મારા પ્રિય ગુજરાતી ભાઈ-બહેનો,
ગુજરાતનાં લોકોએ ફરી એકવાર પોતાનો મત જાહેર કરી દીધો છે, અને આ વખતે ખૂબ સ્પષ્ટ રીતે કરી દીધો છે! ૨૦૧૨ ની ગુજરાતની ચૂંટણીઓએ બીજા તમામ ક્ષુલ્લક મુદ્દાઓને બાજુએ હડસેલી ફરી એકવાર વિકાસની રાજનીતિ અને સુશાસન પર પોતાની મહોર લગાવી છે. ગુજરાતની જનતાએ અમારા પ્રતિ જે સ્નેહ દર્શાવ્યો, જે ટેકો આપ્યો અને અમારી પાર્ટી તથા સરકાર પ્રત્યે જે અડગ વિશ્વાસ દર્શાવ્યો એ બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાતનાં લોકોએ અમને પ્રચંડ બહુમતી આપી, અને હું ખાતરી આપું છું કે તમે અમારા પર મુકેલ વિશ્વાસને જાળવી રાખવા અમે કોઈ કસર નહિ છોડીએ. ખાસ તો હું અંતરનાં ઉંડાણથી ઈશ્વરનો આભાર માનું છું કે તેણે અમને છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાતની જનતાની સેવા કરવા માટે અપાર શકિત અને આશિર્વાદ આપ્યા છે. પ્રભુએ આવનારા વર્ષોમાં પણ ગુજરાતની સેવા કરવાનો અવસર આપ્યો એ બદલ અમને આનંદ છે.આ ગુજરાતના લોકોનો વિજય છે, આ ગુજરાતની નારીશક્તિનો પણ વિજય છે કે જેણે પોતાનો અવાજ બુલંદ બનાવ્યો છે. આ આપણા યુવાનોનો પણ વિજય છે, જેમણે શરૂઆતથી જ આ ચૂંટણીઓનો ભાર પોતાનાં ખભે ઉપાડી લીધો હતો. આ આપણા ખેડુતભાઈઓનો, નબળા વર્ગનાં લોકો અને વરિષ્ટ નાગરિકોનો પણ વિજય છે, જે સતત અમારા પડખે ઉભા રહ્યા. આ વિજય ગુજરાતનાં સર્વસ્પર્શી, સર્વસમાવેશક અને સર્વાંગી વિકાસ-મોડેલનો તથા સુશાસનનો વિજય છે.
મારા જેવા સાવ સામાન્ય ઘરમાં જન્મેલા માણસને આટલા બધા વર્ષો સુધી સમાજની સેવા કરવાનો અમુલ્ય અવસર મળ્યો તેને હું ભારતીય લોકશાહીની તાકાત ગણું છું. હું સામાન્ય લોકોની વચ્ચે રહીને જ મોટો થયો, અને તેમની શુભકામનાઓએ જ મને અહીં સુધી પહોંચાડ્યો છે અને રાત-દિવસ તેમની સેવા કરવાનો આ પવિત્ર અવસર આપ્યો છે.
જે યુવાનો સમાજની સેવા અને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું યોગદાન આપવા માંગે છે, તેઓ ગુજરાતની આ ચૂંટણીઓમાંથી ઘણું શીખી શકે એમ છે. સખત મહેનતનાં બદલે વંશવાદને જ વધારે મહત્વ મળતું જોઈને ઘણીવાર યુવાનો હતાશ થઈ જતા હોય છે, કે શું રાજનીતિનાં દરવાજા તેમનાં માટે ખુલશે કે નહિ. ગુજરાતે આ પરંપરા બદલી નાખી છે અને દુનિયાને બતાવી આપ્યું છે કે જો તમારામાં પોતાની માતૃભુમિની સેવા કરવાની લગન હોય, અને ભલે ગમે તે થઈ જાય, પણ માર્ગ પરનાં અવરોધો હટાવી દેવાનું સામર્થ્ય હોય તો તમને અવસર મળશે, ભલે તમે ગમે તે જ્ઞાતિ કે વંશનાં હોવ.
ભાજપનાં કાર્યકર્તાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે, કે જેમણે એક ટીમની જેમ કામ કર્યું અને કમળને અગાઉ ક્યારેય નહોતું એટલું ખીલવવા માટે અથાક મહેનત કરી. આ વિજય ભાજપનાં લાખ્ખો કાર્યકર્તાઓનાં બલિદાન અને નિર્ધારની ગાથા છે.
હું હંમેશથી કહેતો આવ્યો છું કે ગુજરાતની ચૂંટણીઓને લોકો કાયમ યાદ રાખશે, કારણકે આ ચૂંટણીએ ભારતનાં લોકોનો ચૂંટણી પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલી દીધો છે. જાતિવાદ અને વોટબેંકની રાજનીતિ તથા ‘ભાગલા પાડો અને રાજ કરો’ જેવા વિભાજનકારી મુદ્દાઓને સમૂળગા હડસેલી દઈને ગુજરાતનાં લોકોએ વિકાસનાં મુદ્દાને અગ્રતા આપી છે અને એ રીતે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આજે સમગ્ર ગુજરાત એકમત થઈને ઉભુ છે અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે આખરે તો વિકાસની રાજનીતિ અને સુશાસનનો જ વિજય થશે.
મિત્રો, સમયની માંગ છે કે છ કરોડ ગુજરાતીઓ હવે એકજૂથ થઈને ઉભા રહે. અમારી સરકાર એવી નથી કે જેણે અમને મત આપ્યો તેની જ દરકાર કરે, અમે રાજ્યનાં પ્રત્યેક માણસની સુખાકારી માટે ચિંતિત છીએ. ગુજરાતની ગૌરવપૂર્ણ વિકાસયાત્રામાં દરેક નાત, જાત અને વર્ગનાં લોકોનો વિકાસ અને સફળતા અત્યંત આવશ્યક છે.
ગરીબી અને વંચિતતા માણસની નાત-જાત જોઈને નથી આવતા. અને વળી, વોટબેંકની રાજનીતિ અને જાતિવાદનાં સમીકરણોથી આ સમસ્યાઓનો અંત નથી આવતો. જો આપણે લોકોનાં જીવનની ગુણવત્તામાં સુધાર કરવો હશે તો સુશાસન અને વિકાસનાં લાભ છેવાડાનાં માણસને પણ મળી રહે એ સુનિશ્ચિત કરવું પડશે. આ જ અમારું વિઝન રહ્યું છે અને આવનારા વર્ષોમાં પણ અમે આ જ દિશામાં પ્રયાસો ચાલુ રાખીશું.
ગુજરાતની પ્રત્યેક સફળતા અને વિકાસ પાછળ અહીંનાં લોકોનો પરિશ્રમ અને પરસેવો રહેલા છે. અમે માત્ર તમારી મહેનતને ટેકો પૂરો પાડ્યો છે અને એક એવું જનકેન્દ્રી વાતાવરણ ઉભુ કર્યું છે કે જેથી તમે વિકાસ કરીને સુખ-સમૃધ્ધિ પામી શકો. કૃષિક્ષેત્રે ગુજરાતે ક્રાંતિ કરી છે, અને બીજી હરિતક્રાંતિનું જનક બન્યું છે. આપણે ગુજરાતને ઉદ્યોગો માટે સાનુકુળ રાજ્ય બનાવ્યું છે, કે જેથી અહીં મોટા પાયે મૂડીરોકાણ થાય અને ઔદ્યોગિક વિકાસ દ્વારા રોજગારીનું સર્જન થઈ શકે. વીજળી, પાણી અને સડક જેવી પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેથી તમને પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ ન પડે, અને તેને લીધે તમારો વિકાસ ન રુંધાય. ગરીબી નાબુદી યોજનાઓનાં લાભ લાભાર્થીઓને સીધેસીધા મળી રહે એ માટે આપણે વચેટિયાઓ અને એજન્ટોને દુર કરી દીધા છે.
છેલ્લા દશકમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં નવ-મધ્યમવર્ગ ઉભો થયો છે. આ એક એવો વર્ગ છે જેને રાજ્ય સરકારની આર્થિક નીતિઓને કારણે વિકાસનાં ફળ ચાખવા મળ્યા છે, અને જેની સુખ-સમૃધ્ધિ વધવા પામી છે. ગુજરાતનાં સમાજમાં ઉભા થયેલા આ નવા વર્ગની સુખાકારીનો ખ્યાલ રાખવો એ અમારી જવાબદારી છે. તેમની જીવન-ગુણવત્તામાં જે સુધાર આવ્યો છે એ તેમની સખત મહેનતનું પરિણામ છે. આ જ ગુજરાતનું ખમીર છે, આ જ ગુજરાતનો જુસ્સો છે, કે જે કાયમ સમયની કસોટી પર ખરો ઉતર્યો છે.
વારંવાર મને પૂછવામાં આવે છે કે, મોદીજી, આવનાર વર્ષોમાં ગુજરાતનાં વિકાસ માટે તમારું શું આયોજન છે. આવનાર વર્ષોમાં અમે ગુજરાતનાં લોકોની સેવા ચાલુ રાખીશુ અને આપ સૌ માટે પ્રગતિ અને વિકાસની તકો ઉભી કરતા રહીશું. અમે એક એવા ગુજરાતનું નિર્માણ કરીશું જ્યાં માત્ર તમે જ નહિ તમારી આવનારી પેઢીઓ પણ સુખમય જીવન જીવી શકશે. હવે ભવ્ય અને દિવ્ય ગુજરાતનાં નિર્માણની યાત્રાનો પ્રારંભ થયો છે!
મિત્રો, તમે જોજો, આગળ હજી વધુ પ્રગતિ, વિકાસ, સુખ, સમૃધ્ધિ ગુજરાતની રાહ જોઈ રહ્યા છે!
જય જય ગરવી ગુજરાત!