્વની જાહેરાતો કરી હતી જેમાં સમગ્ર દેશમાં પ્રથમ એવું રાઉન્ડ ધ ક્લોક અધતન પશુ સારવાર કેન્દ્ર ડીસા ખાતે બનાવાશે. સાબરકાંઠામાં પશુ સંવર્ધન તથા સંશોધન હેતુ માટે કામધેનુ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. બનાસકાંઠામાં કુશ્કલ ગામમાં જનભાગીદારીથી પશુ હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે.
ગ્લોબલ વૉર્મિંગ સામે લડત આપવા ગોબર બેંક, ગોબર ગેંસ અને ગોબર ગેંસ ચૂલાની ઝુંબેશ હાથ ધરાશે.
ઉપરાંત ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં જમીન આરોગ્ય વ્યવસ્થાપન અને જળસંપત્તિ વ્યવસ્થાપન નાં અભ્યસક્રમો શરૂ કરાશે. દિવેલા ખેત ક્રાંતિ ઉદય માટે સ્પેશ્યલ ઈકોનોમી ઝોન-સેઝ પણ બનાવાશે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતે જે હરણફાળ ભરી છે તેમાં આ યોજનાઓ અને કૃષિ મહોત્સવો દ્રારા ક્રાંતિ લાવીને સને ૨૦૧૦ સુધીમાં સ્વર્ણિમ જયંતિ વર્ષ માં ગુજરાત કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરશે તેવો સંકલ્પ લઈને આ મહોત્સવને સફળ બનાવવા મુખ્યમંત્રીશ્રીએ આવ્હા્ન કર્યું હતું.